ગુજરાત
જૈન સમાજની ગિરિરાજ શેત્રુંજય -પાલીતાણા ખાતે યોજાઈ રેલી
જૈન સમાજની ગિરિરાજ શેત્રુંજય -પાલીતાણા ખાતે યોજાઈ રેલી
જૈન સમાજનું આસ્થાનું કેન્દ્ર પાલીતાણા ખાતે આવેલું છે ત્યારે પાલીતાણામાં દાદા આદીશ્વરના પગલાં સાથે અપકૃત્ય કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે જૈન સમાજ દ્વારા પાલીતાણામાં રેલીનું આયોજન કરાયું હતું.આ ઐતિહાસિક રેલીમાં વિવિધ સંઘ- ગચ્છના ગચ્છાધિપતિ, આચાર્યશ્રીઓ, સાધુ-સાધ્વી ભગવંતો અને અસંખ્ય જૈન શ્રાવક તેમજ શ્રાવિકાઓ જોડાયા અને અંદાજે 3 કિલોમીટર લાંબી રેલી યોજ્યા બાદ નાયબ કલેકટરને દાદા આદીશ્વરના પગલાં પર અપકૃત્ય કરનારની સામે કડક પગલાં લેવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.અને તીર્થ ધામની સુરક્ષા તેમજ જાળવણી માટે જૈન સમાજની વિવિધ 19 જેટલી માંગણીઓ પણ રજુ કરાઈ હતી.
રાજનગરના શ્વેતામ્બર મૂર્તિ પૂજક 200 થી વધુ સંઘોના મહાસંઘ અને મુંબઈના આશરે 1150 શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘોના સંગઠન વતી સમગ્ર વિશ્વના જૈનોની શ્રદ્ધા અને આસ્થાની રાજધાની સમા શ્વાશવતા તીર્થ શ્રી શેત્રુંજય ગિરિરાજની રક્ષા અને પવિત્રતાની અખંડિતતા માટે ગુજરાત રાજ્યની સરકારશ્રીને જૈનોની નીચે મુજબની રજૂઆતો તાત્કાલિક ધોરણે અમલમાં લાવવા સર્વ શ્રી શ્વેતામ્બર મૂર્તિ પૂજક સંઘો વતી આ આવેદન પત્ર આજ રોજ તારીખ 18.12.22 ના રવિવારે ભાવનગરના કલેક્ટરશ્રીને પાલીતાણા તીર્થમાં અર્પિત કરવામાં આવે છે.
શ્રી શેત્રુંજય ગિરિરાજની વર્તમાન કાયદાકીય પરિસ્થિતિનું નિવેદન :
વર્ષ 1877 ના મુંબઈ સરકારના ઠરાવ પ્રમાણે અને નામદાર સુપ્રિમ કોર્ટે માન્ય કરેલ માનનીય ગુજરાત સરકાર પણ જેમાં પક્ષકાર હતી તેવા ગુજરાત હાઈકોર્ટના WP PIL 180/2017 ના તા. 19-08-2021 ના ચુકાદામાં સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે પવિત્ર શત્રુંજય ગિરિરાજ જૈનોનું સૌથી પવિત્ર તીર્થ સ્થાન હોઈ ગિરિરાજ ઉપર તળેટીથી શિખર સુધી ગિરિરાજ કે ગિરિરાજની પવિત્રતાને જોખમ થાય તેમજ જૈનોનું મન દુઃખાય તેવી જૈન ધર્મના સિદ્ધાંતો અને પરંપરાઓ વિરૂદ્ધની કોઈપણ પ્રવૃત્તિ કોઈના પણ વડે થઈ ના શકે. શત્રુંજય ગિરિરાજ ઉપર આવેલા ગઢ અને અન્ય ધર્મ સ્થાનો આ ઉપરોક્ત ચુકાદા મુજબ જૈનોની સંપુર્ણ માલીકીના નિયત થયેલા છે. વર્ષ 1877 થી વિવિધ કરારો અને ડૉક્યુમેન્ટો અને સર્વોચ્ચ કોર્ટના ઓર્ડરમાં જૈનોની આસ્થા અને ધાર્મિક લાગણી દુભાય એવી કોઈ જ પ્રવ્રતિ સમગ્ર ગિરિરાજ ઉપર ન થઇ શકે એવું સ્થાપિત થયેલું છે. અહીં જૈનોના સંપૂર્ણ અધિકારોનો ઉલ્લેખ પણ જરૂરી છે. WP PIL 180/2017 ના તા.19-08-2021 ના ચુકાદાના પાના નં 177 ના પેરા નં. 43 માં નામદાર કોર્ટે નોંધ્યું છે કે સમગ્ર ગિરિરાજ ઉપરના તમામ જૈન – અજૈન મંદિરો ઉપર નિયંત્રણ અને વહીવટ જૈનોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે છે. એ પણ સ્પષ્ટ હુકમ કરવામાં આવ્યો છે કે ગઢની અંદર આવેલ મહાદેવની દેરીમા જૈનોના ધાર્મિક સિદ્ધાંત વિરુદ્ધ કશું જ થઇ શકશે નહીં, પાના નં. 178 ના પેરા નં. 44 માં 1928 ના એગ્રીમેન્ટ માં મુકેલી 10 મી ધારાનો ઉલ્લેખ કરી નામદાર કોર્ટે ઓર્ડર કર્યો છે કે મહાદેવના મંદિરમા આવનારનું આચરણ અને શિસ્તના વ્યાજબી નિયમો જૈનો બનાવી શકવાના અધિકારી છે. પાના નં. 179 ના પેરા નં. 45 નામદાર કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સમગ્ર ગઢ વિસ્તારમાં મુલાકાતીઓના આચરણ અંગેના નિયમો અને નિયમોનું વ્યાપક અને સર્વાંગી નિયંત્રણ જૈન સમુદાય પાસે છે. પેજ નં. 180 ના પેરા નં. 47 માં કોર્ટે સરકારને પણ આદેશ આપ્યો છે કે મહાદેવ મંદિરના વહીવટમાં નિર્ણય જૈનો સાથે પરામર્શ કર્યા બાદ કરવાનો. અહીં માલિકી ઉપરાંત વહીવટ અને અધિકાર બન્ને માં જૈનોને સંપૂર્ણ પ્રાધાન્ય આપ્યું છે અને સરકાર ઉપર પણ “જૈનો સાથે પરામર્શ/સંમતિ” શબ્દો દ્વારા જૈનોના હિતની રક્ષાને પ્રાધાન્ય આપ્યું છે. પેજ નં. 188 ના પેરા નં. 50 માં મહાદેવના મંદિરમાં ઉપર રહેવાની, ખાવાની તો નહીં જ પણ પ્રસાદની વહેંચણી કરવાની પણ મનાઈ ફરમાવેલી છે. સરકારશ્રી માટે શરણાનંદ બાપુની માંગણીઓને આ નિયમો અનુસાર અસ્વીકાર કરવાની અને ઉલ્લંઘન બદલ તાત્કાલિક કાયદાકીય પગલાં લેવા બંધનકર્તા છે જે ફકરો નીચે મુજબ છે.
૫૦) આમ પુજારી અથવા અન્ય કોઈ માટે રાત્રી રોકાણ અથવા કોઈપણ પ્રકારના પ્રસાદની વહેંચણી અથવા ખાદ્ય વસ્તુઓ અથવા પીણાઓ વિગેરેનું શેત્રુંજય પર્વત ઉપર સદરહુ મહાદેવ મંદિરમાં મંજુરી આપવાનો પ્રશ્ન રહેતો નથી. ખરી હકીકતે જૈન સમુદાય ધ્વારા પ્રાચીન કાળથી જૈન સમુદાય ધ્વારા જાળવવામાં આવેલા આ પર્વતના અત્યંત દિવ્ય અને પવિત્ર તત્વને ધ્યાનમાં રાખીને તળેટીથી સમગ્ર શેત્રુંજય પર્વત પર કોઈ અન્ય નવું માળખું અથવા અન્ય કોઈ મંદિર અથવા અન્ય કોઈ ધર્મના નિર્માણની મંજૂરી આપી શકાતી નથી. સામાવાળા નં.૫ ની સ્પષ્ટ લેખિત સંમતિ સિવાય ટોચ પર – ટ્રસ્ટ અને રાજ્ય તે સુનિશ્ચિત કરશે અને આ પવિત્ર ટેકરી પર જૈન સિધ્ધાંતોનું અતિક્રમણ અથવા ઉલ્લંઘન માટે કોઈપણ રીતે મંજૂરી આપી શકાશે નહીં અને જો આવા અતિક્રમણ પહેલાથી જ કરવામાં આવ્યા હોય તો સામાવાળા નં.૫- ટ્રસ્ટ ધ્વારા નિર્દેશિત કરવામાં આવે તે રીતે રાજ્યના સત્તાવાળાઓ તેને તરત જ દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેશે.”
અહીં રાજ્ય સરકાર તેમજ પોલીસ ખાતાની ઉપર જૈનોના ઉપરોક્ત અધિકારોની રક્ષાની સંપૂર્ણ કાયદાકીય જવાબદારી મુકવામાં આવી છે, માટે જવાબદાર સરકારી એજન્સીઓ આવી દરેક ગેરકાયદેસરની તથા નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના હુકમ વિરૂદ્ધની પ્રવૃત્તિઓને અટકાવી અને કાયમ માટે દૂર કરે. ગિરિરાજ ઉપર ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની જવબદારી પણ રાજ્ય સરકાર તેમજ પોલીસ ખાતાની ઉપર સર્વોચ્ચ કોર્ટ દ્વારા મુકવામાં આવી છે. ગિરિરાજ ઉપર ફોરેસ્ટ લેન્ડ હોય કે અન્ય કોઈ પણ કેટેગરીની લેન્ડ હોય તેના ઉપર ગેરકાયદે દબાણ ને દૂર કરવાની જવાબદારી સરકારશ્રીની છે. અત્યારે ગિરિરાજ ઉપર ઠેર ઠેર ગેર કાયદે દબાણ છે.
સંપુર્ણ શત્રુંજય ગિરિરાજનો કણે-કણ જૈન ધર્માવલીંબીઓ માટે પુજનીય છે. શ્રી ગિરિરાજ સાક્ષાત પ્રતિમા સ્વરૂપ છે. અને જૈનોની આ માન્યતાને મુગલ બાદશાહો, બ્રીટીશ સરકાર અને વર્તમાન સરકારે પણ માન્ય રાખેલ છે. જેની માનનીય ગુજરાત હાઈકોર્ટે જેની પુષ્ટી કરી છે તે બધા અધિકારો હેઠળ વર્તમાનમાં કેટલાક કદાગ્રહ યુક્ત માનસીકતા વાળા અને અંગત આર્થીક હિતો ધરાવતા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલ ખોટા કામોના કારણે શ્રી ગિરિરાજની જે પવિત્રતા નષ્ટ થઈ રહી છે તેના લીધે સંપુર્ણ જૈન સમાજ ખુબ જ વ્યથિત છે. માટે નામદાર સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા નિમ્નોક્ત નિવેદન ઉપર ગંભીરતાથી ધ્યાન આપી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરે.
સરકારશ્રી ને નિવેદન :
(1) અત્યંત નિંદનીય ઘટનામાં હાલમાં જ તા. 26-11-2022 ની રાતના સમયે અજાણ્યા શખ્સો દ્વારા રોહિશાળામાં પ્રાચીન 3 ગાઉના પવિત્ર યાત્રા માર્ગની તળેટીમાં આવેલ પ્રભુ આદિનાથના પ્રાચીન ચરણ પાદુકાને ખંડિત કરવામાં આવ્યા અને આજે 20 દિવસ ઉપરાંત થઈ ગયેલ છે, તેમ છતાં પણ કોઈપણ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. સરકારશ્રી દ્વારા આ અંગે ઉચ્ચ તપાસ એજન્સીને આની તપાસ સોંપવામાં આવે અને તેના ઊંડાણમાં જઈ સદરહું કોમી વૈમનસ્ય અને વર્ગ વિગ્રહ ફેલાવવાના ઉદેશ્યથી ગુનાહિત કૃત્ય કરનાર, ભોળા લોકોના કાનમાં જૈનો વિરુદ્ધ સતત ઝેર રેડતા અને રાતના અંધારામાં જઈને ભલા ભોળા ગામ લોકો સમક્ષ ગામે ગામ પ્રવચનો કરતા તથા તે પ્રમાણે સોશિયલ મિડીયામાં પણ વ્યાપક પ્રચાર કરતા તત્વોની પણ ગુનો આચરનાર સાથે તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. આવા પ્રત્યેક તત્વો સામે અન્ય કાયદાકીય કલમો સાથે આઈ.પી.સી. સેક્શન 153A અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવે.
(2 ) ડુંગરપુર, જીવાપુર અને આદપુર વિગેરે ગામોમાં પવિત્ર શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ગેરકાયદેસર ખનનનું કાર્ય જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગે વર્ષ 2017 થી જૈન સંઘની ગુરુ ભગવંતોની પુજ્ય પ્રવર સમિતિ, પેઢી અને અન્ય સંસ્થાઓ તથા નાગરિકો દ્વારા અનેકવાર રજૂઆતો અને ફરિયાદો લાગતા વળગતા ખાતા, મિનિસ્ટરો વિગેરેને કરવામાં આવેલ છે. આ અંગે સ્થળ ઉપરના વખતો વખતના રિયલ ટાઈમ ફોટા પણ ફરિયાદ સાથે રજૂ કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી ધીરે ધીરે પવિત્ર ગિરિરાજ તોડવામાં આવી રહ્યો છે અને કાયમી તથા ભરપાઈ ન થઈ શકે તેવું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. તેમ છતાં અકળ કારણોસર ગેરકાયદેસર ખનનનું કાર્ય કાયમ માટે અટકે એવા કડક પગલાં સરકાર તરફથી આજ સુધી લેવામાં આવ્યા નથી.
(3) હાલમાં શ્રી આણંદજી કલ્યાણજી પેઢીએ પોલીસમાં દાખલ કર્યા મુજબના ગુનેગારો જેવા કેટલાક મુઠ્ઠીભર અસામાજિક તત્વોની ચડવણી તથા શામેલગીરીમાં શરણાનંદ બાપુને હાથો બનાવી હિન્દુ પ્રજામાં વૈમનસ્ય વધે અને વર્ગવિગ્રહ થાય તેવા પ્રકારના કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. શરણાનંદ બાપુના માધ્યમથીલોકોમાં ભાષણો તથા સોશિયલ મિડીયા વિગેરે દ્વારા જુઠ્ઠી, ઉશ્કેરણી જનક, વૈમનસ્ય વધે તેવી માહિતી ફેલાવીને લોકલાગણીને ભડકાવીને પોતાનો અંગત સ્વાર્થ સાધવા માંગતા આવા થોડાક લેભાગુ અસામાજિક તત્વો જેઓના નામો નવી એફ.આઈ.આર.માં સામેલ છે તેઓ તથા અન્ય સાગરીતો ઉપર સખત કાયદેસરની કાર્યવાહી કરી અને હિન્દુ પ્રજામાં ધર્મો વચ્ચે વૈમનસ્ય ઊભું કરવાના કાવતરાના ભાગરૂપે આવા પ્રત્યેક તત્વો સામે અન્ય કાયદાકીય કલમો સાથે આઈ.પી.સી. સેક્શન 153A અનુસાર કાર્યવાહીઓ કરવામાં આવે. તેઓને તડીપાર કરવામાં આવે.
4) આ લોકો દ્વારા લોક લાગણીને જૈનો વિરૂદ્ધ ભડકાવવા વડે આ લોકો દ્વારા ગિરિરાજ ઉપરની નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા પણ માન્ય કરવામાં આવેલ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે જૈનોની સંપુર્ણ માલીકીના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપરના ગઢના અંદરની આશરે 2 એકર જેટલી જગ્યા માલિકી હક્કના કોઈપણ આધાર પુરાવા વગર કાયદા વિરૂદ્ધની રીત રસમો અજમાવી ગેરકાયદેસર રીતે પોતાના તાબામાં લેવા પેરવી કરવામાં આવી રહી છે. આ માટે તેઓ જૈનોની માલીકીની જગ્યા ઉપરના બોર્ડ કાઢી લે છે. તે આખા વિસ્તારમાં પોતાની ધજાઓ બળજબરી ફરકાવી દે છે. ઉપરાંત આગળ ઉપર ગિરિરાજ ઉપરના ગઢ સહીતના બધા જ જૈન ધર્મ સ્થાનો પણ જૈનો પાસેથી લઈ લેવાના મનસુબા તેઓ દ્વારા જાહેરમાં મિડીયા સમક્ષ વ્યક્ત કરવામાં આવેલ છે જે આપશ્રીના ધ્યાન પર હશે જ.
(5) તેઓ પોના મલીન ઈરાદાઓ બર લાવવા હાઈકોર્ટ તથા સરકારના હુકમોની ખિલાફ જઈ મનમાની રીતે પોતાના લોકોને ગઢની અંદર સુરજકુંડ વિસ્તારમાં બેસાડી દે છે, પોતાની વસ્તુઓ કાયમી ધોરણે ત્યાં મુકી રાખવા પ્રયત્ન કરે છે તથા ગઢના નિયમો વિરૂદ્ધની જાતજાતની પ્રવૃત્તિઓ કરે છે અને અન્ય લોકોને ઉશ્કેરીને તેઓ પાસે પણ કરાવે છે. પોતાના ગેરકાયદેસરના કૃત્યો કેમેરામાં ન ઝડપાઈ જાય તે માટેત્યાં સુરક્ષાના કારણોસર લગાડવામાં આવેલા સીસી ટીવીના થાંભલાઓ પણ તેઓ બળજબરીથી ઉખાડી લે છે. આમ તેઓ ત્યાં એકલદોકલ દર્શન માટે આવનારા બહેનો વગેરે યાત્રિકોની સુરક્ષાને પણ જોખમમાં મુકી રહ્યા છે. અહીં ખાસ ઉલ્લેખ કરવાનો કે ભુતકાળમાં આવી જ રીતે એક યાત્રિક બેનનું અપહરણ કરી અને એમની હત્યા કરી દેવામાં આવી હતી.
(7) જૈનોની લાંબા સમયથી વારંવારની માંગણી છે તે મુજબ શ્રી શત્રુંજય ગીરીરાજ ઉપરના શ્રી મનાભાઈ રાઠોડે બાંધેલ મકાન વિગેરે ગેરકાયદેસર ઠેર ઠેર થઈ ગયેલા જાત જાતના દબાણો તથા ગેરકાયદેસર બાંધકામો વિશે તપાસ કરીને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને દબાણો બાબતે આવેલ જે તે કોર્ટના ચુકાદાઓનો કડકપણે અમલ થાય. આ માટે છેલ્લે શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સરકારશ્રી સમક્ષ 2017 માં કરાયેલ રજુઆત મુજબ શ્રી શત્રુંજય મહાતીર્થની સંપુર્ણ માપણી પણ કરવામાં આવે.
(8) પાલીતાણા તળેટી રોડ પર ફુટપાથ તથા રોડ ઉપર મોટા પ્રમાણમાં લારી ગલ્લા વિગેરે દ્વારા દબાણો કરવામાં આવેલ છે. આના કારણે દેશ-વિદેશથી આવતાં યાત્રિકોને તથા પૂજ્ય સાધુ સાધ્વીજી ભગવંતોને પગપાળા ચાલવામાં ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. તદ્ઉપરાંત એકસીડન્ટ વિગેરેની પણ ઘટનાઓ બની રહી છે. તો આવા પ્રકારના ગેરકાયદેસરના લારી ગલ્લાઓને સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે અને તે દબાણ તલેટી રોડ ઉપરથી સ્ટ્રીટ વેન્ડર એક્ટ હેઠળ તળેટી રોડને ફેરિયામુક્ત ક્ષેત્ર જાહેર કરવા દ્વારા દૂર કરવામાં આવે. જેથી કરીને તેઓની રોજી રોટી પણ છીનવાય નહીં અને યાત્રિકોને પણ હેરાનગતિ બંધ થઈ જાય. આ બાબતે જો કોઈ કોર્ટ મેટર પેન્ડીંગ હોય તો તે બાબતે પણ મ્યુનિસિપાલીટી અને લાગતા વળગતા સત્તાધિકારીઓ ઝડપી કાર્યવાહી કરી એનો નિવેડો લાવે.
(9) શ્રી શત્રુંજય ગિરિરાજ પરની નીચેની બાજુમાં ગોચર આદિ જગ્યામાં ગેરકાયદેસર રીતે લોકોનો વસવાટ વધારવામાં આવી રહ્યો છે. તે માટે પણ મોટા પાયે પવિતર શ્રી શત્રુંજય ગિરિરાજને તોડવામાં આવી રહેલ છે અને કાયમી નુકશાન પહોંચાડવા સાથે એની પવિત્રતાને પણ નાશ કરવામાં આ પ્રવૃત્તિને તાત્કાલિક ધોરણે રોકવામાં આવે તથા તેવા દબાણો દૂર કરવામાં આવે. આ બાબતે જૈન સમાજના લોકો તરફથી પુરાવાઓ સાથે યોગ્ય ફરીયાદો સરકારશ્રીમાં થયેલ છે. ગિરિરાજના જે ભાગને નુકશાન થયું છે તેનું પુરાણ કરી રીક્લેમ કરવામાં આવે.
(10) પાલીતાણા તળેટીમાં જંબુદ્વીપની પાછળની વસવાટમાં દારૂના ભઠ્ઠાઓ ધમધમે છે અને આજુ બાજુના ગામડાઓમાં તથા પાલીતાણામાં તેના ઠેર ઠેર વેચાણ કેન્દ્રો ઊભા થયા છે. આના કારણે ગુનાખોરી વધી રહી છે, તીર્થ સ્થાનની પવિત્રતા ખંડીત થઈ રહી છે, યાત્રિકોમાં ભયનું વાતાવરણ ફેલાય છે, તેમજ મોટી સંખ્યામાં લોકો યુવાવસ્થામાં બેમોત મૃત્યુ પામી રહ્યા છે તથા પરિવાર નિરાધાર બની રહ્યા છે. તો તાત્કાલિક અસરથી કાયમ માટે આવા દારૂના અડ્ડા કાયમ માટે બંધ થાય તે માટેના કડક પગલાં ભરવામાં આવે.
(11) શત્રુંજય ગિરિરાજ ઉપરની બહુ મોટા પ્રમાણમાં સરકારી જમીન ખાનગી નામે ગેરકાયદેસર રીતે ચઢાવવામાં આવેલ છે, તે ઉપર પણ તાત્કાલિક પગલા ભરી ફરીથી સરકાર દાખલ કરવામાં આવે અને તે જગ્યાઓને અનામત વન વિસ્તારમાં શામેલ કરવામાં આવે. તથા આ બાબતે જૈન સંઘો તરફથી જે ફરીયાદો સરકારશ્રીમાં કરવામાં આવેલ છે તે બાબતે ઝડપી કાર્યવાહી કરવામાં આવે તથા કોર્ટ વિગેરેમાં પણ આ બાબતની ખરી હકીકત જણાવવામાં આવે.
12) ડોળી એસોસીએશનના પ્રમુખ મનાભાઈ રાઠોડ દ્વારા ગિરિરાજ ઉપર જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવેલ છે, તે દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે, આ ઉપરાંત તેઓ દ્વારા ખંડણી ઉઘરાવવામાં આવે છે. ફરજીયાત રીતે ડોળી વાળાઓને પોતાની જ ડોળી ભાડે લેવવાની ધાક – ધમકીથી ફરજ પડાઈ રહી છે. આ ઉપરાંત તેઓ ગિરિરાજ ઉપર (બાબુના દેરાસરના બહાર નીકળવાના દ્વાર પાસે) અડીંગો જમાવીને પથારા પાથરીને બેસી જઈ યાત્રા માર્ગ ઉપર ચાલનારા યાત્રિકોને બાધા પહોંચાડે છે, મનાભાઈ રાઠોડ પૂજ્ય ગુરુ ભગવંતોને તથા લોકોને ધાક-ધમકીઓ આપી, ગાળો આપી, મારવાની ધમકીઓ આપી ગુનાહિત કાર્યો કરી રહ્યા છે.
(13) ડોળી એસોસિએશનના આજ સુધીના હિસાબ વિગેરે પણ ઓડિટ કરવામાં આવે અને વાસ્તવમાં ડોળી કામદારો માટે રચાયેલ એસોસિએશનનો મનાભાઈ રાઠોડ દ્વારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ઉપયોગ થઈ રહ્યો છે તેની તપાસ કરવી જરૂરી છે તથા ભવિષ્યમાં આવું ન થાય તે માટે યોગ્ય પગલા ભરવા.
(14) પાલિતાણામાં ધર્મશાળાઓમાં પીવાના પાણીનો બહુ મોટો પ્રશ્ન છે. મ્યુનિસીપાલીટી ગમે તે અકળ કારણસર પુરેપુરો ટેક્ષ ઉઘરાવ્યા છતાં પણ ધર્મશાળાઓને પુરતું પાણી નથી આપતી. ધર્મશાળાઓએ પોતાના પ્રસંગો વખતે ફરજીયાતપણે ટેન્કરનું જ પાણી લેવું પડે છે. જે આરોગ્ય માટે ખુબ જ નુકશાન કરનારું હોય છે ચોમાસામાં આરાધના કરવા આવેલા યાત્રિકોમાં અચૂક ઝાડા ઉલટી વગેરે રોગો વર્ષો વરસ મોટા પાયે ફેલાય છે. માટે મ્યુનિસિપાલીટીનું ચોખું પાણી પુરતા પ્રમાણમાં આવશ્યકતા મુજબ ધર્મશાળાઓને મળે તેવી કાયમી વ્યવસ્થા કરવામાં આવે.
(15) સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સ (CISF) ની સિક્યુરીટી જે રીતે ભારતના અન્ય મહત્વના અને લોકપ્રિય મંદિરો વિગેરેમાં કે જ્યાં લાખો લોકોની અવરજવર છે અને સુરક્ષાનો મુદ્દો ઘણો મહત્વનો હોય છે ત્યાં પ્રોવાઈડ કરાવવામાં આવે છે તે રીતે શ્રી શત્રુંજય ગિરિરાજ તથા ગઢની સિક્યુરીટી માટે પણ નિયુક્ત કરવામાં આવે.
(16) પવિત્ર ગિરિરાજના યાત્રા માર્ગો ઉપર કે જ્યાં લાખો યાત્રાળુઓ પગપાળા ખુલ્લા પગે યાત્રા કરે છે તે યાત્રા માર્ગો ઉપર ઢોરોના કારણે રસ્તા ઉપર ખુબજ બગાડ થાય છે. જેને કારણે યાત્રાળુઓ લપસીને પડી જાય છે તેમજ ઢોરો યાત્રાળુઓને અડફેટે પણ લે છે તેથી તેઓને ગંભીર ઈજાઓ થાય છે. માટે યાત્રા માર્ગો ઉપર ઢોરોની અવરજવરને સંપુર્ણપણે નિયંત્રિત કરવામાં આવે. જૈનો હમેશા જીવ દયાના મોટામાં મોટા પક્ષધર રહ્યા છે માટે અમો ક્યારેય પણ અબોલ પશુઓના હક્કો માટે વિરૂદ્ધનું કાર્ય ન કરીએ. અમો જાણીએ છીએ કે સરકારશ્રીએ વર્ષો પૂર્વે મોટા પ્રમાણમાં ગોચરની જગ્યાઓ આ પશુઓ માટે રીઝર્વ કરેલ જ છે તો તે પશુઓ ત્યાં ચરે અને જો ગોચરના વિકાસ માટે કાંઈપણ જરૂરત હોય તો અમો બધી રીતે સાથ સહકાર આપવા તૈયાર છીએ.
(17) જે રીતે અંબાજી, વૈષ્ણોદેવી, વગેરે તીર્થસ્થાનોમાં મંદિરના અમુક કિલોમીટર વિસ્તારમાં માંસાહાર કે બીજી નિષિદ્ધ વસ્તુઓ વેચી શકાય નહિ કે કલખાનું ચલાવવું અગર તો માછીમારી કરવી નિષિદ્ધ છે તે રીતે પવિત્ર અહિંસા તીર્થ શત્રુંજય પાલીતાણામાં પણ જે પરિપત્રો સરકાર તરફથી જારી કરવામાં આવેલા છે તેનો ચુસ્ત અમલી કરણ કરવામાં આવે તથા આ બાબતે વ્યવસ્થિત કાયદો લાગુ કરવામાં આવે.
(18) તારીખ 16 સપ્ટેમ્બર 2022 ના શરણાનંદ બાપુના ઉપવસના અંત માટે કલેક્ટર શ્રીની આગેવાની હેઠળ મળેલી મિટિંગના આર ટી આઈ દ્વારા મેળવામાં આવેલ વિડીયો રેકોર્ડિંગ અનુસાર મિટિંગની મિનિટ્સ જે પાછળ થી ઘણા દિવસો પછી બનાવવામાં આવી હતી તે લાઈવ વિડીયો જોતા અને સાંભળતા એવી ખાતરી થાય છે કે મિટિંગની મિનિટ્સ મિટીંમાં થયેલ નિર્ણયો અનુસાર તો નથી જ બલ્કે લીધેલા નિર્ણયો અને ચર્ચા – વિચારણાની વિરુદ્ધ અને ઉપજવી કાઢેલ છે, જે સત્યથી વેગળી હોવાથી અમને સંપૂર્ણ અમાન્ય છે અને લેશમાત્ર બંધનકર્તા નથી, જે બાબતે શ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા કલેક્ટરશ્રીને પૂર્વે પણ સુધારા માટેના પત્ર દ્વારા જાણ કરેલ જ છે, જે અમો અત્રે પણ જાણ કરીયે છીએ. માટે ડેપ્યુટી કલેક્ટરશ્રી જો સુધારા પત્ર પ્રમાણે સામેલ બધા જ પક્ષો દ્વારા સંપુર્ણ પણે પાલના થવાની જ હોય તેમજ સરકાર પણ મિટીંગમાં નક્કી થયા મુજબ ગિરિરાજની માપણી વગેરે કાર્યો સમય મર્યાદામાં કરાવતી હોય ત્યાં સુધી જ વિડીયો રેકોર્ડીંગમાં જે દેખાય છે તે પ્રમાણેનું સમાધાન અમોને માન્ય થઈ શકે છે.
(19) આમ, સરકારશ્રીના તમામને બંધનકર્તા કરારો, નામદાર હાઈકોર્ટ ના ચુકાદાઓ અને પરાપૂર્વથી ચાલતી પરંપરાઓ મુજબ જૈન સંઘ/સમુદાયના શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કાયમી (Perapetual), રદ્દ ન થઈ શકે તેવા અને સંપુર્ણ હક્કો, અધિકારો, નામદાર સરકારશ્રીનું કાયદેસરનું જે સ્થાન છે તેના આધિન આવેલા છે. નામદાર સરકારશ્રીએ પણ તેમના ઉપરોક્ત કાયદેસરના સ્થાન પ્રમાણેના અધિકારોનો ઉપયોગ માત્ર જૈનોની પરંપરા, ધાર્મિક ગતિવિધિ (Tenats) માન્યતાઓ વિગેરેને જાળવવા માટે જ કરવાનો છે, અને સરકારશ્રીના ઉપરોક્ત અધિકારો હેઠળ જૈનોના તમામ હક્કો કે અધિકારોનું રક્ષણ અને પાલન કરવા-કરાવવાનું છે. સરકારશ્રીના ઉપરોક્ત અધિકારો હેઠળ કોઈપણ સંજોગોમાં કોઈ પણ અન્ય વ્યક્તિ કે સમુદાય (Third Party) ને ફાળવણી, માન્યતા, પરવાનગી વિ. આપવાની નથી. આમ, જ્યાં સુધી અન્ય તમામ નાગરિક (જૈનો સહિત) અને “જૈન સંઘ/સમુદાય” ના વચ્ચે વાત છે ત્યાં સુધી “જૈન સંઘ/સમુદાય” ના હક્ક વગેરે સર્વોપરી છે. જ્યારે સરકાર અને જૈન સંઘ/સમુદાય વચ્ચેની વાત આવે છે ત્યારે સરકારશ્રી ઉપરોક્ત જણાવેલ કાયદેસરનું સ્થાન અને અધિકારો/હક્ક ભોગવે છે. અને જે રીતે જૈન સંઘ/સમુદાયના અબાધિત, સંપુર્ણ અને કાયમી હક્કો અને અધિકારો સરકારશ્રીના ઉપરોક્ત કાયદાકીય સ્થાન/અધિકારોને આધિન છે, તે જ રીતે સરકારશ્રીના ઉપરોક્ત કાયદાકીય સ્થાન/અધિકારો હક્કો પણ જૈન સમુદાયના ઉપરોક્ત અબાધિત, સંપુર્ણ અને કાયમી હક્કો અને અધિકારો (જૈન ધર્મ પ્રમાણે) ને આધિન છે.
જૈન ધર્મના અનુયાઈઓના આ બંધારણીય અને ધાર્મિક અધિકાર છે, જેઓનું રક્ષણ કરવાની સરકારશ્રીની જવાબદારી છે. અને અમોને પુરો વિશ્વાસ છે કે આપશ્રીની જનાભિમુખ લોકપ્રિય સરકાર જૈન ધર્મના પાળનારાઓના બંધારણીય અને ધાર્મિક અધિકારોનું રક્ષણ કરશે.
સમગ્ર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ શ્રી મહાસંઘ-રાજનગર, અમદાવાદ.
પ્રમુખ શ્રી સેક્રેટરીશ્રી
મહેન્દ્રભાઈ એમ શાહ પ્રણવ કે. શાહ