અમદાવાદ

મોંઘવારી ના મુદ્દે કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બર ના રોજ બંધ નું એલાન જગદીશ ઠાકોર

Published

on

મોંઘવારી ના મુદ્દે કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બર ના રોજ બંધ નું એલાન જગદીશ ઠાકોર

મંદી, મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. 10 સપ્ટેમ્બરના રોજ સાંકેતિક બંધ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતીને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર – કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સિંગ ના નામે ગુજરાતના યુવાનોનુ સુનિયોજીત રીતે ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. 20 થી 24 વય જુથના 42% યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2,30,000 થી વધુ લઘુઉધોગો બંધ પડી ગયા, કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. આમ એકંદરે લોકો ભાજપ સરકારના રાજમાં બેરોજગારી અને મોંઘવારીનો બેવડો માર સહન કરવા મજબુર બન્યા છે. ગુજરાતમાં 4,36,663 કરતાં વધુ શિક્ષિત અને 23433 અર્ધશિક્ષિત એટલે કે 458976 નોંધાયેલા બેરોજગાર યુવાનો જ્યારે ન નોંધાયેલા 40 લાખ કરતાં પણ વધુ યુવાનો રોજગાર માટે રાહ જોઈને બેઠા છે. જ્યારે ગુજરાતના વિવિધ સરકારી વિભાગોમાં 4.50 લાખ કરતાં વધુ જગ્યાઓ ખાલી છે. ખેતર વિનાનું ખેડૂત, ગ્રામસેવક વિનાનુ ગામ, શિક્ષક વિનાની શાળા, ડોક્ટર વિનાનુ દવાખાનુ એ ભાજપની ઓળખ છે. 15-15 વર્ષથી લાયબ્રેરીયનોની ભરતી કરવામાં આવી નથી અને વાત કરે છે “વાંચે ગુજરાત” ની ? 15 વર્ષ કરતાં વધુ સમયથી શારીરીક શિક્ષણના શિક્ષકો – અધ્યાપકોની ભરતી કરવામાં આવી નથી અને ભાજપ સરકાર માત્ર જાહેરાતો કરે છે. “રમશે ગુજરાત” ની ? ચિત્ર – સંગીત – કળાના શિક્ષકોની 15 વર્ષ કરતાં વધુ સમયથી ભરતી જ થઈ નથી અને વાત કરે છે કળા સંસ્કૃતિની ? 24000 કરતાં વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી, 47000 જેટલાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો શિક્ષક બનવા રાહ જુએ છે, 1 લાખ પીટીસીના પાસ ઉમેદવારો બેરોજગાર, શુ આ રીતે ભણશે ગુજરાત ? આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોનો લાગણીને વાચા આપવા કોંગ્રેસ પક્ષ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ સવારે 8-00 થી બપોરના 12-00 કલાક સુધીનું સાંકેતિક બંધનું આહવાહન કરવામાં આવ્યું છે. જેમાં વેપારી મહામંડળો, સામાજીક સંસ્થાઓને પ્રતિકાત્મક બંધમાં જોડાવાની અપિલ કરવામાં આવી છે. નાના લારી ગલ્લા, પાથરણાવાળા, ફેરીયાઓ, રોજીંદુ કમાતા લોકોને સમજાવટ થી પ્રતિકાત્મક બંધમાં જોડાવા વિનંતી કરાઈ છે, સાથોસાથ ઈમરજન્સી સેવાઓને ક્યાંય પણ અડચણ ન થાય, હોસ્પિટલ, એમ્બ્યુલન્સ, દવાખાના, દવાની દુકાનોને તે માટે કોંગ્રેસજનો – આગેવાનોએ મદદકર્તા બની રહેવું, પગપાળા સંઘ, પંડાલ અને ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ કોઈપણ સરકારી મિલકતો જેવી કે બસ, સરકારી વાહનો, ઓફિસો ઈત્યાદીને નુકસાન ના થાય તેનું કોંગ્રેસ આગેવાનો – સ્થાનિક કાર્યકર્તાઓએ તકેદારી રાખવા સુચના આપેલ છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, “બહુત હુઈ મહેંગાઈ કી માર” જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.પેટ્રોલ હોય કે ડીઝલ, સી એન જી હોય કે પી એન જી, રાસાયણીક ખાતર હોય કે બિયારણ, દવાઓ, ખાધ્ય સામ્રગી હોય કે જીવન જરૂરીયાત અન્ય ચીજવસ્તુઓ એકપણ એવી વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાર્થો પર જીએસટી લગાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે. કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી ત્યારે કપાસીયા તેલનો ડબ્બો રૂ. 1040 માં મળતો હતો જેને ભાજપ સરકારે અઢી ગણાં ભાવ વધારા સાથે 2600 સુધી પહોંચાડી દીધો છે. સિંગતેલનો ડબ્બો 1370 માં મળતો હતો તેને 3000 ની રેકોર્ડ સપાટી પર પહોંચાડી દીધો છે. ગેસ સિલીન્ડરમાંથી સબસીડી ગાયબ કરી દીધી છે. 410 મળતો સિલીન્ડર આજે ડબલથી પણ વધારે ભાવ સાથે 1060 માં મળી રહ્યો છે. કઠોળના પ્રતિ કીલો સરેરાશ ભાવ 60-80 રહેતાં હતાં જેને 140-180 ની વિક્રમ સપાટીએ પહોંચાડી દીધા છે. પેટ્રોલ પ્રતિ લિટર 71 મળતુ હતુ જેને વધારીને 100 સુધી પહોંચાડી દેવામાં આવ્યું. તેમાં પણ રોજે રોજ ભાવ વધારો ચાલુ છે. ડીઝલ પ્રતિ લિટર 57 રૂપિયે મળતુ હતુ તે 95 રૂપિયા પહોંચાડી દેવામાં આવ્યુ છે. જે સીએનજી કોંગ્રેસના શાસનમાં 42 રૂપિયે પ્રતિ કિલો મળતુ હતુ તેનો ભાવ ભાજપે 84 રૂપિયા પહોંચાડી દીધો છે. 8 વર્ષમાં સીએનજી ના ભાવમાં જંગી ભાવવધારાએ જનતાની કમર ભાંગી નાખી છે. મોંઘવારીએ રાષ્ટ્રીય સમસ્યા બની છે ત્યારે ગુજરાતના નાગરિકોને મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા પ્રજાના પ્રશ્નોને વાચા આપવા 10 સપ્ટેમ્બરના રોજ સાંકેતીક બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં સૌ ગુજરાતીઓ જોડાય તેવુ આહવાહન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version