રાજધાની દિલ્હી સહિત એરપોર્ટ પર પેપેરલેશ એન્ટ્રીનો આરમ્ભ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર ચહેરાની ઓળખના આધારે હવાઈ મુસાફરોને પ્રવેશની મંજૂરી આપવા માટેની સુવિધા ‘ડીજીયાત્રા’ શરૂ કરી. ‘ડીજીયાત્રા’ દ્વારા, મુસાફરો એરપોર્ટ પર પેપરલેસ એન્ટ્રી મેળવી શકશે અને ચહેરાની ઓળખ દ્વારા મુસાફરોની વિગતો વિવિધ ચેક પોઈન્ટ પર આપમેળે ચકાસવામાં આવશે.
આ જ સિસ્ટમ સુરક્ષા સ્ક્રીનીંગ વિસ્તારોમાં પણ કામ કરશે. આ પેપરલેસ સુવિધા ગુરુવારે દિલ્હી,વારાણસી અને બેંગલુરુ એરપોર્ટ પર શરૂ કરાઈ છે. આ સુવિધાનો લાભ લેવા માટે, મુસાફરોએ ‘ડીજીયાત્રા’ એપ પર નોંધણી કરાવવી પડશે અને તેમની વિગતો પ્રદાન કરવી પડશે. તેમાં આધાર દ્વારા વેરિફિકેશન થશે અને પેસેન્જરે પોતાનો ફોટો પણ લેવો પડશે.
એરપોર્ટના ઈ-ગેટ પર, પેસેન્જરે પહેલા બાર-કોડેડ બોર્ડિંગ પાસ સ્કેન કરવાનો રહેશે અને પછી ચહેરાની ઓળખ સિસ્ટમ પેસેન્જરની ઓળખ અને મુસાફરી દસ્તાવેજની ચકાસણી કરશે. આ પ્રક્રિયા બાદ મુસાફર ઈ-ગેટ દ્વારા એરપોર્ટમાં પ્રવેશ કરી શકશે.