અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું
.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં
નાયક-ભોજક સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું
નાયક-ભોજક સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું હર્ષભેર અભિવાદન કર્યું
૫૧ હજાર રૂપિયા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં આપ્યા:
-:મુખ્યમંત્રી
શિક્ષણ એ સર્વાંગી વિકાસની પહેલી શરત
ગુજરાતે પાછલા બે દાયકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવાં સોપાનો સર કર્યાં
ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશમાં સર્વશ્રેષ્ઠ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, શિક્ષણ એ સર્વાંગી વિકાસની પહેલી શરત છે. ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે સમયાનુકૂળ પરિવર્તનો લાવીને વિદ્યાર્થીઓ-યુવાપેઢીને અદ્યતન શિક્ષણ આપવાના તમામ પ્રયાસો કર્યા છે.
એક સમયે ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ-આઉટ રેશિયો ૩૫ ટકાથી વધારે હતો, તે ઘટીને ત્રણ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રાનું આ સુખદ પરિણામ છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં આયોજિત નાયક-ભોજક સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. તેમણે શિક્ષકદિનના ઉપલક્ષમાં ઉપસ્થિત સૌને શિક્ષક અને શિક્ષણનું મહાત્મ્ય સમજાવ્યું હતું. નાયક-ભોજક સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું હર્ષભેર અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષણની સાથેસાથે આરોગ્ય, આંતર-માળખાકીય વિકાસ, ઉદ્યોગ, રોજગાર, કૃષિ, ઊર્જા, જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે પાછલા બે દાયકામાં ઉત્તરોત્તર પ્રગતિ કરી નવાં સોપાનો સર કર્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશા-નિર્દેશનમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને ગુજરાત દેશનું મોડેલ સ્ટેટ ગણાય છે.
તેમણે વધુમાં કહ્યું કે, પાછલા આઠ વર્ષથી તો ગુજરાતને ડબલ એન્જિનની સરકારનો લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સીધો અને ઝડપી લાભ જનતાને વ્યાપકપણે મળતો થયો છે. વડાપ્રધાનશ્રીએ યોજનાના સેચ્યુરેશન-પરિપૂર્ણતાના સૂચવેલા વિચારને અનુસરીને આપણે સરકારની હિતકારી યોજનાનો લાભ ડિજિટલ ટેકનોલોજીના માધ્યમથી જનજનને પહોંચાડી રહ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નીતિ આયોગના તાજેતરના અહેવાલ પ્રમાણે ગુજરાત સરકારનું નાણાકીય વ્યવસ્થાપન દેશમાં સર્વશ્રેષ્ઠ છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયેલા આ વ્યવસ્થાપનને કારણે જ ગુજરાત આર્થિક બાબતોમાં સક્ષમ રાજ્ય બન્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કોવિડ મહામારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યનું અર્થતંત્ર આપણે ગતિમાન રાખ્યું અને વિકાસ કામો અટકવા દીધા નહીં, તે આ સરકારની મોટી ઉપલબ્ધિ છે.
આ મહામારી કે યુક્રેન-યુદ્ધના પરિણામે વિશ્વભરના દેશોના અર્થતંત્રો ખોરવાઈ ગયા છે, તેવા સમયે આપણો દેશ ૧૩.૫%નો વિકાસદર નોંધાવીને બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમી બન્યો છે. આ સિદ્ધિને અવગણીને ઘણાં વિરોધીઓ ગુજરાત અને દેશના વિકાસની છબિ ધૂંધળી કરવા મથી રહ્યા છે, પણ તેઓ આ મિથ્યા પ્રયાસમાં સફળ થવાના નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે નાયક-ભોજક સમાજના અગ્રણીઓ સોમભાઈ નાયક, જયંતિભાઈ નાયક, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, મયંકભાઈ નાયક, યતિનભાઈ નાયક, ઉમંગભાઈ નાયક, મિનાક્ષીબહેન નાયક, અને જયકર ભોજક, વગેરે અગ્રણીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.
સમાજ અગ્રણીઓએ આ પ્રસંગે રૂપિયા પ૧ હજારનો સ્વૈચ્છિક ફાળો મુખ્યમંત્રીશ્રી રાહતનિધિ માટે અર્પણ કર્યો હતો.