ગાંધીનગર
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હર્ષ સંઘવી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હર્ષ સંઘવી
મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સમગ્ર તંત્ર તાત્કાલિક ધોરણે બચાવ કામગીરીમાં લાગી ગયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તમામ કાર્યક્રમો રદ કરીને અમદાવાદથી મોરબી જવા રવાના થઈ ગયા છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે જિલ્લા તંત્ર દ્વારા બચાવની કામગીરી ઝડપથી ચાલી રહી છે. રાજ્યના તમામ વિભાગો સહયોગ કરી રહ્યા છે. આ ઘટનાના 15 મિનિટમાં જ જિલ્લા વહીવટી તંત્ર કામે લાગી ગયું હતું અને મોટાભાગના લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે, આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ પહોંચાડવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં પહોંચેલા દર્દીઓમાંથી મોટાભાગના સ્વસ્થ સ્થિતિમાં છે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, પીએમ કાર્યાલય તરફથી પણ તમામ મદદની ખાતરી આપવામાં આવી છે. એનડીઆરએફની ટીમ પણ તેહનાત કરી દેવામાં આવી છે.
મોરબીમાં સર્જાયેલી દુર્ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા બચાવ રાહત કામગીરી વધુ વેગવાન બનાવવામા આવી છે
આ હેતુસર એન.ડી.આર.એફની 3 પ્લાટુન ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર,દીવ અને સુરેન્દ્રનગર થી અદ્યતન સાધનો સાથે મોરબી જવા માટે રવાના થયા છે
એસ.ડી.આર.એફની 3 તેમજ એસ આર પી. ની બે પ્લાટુન પણ બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી રહી છે
એટલું જ નહીં રાજકોટ સીવીલ હોસ્પિટલમા એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે