સામાન્યપણે કહેવામાં આવે છે કે શરદી ત્રણેક દિવસની બીમારી છે. પણ ડૉક્ટરોનું માનીએ તો આના વાયરસની ઉંમર આખા એક અઠવાડિયાની એટલે કે 7 દિવસોની હોય છે. સામાન્ય રીતે તે કોઇ દવા-ઔષધિથી નથી મરતા. ઔષધિઓ માત્ર લક્ષણોને સાજા કરવા માટે આપવામાં આવે છે. કહેવાય છે કે દવા ખાશો તો પણ શરદી સાત દિવસમાં મટી જશે અને નહીં ખાવ તો પણ એક અઠવાડિયામાં મટી જશે.
જેનું આરોગ્ય ખૂબ સારું રહેતું હોય તેમને એવું કહેવાની જરૂર પડે જ નહીં કે પહેલું સુખ તે જાતે નર્યા. જાતે નર્યા ન હોવાના દુ:ખથી પીડાતી વ્યક્તિએ જ આ ઉક્તિ ઘડી કાઢી હોવી જોઈએ. હેલ્થ એવી બાબત છે જે તમારી પાસે હોય ત્યારે તમને સહેજેય અહેસાસ થતો નથી. શરીર ન હોવાનો અહેસાસ થાય
ત્યારે તમે સૌથી ફિટ છો. જ્યારે શરીરનો વજન લાગવા માંડે, જ્યારે તે ભારે-ભારે અનુભવાવા માંડે એનો અર્થ તમારી તબિયત નાદુરસ્ત છે.
કહે છે કે રોગ અને શત્રુઓને ઊગતા ડામી દેવા જોઈએ. શત્રુઓ તો આપણા હાથમાં નથી, પણ રોગ હાથવગા છે. ક્યારેક રોગની શરૂઆત નાની બીમારીથી થાય છે. આપણે તેને હળવાશથી લઈએ છીએ અને વખત જતા તે આપણા માટે સૌથી ગંભીર બાબત બની જાય છે. આવી બે બીમારીઓ છે. શરદી અને બ્લડ પ્રેશર. શરૂઆત શરદીથી કરીએ.
આ બીમારી તદ્દન સામાન્ય હોવા છતાં સૌથી અધિક પજવનારી છે. શરદીને આપણે બહુ દાદ આપતા નથી. તેની એક કે બે પ્રકારની સ્ટાન્ડર્ડ દવા લઈએ છીએ. મોટા ભાગે તો મેડિકલવાળા પાસે જ માગી લઈએ કે. શરદી થઈ છે, દવા આપોને. પણ આવું ન કરવું જોઈએ. શરદી થવાના ૫૦ કારણ હોઈ શકે છે. કારણ અનુસાર તેની દવા જુદી-જુદી થઈ શકે. ઘણી વખત તો મોટા-મોટા રોગની શરૂઆત પણ સામાન્ય શરદીથી થઈ શકે.
સામાન્ય શરદીને તબીબી ભાષામાં એલર્જિક રાઇનાઇટીસ કહેવામાં આવે છે. તે પીડાદાયક છે, પરંતુ ગંભીર નથી. એવી જ રીતે વાઇરસથી શરદી થઈ હોય તે વાઇરલ રાઇનાઇટીસ તરીકે ઓળખાય છે. આ બંને શરદીઓ ગંભીર નથી, પણ પીડાદાયક અવશ્ય છે. સાયનુસાઇટિસના લક્ષણ પણ શરદી જેવા જ હોય છે, પરંતુ તે શરદી નથી. આપણે તેને સાયનસ તરીકે પીછાણીએ છીએ. તેની દવા શરદીની દવા કરતા જુદા પ્રકારની હોય છે.
જો નાસિકા (સેપ્ટમ) સહેજ ત્રાસી હોય તથા નાકમાં નાની-નાની પોલિપની ગાંઠ હોય તોય ઉપરથી તો એમ જ લાગશે કે શરદી છે, પણ આ સામાન્ય શરદી નથી. આની દવા એલર્જીક શરદીથી બિલકુલ જુદી થશે. તેની સંપૂર્ણ સારવાર માટે સર્જરી પણ કરાવવી પડે, એમ પણ બને! કેટલીક દવાઓની સાઇડ ઇફેક્ટ રૂપે શરદી થઈ જાય છે.
કોઈ બીમારીની દવા લાંબા સમયથી ચાલુ હોય કે હમણા ચાલુ કરી હોય અને એકાએક શરદી થઈ જાય કે વધી જાય તો ડોક્ટર પાસે એ વાતની સ્પષ્ટતા કરવી, જેથી સાચો ઈલાજ થઈ શકે. હોર્મોનલ રાઇનાઇટીસ અને વેજનર ગ્રેનુલોમા જેવી ગંભીર બીમારીના પ્રારંભિક લક્ષણો શરદી જેવા હોય છે. ઘણીવાર તબીબો પણ છેતરાઈ જતા હોય છે.
ડૉક્ટરોનું માનીએ તો શરદી થાય ત્યારે અનાવશ્યક શ્રમ ન કરવો જોઇએ. નિયમિત કામ કરી શકો છો પણ આ દરમિયાન ધૂળ અને ધુમાડાથી બચવું જોઇએ નહીં તો તબિયત બગડી શકે છે. પુષ્કળ આરામની સાથે પૂરતી માત્રામાં પ્રવાહી પદાર્થ લેવા જોઇએ, ખાસકરીને ફળોના રસ અચૂક લો.
શરદીને કારણે પાચનતંત્ર પણ નિષ્ક્રિય થઇ જાય છે માટે સામાન્ય અને સુપાચ્ય ભોજન થોડી-થોડી માત્રામાં લેતા રહેવું જોઇએ. કફ સીરપથી રાહત મળી શકે છે. પણ આનાથી શરદી સામે કોઇ બચાવ કે રાહત નથી મળતી ન તો શરદી જલ્દી મટે છે.
શરદી-તાવથી બચવા માટેની કોઈ રસી નથી. હા, તમે થોડા ઉપાયો ચોક્કસ કરી શકો છો. તમારા આહારમાં ધ્યાન આપો, દરરોજ એવો આહાર લો જેમાં તમામ જરૂરી પોષક તત્વો રહેલા હોય, પૂરતી ઊંઘ લો અને વ્યાયામ પણ કરો. આનાથી રોગપ્રતિકારક ક્ષમતા વધશે. વૃદ્ધોએ હીટર સામે ન બેસવું, કારણ કે આનાથી ત્વચા શુષ્ક થઇને ફાટી શકે છે અને ત્વચામાં પડેલી તિરાડો દ્વારા ઇન્ફેક્શન શરીરમાં ફેલાઇ શકે છે.