ગાંધીનગર
ગુજરાતમાં કેવી રીતે વૈદિક હોળી ની કરાશે ઉજવણી
ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત ચાલી આવતા હોળીનો તહેવાર દરેક શહેર ગામેગામ મહોલ્લા શેરી કે સોસાયટીઓ વચ્ચે હોળી પ્રગટાવાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં ઋતુકાળના વાતાવરણને અનુરૂપ તહેવારોની ઉજવણી થતી આવી છે.તહેવારોની ઉજવણીમાં એકતા ,સામુહિકતા, નવિન ઉત્સાહ તેમજ આધ્યાત્મિક ભાવનાની સાથે સાથે ક્યાંક વૈજ્ઞાનિક તથ્ય છુપાયેલ હોય છે. શહેરો, ગામેગામ ઠેર ઠેર શેરી ,મહોલ્લા, સોસાયટી વચ્ચે હોળી પ્રગટાવાય છે. જેનાથી શિયાળાના સમાપન અને ઉનાળાની શરૂઆત વચ્ચે બે ઋતુના આ સમયમાં વાતાવરણમાં રહેલ જીવાણુંઓ નાશ પામી હવામાન શુદ્ધ થાય છે. રોગચાળાનો વધુ સામનો ના કરવો પડે તેવી સામુહિક આરોગ્યની વ્યવસ્થા બની શકે છે.
ગાયત્રી પરિવારના સાથે જોડાયેલા હરેશભાઈ કંસારાએ વૈદિક હોળી બાબતે વાતચીત કરતા કહ્યું હતું કે મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ભારતીય સંસ્કૃતિના સાચા તથ્ય ને ઉજાગર કરવા હોળી પર વિશેષ પ્રયોગનું આયોજન કરવામાં આવેલ છે. જે “વૈદિક હોળી” ના નામે હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં વિશેષ મંત્રોચ્ચાર સાથે કર્મકાંડ પૂજન સહિત હોળી યજ્ઞ કરવામાં આવશે. આમ તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ઠેર ઠેર હોળી પ્રગટાવાય છે. પરંતુ હાલની સ્થિતિમાં આ હોળીમાં ઘણીવાર છોકરાઓ મૂળ તથ્ય ને ભૂલી હશી મઝાકમાં પર્યાવરણને નુકસાન થઈ શકે તેવા પદાર્થો, કચરો, પ્લાસ્ટીકની કોથળીઓ જેવી ચીજ વસ્તુઓ પણ ક્યારેક હોમી દેતા હોય છે. જેથી વાયુ દૂષિત થઈ પર્યાવરણ બગાડે છે. જેથી આપણી મૂળ પરંપરા જાગૃત થાય તેમ પ્રયાસ રુપે ગાયત્રી ચેતના કેન્દ્ર આગળ શુદ્ધ અને પવિત્ર વૈદિક હોળીનું આયોજન કરવામાં આવેલ છે. આ વૈદિક હોળી યજ્ઞમાં ગાયના છાણાંમાંથી બનાવેલ ગૌ કાષ્ટ, ગાયનું ઘી, ગાયના છાણાં-ઓરાયા, આંબો, પીપળી, વડ, ખેર, ઉમરો, ખાખરો ,બીલી જેવાં વૃક્ષોની સમિધાઓ, સાત પ્રકારના ધાન્ય, ગુગળ , ઈલાયચી, લવિંગ, કપૂર, શ્રીફળો તેમજ હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રી આ વૈદિક હોળીમાં હોમવામાં આવશે.