વળતરના રુ 225 નહી આપ્યા તો ખેડુતોએ સરકારી બાબુઓને કેવી રીતે સબક શિખવાડ્યુ
ખેડૂતોનો પ્રકોપ લોકોએ આ પહેલા પણ જોયો જ છે. જ્યારે પંજાબમાં એક વર્ષ કરતાં વધારે સમય સુધી આંદોલન ચાલ્યું હતું. ત્યારે હવે ફરીથી ગુજરાતમાં પણ ખેડૂતોએ પરચો આપ્યો છે, બન્યું એવું કે ગાંધીનગરમાં સચિવાલયમાં સરદાર સરોવર નિગમના પાંચમા માળે આવેલી લેન્ડ શાખામાં આવેલા કેટલાક ખેડૂતો શાખામાં રહેલી જંગમ મિલકત, જેવી કે ખુરશી, કોમ્પ્યુટર, મોનિટર, પ્રિન્ટર, સીપીયુ સહિતની મત્તા ઉઠાવીને લઈ જવા લાગતાં ઊહાપોહ મચ્યો હતો.

જ્યારે આ ખેડૂતોને કચેરી કર્મચારીઓએ પૂછ્યું કે કેમ સામાન લઈ જાઓ છો? તો ખેડૂતોએ કહ્યું, અમારું વળતર આપવામાં આવ્યું નથી, એટલે કોર્ટે સામાન જપ્ત કરવા માટે હુકમ કર્યો છે. આ વાત સાંભળતાં જ સરદાર સરોવર નિગમ સહિત સચિવાલયમાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટના રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલયમાં શનિવારે સાંજે ચારેક વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે વડોદરાના અભોળ ગામના ખેડૂત દામોદર પટેલ સાથે વાત કરી ત્યારે એમણે કહ્યું હતું કે અમે અત્યાર સુધી વળતર માટે બહુ રઝળ્યા, પણ ના મળ્યું, એટલે કોર્ટ વોરંટ લઈને બે વખત વળતર લેવા આવ્યા, પરંતુ બંને વખતે નિગમે રૂપિયા આપ્યા નથી, એટલે અમે ત્રીજી વખત આવ્યા છીએ.
આ ખેડૂતનું કહેવું છે કે 1986થી 225 રૂપિયા બાકી હતા. આજે તેમની ઓફિસનો સામાન લઈ જઈએ છીએ. કોર્ટના જપ્તી વોરંટ સાથે આવેલા વકીલ આર. ડી. પરમારે પણ આ વિશે વાત કરી કે વડોદરાના અભોળ ગામની જમીન વર્ષ 1988માં સંપાદિત કરાઈ હતી. જમીનનું વળતર પ્રતિ આરે આપવામાં આવ્યું હતું. જિલ્લા અદાલતે આ વળતરમાં વધારો કરી 1725 કર્યા અને બાદમાં હાઈકોર્ટે એમાં 100 રૂપિયાનો ઘટાડો કરી 1625 રૂપિયા વળતર આપવા હુકમ કર્યો હતો. સંપાદન ખાતાએ રૂ. 1400 ભર્યા અને 225 આપ્યા નથી એટલે કોર્ટે સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો છે. સાથે જ વિગતો મળી રહી છે કે 35 વર્ષ અગાઉ સરકારે જમીન સંપાદન કરી હતી, જેની રકમ જો જે-તે સમયે જ ચૂકવી દેવામાં આવી હોત તો જે-તે સમયની 225 જેટલી રકમ આજે લાખોમાં ના પહોચી હોત. જમીન સંપાદન કાયદાની જોગવાઈ મુજબ વર્ષ પ્રમાણે વળતરની ગણતરી કરવામાં આવે છે.
આર. ડી. પરમારે વિસ્તૃત માહિતી આપી કે 35 વર્ષ અગાઉ જે રકમ રૂપિયા 225 હતી, તેના વળતર સહિતની ગણતરીને આધારે આજે આ રકમ કુલ રૂપિયા 68 લાખ 92 હજાર 924 સુધી પહોંચી છે. અભોળ ગામના ખેડૂત આશાભાઈ ચૌહાણે કહ્યું હતું કે, 20 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે, પણ અમારું વળતર જ અમને આપતા નહોતા. અમારી જમીન નહેરમાં ગઈ એટલે અમારે વળતર તો લેવાનું જ હતું. વળતર આપ્યું નથી એટલે અમે કોર્ટનો જપ્તી વોરંટ લઈને આવ્યા છે અને જપ્તી કરીએ છીએ. 68 લાખ રૂપિયા બાકી હતા. ઉલ્લેખનીય છે કે વડોદરાના પાદરા તાલુકાના અભોળ ગામના ખેડૂતોએ વર્ષ 1987માં પોતાની જમીન સંપાદિત કરવા માટે મંજૂરી આપી હતી. જમીન સંપાદન ખાતા તથા સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જે-તે સમયે અભોળ ગામના લોકોની જમીન સંપાદિત કરી અને નર્મદા કેનાલ બનાવવાનું આયોજન હતું.
આગળની માહિતી મળી રહી છે કે જમીન સંપાદિત કરી અને કેનાલ બનાવ્યા બાદ સરકાર દ્વારા આ ખેડૂતોને વર્ષ 1990માં વળતર ચૂકવવા માટે હુકમ બહાર પાડવામાં આવ્યા. વર્ષ 1990ની 25 જુલાઈ અને 30 જુલાઈના રોજ વળતર હુકમ બહાર પાડી પ્રતિ આરે પિયત જમીનના રૂપિયા 225 અને બિનપિયત જમીનના પ્રતિ આરે રૂપિયા 150 આપવાનું નક્કી કરાયું હતું. જોકે અપૂરતી વળતર રકમ હોવાને કારણે ગામના ખેડૂતો દ્વારા વડોદરા સાતમા એડિશનલ સિનિયર સિવિલ જજ સમક્ષ લેન્ડ રેફરન્સ કેસ નં. 738/1992, 739/1992, 742/1992 – 744/1992થી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં સરકાર દ્વારા સંપાદિત જમીનનું નજીવું વળતર ચૂકવવાનો મુદ્દો રજૂ કરાયો હતો