કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ ગૃહમાં રજુઆત કરતા કહ્યું હતું કે મહામહિમ રાજયપાલના પ્રવચનમાં એમણે રાષ્ટ્રપિતા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક અને રવિશંકર મહારાજ એમ ગુજરાતના આ ૪ પનોતા પુત્રોને યાદ કર્યા, એ નામોની યાદીમાં હું વિઠ્ઠલભાઇ પટેલનું નામ મૂકવા માગું છું. જેમના નામ સાથે આ સન્માનનીય સભાગૃહનું નામ જોડાયેલું છે. આ પાંચેય ગુજરાતના પનોતા પુત્ર વિઠ્ઠલભાઇ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક એ એવા મહાપુરુષો હતા કે જેમના જાહેરજીવનના કેન્દ્રમાં ગુજરાતનો, દેશનો અને સમાજનો જે આખરી ઇન્સાન છે. છેવાડાનો માણસ છે. છેલ્લામાં છેલ્લો વ્યક્તિ છે. એ એમના જાહેર જીવનના કેન્દ્રમાં હતો. આજે ગુજરાતના ૫૫ લાખ ખેતમજૂરો, પગાર નહીં પણ ઇન્સેન્ટીવ પર જીવતી ગુજરાતની હજારો આશાવર્કર બહેનો, અઢીસો કે ત્રણસો રૂપિયા માટે ઝેરી ગેસ હોવા છતાં જે સફાઇ કામદારે ગટરમાં ઉતરવું પડે છે એવા સફાઇ કામદારો, એવા દલિતો કે જેમને માથે મેલું ઉપાડવું પડે છે. જેમણે ૧૪ કલાક, ૧૬ કલાક કેમિકલની ફેકટરીમાં મજૂરી કરવી પડે છે. આ વાયબ્રન્ટ અને સ્વર્ણિમ સિવાયનું આ શ્રમજીવીઓનું જે ગુજરાત છે. એની ખાસ કોઈ ઝલક કે ઝાંખી આ મહામહિમ રાજ્યપાલના પ્રવચનમાં જોવા મળતી નથી.
રાજયપાલના પ્રવચનમાં જો કે એક વાતનો ઉલ્લેખ છે કે ગુજરાતમાં ૩.૪૭ કરોડ એટલે કે લગભગ સાડા ત્રણ કરોડ લોકોને આ રાજયની સરકારે મહિને ૫ કિલો અનાજ આપવું પડે છે. જે રાજયમાં લગભગ સાડા ત્રણ કરોડ લોકોને મહિને ૫ કિલો અનાજ આપવું પડતું હોય, એને કઇ રીતે મોડેલ સ્ટેટ કહીએ છીએ એ સમજાતું નથી. એટલું જ નહીં, બિહાર પછી ઓછા વજનવાળા અને કુપોષિત બાળકોની અંદર ગુજરાત બીજા નંબર ઉપર છે. લગભગ અઢી કરોડ લોકો રાશનની લાઇનમાં ઉભા રહે છે. એ સાડાત્રણ કરોડ લોકો છે જેને મહિને ૫ કિલો અનાજ આપીએ છીએ. જેના દીકરા કે દીકરી એ ડીગ્રીનું સર્ટિફિકેટ હાથમાં લઇને નોકરીની લાઇનમાં ઉભો છે અને એને ખબર પડે છે કે કરાઇની અંદર તો કોઇ નકલી પી.એસ.આઇ. ઘૂસી ગયો છે. આ એ ગરીબ પરિવારો છે કે જેમણે પેટે પાટા બાંધી, કાળી મજૂરી કરીને પોતાના સંતાનોને, પોતાના દીકરા દીકરીઓને ભણાવ્યા, એવી આશાએ કે એમને સરકારી નોકરી મળશે. પણ, હજી રાજયની જનતા સમક્ષ, ગુજરાતની જનતા સમક્ષ ખુલાસો થતો નથી કે રાજયમાં ૧૩ પરીક્ષાના પેપર ફૂટ્યા, ૨૩ ફૂટ્યા કે ૪૩ ફૂટ્યા, ધારાસભ્યનું પદ ખાલી પડે તો ૬ મહિનામાં ચૂંટણી થાય.
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યપાલના પ્રવચનમાં એવી અપેક્ષા હતી કે આવતા ૫ વર્ષની અંદર ખાલી પડેલા તમામ સરકારી પદો પર ભરતી કરવામાં આવશે કે કેમ ? એનું કોઇ આયોજન છે કે કેમ એવી અપેક્ષા હતી. ધારાસભ્યનું પદ ખાલી પડે તો ૬ મહિનામાં ચૂંટણી આવે, પણ દાયકાઓથી ખાલી પડેલા સરકારી પદોમાં ગુજરાતમાં ભરતી થતી નથી. એ મુદ્દે રાજયપાલ ના પ્રવચનમાં કંઇ જોવા મળતું નથી એ પણ બહુ દુઃખ સાથે કહેવું પડે છે. ગુજરાતની અંદર ૧૩ લાખ જેટલી બહેનોને આપણે વિધવા પેન્શન આપ્યું. એક હજાર રૂપિયા વિધવા પેશન આપણી વિધવા બહેનોને આપવામાં આવે છે, પણ ૩ હજાર રૂપિયામાં તેલનો ડબ્બો, ૧૧૦૦, ૧૨૦૦ રૂપિયામાં ગેસનો બાટલો, સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટની ચાલી કે ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો પણ એની જીવન જરૂરિયાત માટે બીજા ૪, ૫ હજારનો ખર્ચ થાય. આવી પ્રચંડ મોંધવારીની અંદર જે ગુજરાતને આપણે વાયબ્રન્ટ કહીએ છીએ. લાખો, કરોડો રૂપિયાના મૂડીરોકાણની વાત થઇ એની વિધવા બહેનોને લઘુત્તમ વેતનની સમકક્ષ પણ વિધવા પેન્શન ચૂકવવામાં આવતું નથી. રાજયપાલના પ્રવચનમાં અનેક પ્રકારના ગામોનો ઉલ્લેખ થયો. એવી અપેક્ષા હતી કે એકાદું ગામ આ રાજયની સરકાર આભડછેટ મૂક્ત ગામ જાહેર કરે. એ પણ રાજયપાલના પ્રવચનમાં જોવા મળ્યું નથી.