અમદાવાદ
જીએસટી લાગુ કરાતા ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે- કોંગ્રેસ
જીએસટી લાગુ કરાતા ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે- કોંગ્રેસ
દૂધ, દહી, પનીર, કઠોળ, ઘઉંનો લોટ સહિત અનેક રોજબરોજની જરૂરીયાત પર જીએસટી લાગુ કરવામાં આવતાં દરેક જીવન – જરૂરી વસ્તુઓના ભાવો આસમાને આંબી ગયા છે. દરેક વસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારો કરી દેતાં ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ સૌથી વધુ મુશ્કેલીમાં મૂકાયો છે. “જાયે તો જાયે કહાં” તેવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે છાસમાં ૩ રૂપિયા, દહીંમાં ૪ રૂપિયા અને ઘઉંના લોટ, ચોખા અને કઠોળમાં પણ નવા દર લાગુ થતા દેશમાં આજથી મોંઘવારીનો નવો રાઉન્ડ શરૂ થયો છે ત્યારે શું આ છે અચ્છે દિન ? તેવો વેધક પ્રશ્ન પુછતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નવા જીએસટીના દરના કારણે ગુજરાતમાં અનાજ-કઠોળથી માંડીને છાસ, દહીં સહિતની ચીજોમાં ભાવવધારો અમલી બન્યો છે. દહીમાં કિલોએ રૂ. ૪ તથા છાસમાં લીટરે રૂ. ૩ નો વધારો લાગુ થયો છે. અનાજ-કઠોળમાં પણ ૫ ટકા વધી ગયા છે. તેવી જ રીતે સ્ટેશનરી આઈટમો, પ્રિન્ટીંગ ઈન્ક વગેરેમાં પણ જીએસટી પેટે ભાવવધારો લાગુ પડ્યો છે. ખાદ્ય ચીજોમાં અનાજ – કઠોળમાં ૫ ટકા જીએસટી લાગુ પડ્યો છે એટલે આ તમામ ચીજો મોંઘી થઈ છે. ડેરી પ્રોડક્ટમાં પણ ૫ ટકા ટેક્સ લાગુ પડ્યો છે. અમૂલ, સહિતની છાસમાં લીટર દીઠ રૂ. ૩ તથા દહીમાં કિલો દીઠ રૂ. ૪નો ભાવવધારો લાગુ પડ્યો છે. મધ, સોયાબીન, વટાણા, ઘઉં સહિતના અનાજ વગેરે પણ આ સાથે મોંઘા થયા છે. મોંઘવારીથી ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ અસહ્ય પિડા અનુભવી રહ્યો છે ત્યારે આજથી દૂધ, દહીં સહીતની વસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ છે. ગૃહિણીઓનું બજેટ અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. જીએસટીના મૂળ કાયદા તથા નિયમોમાં સતત ફેરફાર કર્યા છે જેના કારણે જીએસટી કાયદાનું સ્વરૂપ ખૂબ જ વિકૃત બની ગયું છે તથા સામે કર પ્રણાલી સરળ થવાના બદલે વધુ જટિલ બની છે. જીએસટી કાયદા અને નિયમોમાં છેલ્લા ૫ વર્ષ દરમિયાન ૧,૧૦૦ થી પણ વધારે મરજી પ્રમાણેના સંશોધનો કરવામાં આવ્યા છે જે જીએસટી કાઉન્સિલના સ્વચ્છંદીપણાનું સાક્ષાત ઉદાહરણ છે.
એક તરફ પેટ્રોલ – ડીઝલ, ગેસના સતત ભાવ વધારો અને બીજીબાજુ રૂપિયાનું સતત અવમુલ્યનથી મોંઘવારી આસમાને પહોંચી છે. મોંઘવારીના મારથી જનતા પીસાઈ રહી છે સાથોસાથ બેરોજગારી પણ સતત વધતી જાય છે. લોકોના ધંધા-રોજગાર છીનવાઈ રહ્યાં છે. ૨૦૧૪માં જાહેરમાં અચ્છેદિનનો વાયદો કરનાર ભાજપ સરકારની જનતાને શું આ અચ્છેદિનની ભેટ છે ?