હાય… તમારી લબકારાં લેતી જીભલડી લકવો મારી જાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
તમે રુદ્રિકા, આંખ ફેરવી કીધો રણ ટંકાર,
હવે તો હાંઉ કરો
તમે રુદ્રિકા, મંતર માર્યો ત્યાં તો હાહાકાર,
હવે તો હાંઉ કરો
હાય… તમારા કાળા કોપે જીવણિયાના ગાતર ઢીલા થાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
તમે ભક્ષિણી, લગળક લગળક ખાધા રાજા-રંક,
હવે તો હાંઉ કરો
તમે ભક્ષિણી, બબ્બે મોઢે ખાધું ચારે ટંક,
હવે તો હાંઉ કરો
હાય… તમારા ટાઢા કોઠે હાશ વળે ને અહીંયા લાગે લ્હાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
તમે ચંડીકા, ઘરેઘરે જઈ મંડાવી મોકાણ,
હવે તો હાંઉ કરો
તમે ચંડીકા, ખડા કરાવ્યા આંગણવચ્ચ મહાણ,
હવે તો હાંઉ કરો
હાય… તમારાં ભૂખાળવા ખપ્પરમાં મારાં વ્હાલૂડાં હોમાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
તમે કાલિકા, ડાક વગાડી માંડ્યો તાંડવ નાચ,
હવે તો હાંઉ કરો
તમે કાલિકા, રાખરમકડે દીધી ધગધગ આંચ,
હવે તો હાંઉ કરો
હાય… તમારા કોમળ કંઠે મુંડમાળના રોજ ખડકલા થાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
હવે માવડી, સંકેલી લ્યો અસ્ત્ર-શસ્ત્ર-ઓજાર,
તમોને પાય પડું
હવે માવડી, મ્યાન કરી દ્યો ગોઝારી તલવાર,
તમોને પાય પડું
હાય… તમારા કાલાઘેલા બાળુડાની વંશવેલ કરમાય,
જોગણી ખમા કરો
હાય… અમારા કાળઝાળ હૈયેથી ઊઠતી લાગે તમને હાય,
જોગણી ખમા કરો
-પારુલ ખખ્ખર