સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘હીરોપંતી 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ ચાહકો તેના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકીનું પાત્ર એક અલગ જ અંદાજમાં જોવા મળ્યું, તો ટાઇગર શ્રોફ ઘણા એક્શન સીન કરતા જોવા મળ્યા, સાથે જ તારાની સાથે તેમનો રોમાંસ પણ જોવા મળ્યો.
‘હીરોપંતી 2’ સાયબર ક્રાઈમ પર આધારિત છે, જેમાં ટાઈગર શ્રોફ એટલે કે બબલુનો મુકાબલો નવાઝુદ્દીન સિદ્દીકી (લૈલા)ની સાથે થશે. ટ્રેલરની શરૂઆત નવાઝુદ્દીનની જોરદાર એક્ટિંગથી થાય છે. ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે, દુનિયામાં જે સાયબર ક્રાઈમ થઈ રહ્યો છે તેની પાછળ લૈલાનો હાથ હોય છે, જેને રોકવા માટે બબલુને શોધવો જરૂરી છે.
ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મમાં એક્શન, ડ્રામા અને રોમાન્સ જોવા મળશે. સાથે જ ફિલ્મના ડાયલોગ્સ પણ ખૂબ જ મજેદાર છે. નવાઝુદ્દીન જાદુગરની ભૂમિકામાં ટાઈગરને ટક્કર આપતા જોવા મળી રહ્યા છે.
ટ્રેલરમાં તારા અને ટાઈગર ડાન્સ કરતા પણ જોવા મળી રહ્યા છે. જેને જોઈને એવું લાગે છે કે, ફિલ્મના ગીતો પણ ધૂમ મચાવશે. તારા અને ટાઈગરની કેમેસ્ટ્રી પણ ઘણી સારી લાગી રહી છે. તો ટ્રેલરમાં બબલુ અને લૈલા વચ્ચેની લડાઈ ઉત્સાહ વધારવા માટે પૂરતી છે. ટ્રેલરમાં નવાઝુદ્દીન અને ટાઈગરની ડાયલોગ ડિલિવરી પણ શાનદાર લાગે છે. ફિલ્મનું ટ્રેલર ટાઈગર શ્રોફ, તારા સુતારિયા અને નવાઝુદ્દીન સિદ્દીકીએ પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે.
‘હીરોપંતી 2’નું નિર્દેશન અહેમદ ખાને કર્યું છે. આ ફિલ્મ 29 એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. અજય દેવગનની ફિલ્મ ‘રનવે 34’ પણ તે જ દિવસે રિલીઝ થશે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ અને અમિતાભ બચ્ચન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.