ગાંધીનગર
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૧ લાભાર્થીઓને રૂ. ૧ કરોડ ૬૧ લાખથી વધુની સાધન સહાયનું વિતરણ
ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોબા ખાતે યોજાયો
આરોગ્ય મંત્રીના હસ્તે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૧ લાભાર્થીઓને રૂ. ૧ કરોડ ૬૧ લાખથી વધુની સાધન સહાયનું વિતરણ
ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેવાડાના માનવી અને સાચા લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સાધન-સહાયનો લાભ હાથોહાથ આપવા માટે કરવામાં આવે છે ઋષિકેશ પટેલ
ગરીબ કલ્યાણ મેળાનું આયોજન છેવાડાના માનવી અને સાચા લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓની સાધન-સહાય હાથોહાથ આપવા માટે કરવામાં આવે છે એમ આજે ગાંધીનગર જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઇ-માધ્યમથી દાહોદ ખાતેથી ગાંધીનગર જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને સંબોધન કર્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા ખાતે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાનો આરંભ દીપ પ્રાગટ્ય કરીને કરાવવામાં આવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે, આ મેળાનો આરંભ દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૦૯-૧૦માં કરવામાં આવ્યો હતો. ભૂતકાળમાં સરકારની અનેક યોજનાઓના લાભ સાચા લાભાર્થીઓ સુધી પહોંચી શકતા ન હતા. વચેટીયાઓ મારફતે વિવિધ યોજનાઓના લાભો પહોંચતા હતા. કેટલાક લાભો તો માત્ર કાગળ પર જ મળતા હતા. ગરીબ કલ્યાણ મેળા થકી વચેટિયાઓ દૂર થયા છે. રાજ્ય સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ સાચા અને જરૂરિયાતમંદ લાભાર્થીઓને સીધો જ મળી રહ્યો છે.
તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ વ્યક્તિને જીવનમાં ગરીબ રહેવાની ઈચ્છા હોતી નથી, તેમને રોજગારી અને વ્યવસાય માટે થોડીક સાધન-સહાયની જ જરૂરિયાત હોય છે. આવી વ્યક્તિઓને થોડીક સહાય મળી રહે તો તેઓ આત્મનિર્ભર બની સન્માનભેર જીવન વિતાવી શકે છે. છેલ્લા એક દાયકાથી વધુ સમયથી યોજાતા ગરીબ કલ્યાણ મેળા થકી રાજ્યમાં અનેક ગરીબ પરિવારો સન્માનભેર જીવન જીવી રહ્યા છે.
તેમણે કહ્યું હતું કે, આ સરકારના શાસનમાં ગ્રામ્ય કક્ષાએ 24 કલાક વીજળીની સુવિધાઓ મળી રહી છે. તેમજ મધ્યમ અને ગરીબ પરિવારોને પણ આરોગ્ય સુરક્ષા કવચરૂપ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યું છે. રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળા થકી અત્યાર સુધીમાં ૧ કરોડ કરતાં વધુ લાભાર્થીઓને રૂ. ૩૪ હજાર કરોડના લાભો સાચા લાભાર્થીઓને હાથોહાથ આપવામાં આવ્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતીઓ ખમીરવંતા છે, એટલે જ ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાતનો આવનારો સમય સુવર્ણ બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કરીને મંત્રીએ દેશને વિશ્વગુરુ બને તે દિશામાં આ સરકારે સુચારુ આયોજન કર્યા છે એમ કહ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.કે પટેલે તાં જણાવ્યું હતું કે, જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળા થકી આજે ૧૦૫૧ લાભાર્થીઓને ૧૪ વિભાગની વિવિધ સહાય યોજનાઓની રૂપિયા ૧ કરોડ, ૬૧ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે વિવિધ સહાય યોજનાઓના લાભ મેળવનાર લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મંત્રીએ વિવિધ વિભાગના સ્ટોલ્સની મુલાકાત લઇ લાભ લેનાર લાભાર્થીઓના પ્રતિભાવ તેમના સ્વમુખે સાંભળ્યા હતા. તેમણે મતદાન જાગૃતિના સેલ્ફી પોઇન્ટ ખાતે ફોટો પડાવી મતદાન જાગૃતિનો સંદેશ પણ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ, દહેગામના ધારાસભ્ય બાલરાજસિંહ ચૌહાણ, ગાંધીનગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચાવડા, મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંતભાઈ પટેલ, કલોલ નગરપાલિકા પ્રમુખ ઉર્વશીબેન પટેલ, માણસા તાલુકા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ પટેલ, ગાંધીનગર જિલ્લાના ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.