પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરકાર કોઈ મદદ તો નથી કરતી પણ સરકાર દ્વારા વ્યસન પીરસવામાં આવે છે. યુવાન બેરોજગાર છે” તુ ચિંતા ના કરીશ લે દારૂ પી, ડ્રગ્સ લે.રોજીંદ ગામના સરપંચે તા. ૨૫ ફેબ્રુઆરીના રોજ એક પત્ર પી.એસ.આઈ.ને લખે છે, બીજો પત્ર તા. ૪ માર્ચના રોજ, આ બધા પત્રોમાં પોલીસ સ્ટેશનથી રીસીવ કોપી ઉપર સાઈન કરીને આપવામાં આવે છે. ત્રીજો પત્ર તા. ૯ માર્ચના રોજ લખાય છે અને ચોથો પત્ર રાઘવજીભાઈ લખે છે કે “મારી કરીયાણાની દુકાન છે. દારૂના અડ્ડાવાળાએ મારી દુકાનમાં તોડફોડ કરી અને કહ્યું કે “તમે અમારો અડ્ડો બંધ કરવા પોલીસ સ્ટેશન જાઓ છો, તમે અને સરપંચ ભેગા મળીને પોલીસ સ્ટેશનમાં કાગળો લખો છો. કાગળો લખવાનું બંધ કર નહીંતર આ કરીયાણાની દુકાન સાથે તને જીવતો સળગાવી જઈશ, સરપંચ સાથે જે કોઈ અમારા અડ્ડા બંધ કરાવવાની કોશીશ કરશે તેમની લાશ પણ જોવા નહી” મળે તેવી ખુલ્લેઆમ ધમકી આપે છે” તેવો પત્ર શ્રી રાજુભાઈ લખે છે. ત્યાથી અટકતુ નથી ગામના સરપંચશ્રી અને આગેવાનો તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભેગા થઈને ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલને મળે છે અને ધારાસભ્યશ્રી રાજેશભાઈ ગોહિલ ૬ તારીખે એક પત્ર લખે છે તાલુકા સંકલન સમિતિમાં આ પ્રશ્નની ચર્ચા થવી જોઈએ, રજુઆત થવી જોઈએ, તેમ છતાં દારુના અડ્ડા ચાલુ છે બંધ થતા નથી. ગામના સરપંચ સારા છે, ધારાસભ્ય સારા છે આટલુ સારુ હોવા છતાં વારંવાર રજુઆત કરવા છતા દારૂના અડ્ડા કેમ બંધ થતા નથી ? લઠ્ઠાકાંડની તટસ્થ તપાસ થાય, જવાબદાર સામે સખત પગલા ભરાય તેવી માંગ સાથે કોંગ્રેસ રાજ્યના ચાર ઝોનમાં ધરણા પ્રદર્શન કરશે. આગામી દિવસોમાં દારૂના દુષણ સામે સરકાર પોલીતંત્ર પગલા નહિ ભરે તો જનતા રેડ કાર્યક્રમો પણ અપાશે.
રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં દારૂબંદીના અમલવારી-અસરકારક કામગીરીમાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગાંધી-સરદારની ભૂમિને કલંકિત કરતી લઠ્ઠાકાંડની ઘટના ભાજપની દારૂબંદીની પોલખોલી નાખી છે. રોજીંદ ગામના સરપંચ બે-બે વાર લેખિતમાં રજૂઆત કરે. ચુટાયેલા ધારાસભ્ય સંકલન સમિતિમાં રજૂઆત કરે તેમ છતાં બુટલેગર, ગામના અસામાજિક તત્વોને છાવરતી હોય તેમ ભાજપ સરકાર હાથ પર હાથ ધરી બેસી રહી. પરિણામે ૩૦થી વધુ નવજુવાનીયાઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ડ્રગ્સ અને દારૂના બેરોકટોક ચાલી રહેલા વ્યાપારમાં ભાજપ અને તેના મળતિયાઓની ભાગીદારી છે. સ્થાનિક કરિયાણાની દુકાન ચલાવતા રાજુભાઈ ગામમાં ચાલી રહેલા બેરોકટોક દારૂના વેચાણ વિરુદ્ધ આવાજ ઉઠાવે છે પરતું ભાજપના કુશાસનમાં ફરિયાદ કરનારને મારી નાખવાની ધમકીઓ અપાય છે. માનનીય નરેન્દ્ર મોદીજી ગુજરાત આવી રહ્યા છે ત્યારે ભાજપના કોઈ પણ હોદેદારોએ આ ગામોમાં પીડિત પરિવારજનોની મુલાકાત નથી લીધી. ગાયના નામે ખુબ વોટ માંગનારા આજે ગામે ગામ ગાયો લમ્પી વાયરસથી મરી રહ્યી છે ત્યારે ભાજપ ઉત્સવો-તાયફોમાં વ્યસ્ત છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રીશ્રી વારંવાર એવુ કહેતા હોય છે કે, મારી બહેનો કોઈપણ તકલીફ પડે તો મને અડધી રાત્રે યાદ કરજો. ધંધુકા, બોટાદ, બરવાળા અને ભાવનગરની બહેનો છેલ્લા ૭૨ કલાકથી આપને યાદ કરી રહી છે, તો ક્યારે સમય આપશો ? હજુ સુધી ગૃહમંત્રીએ આ પીડીત પરિવારોની મુલાકાત લીધી નથી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કોઈ સંવેદના વ્યક્ત કરી નથી. આજે જ્યારે ગુજરાતના પ્રધાનમંત્રી સાબરકાંઠા જીલ્લાની મુલાકાતે છે ત્યારે સાબરકાંઠાના હિંમતનગરના ભાજપના તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પટેલના પોતાના ગામમાં દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે. સાબરકાંઠાના સ્થાનિક મિત્રોની માહિતી મુજબ સાબરકાંઠાના સાબરમતી નદીના કિનારે આવેલા સરોળી અને એડાવાલાના ગામમાં ખુલ્લેઆમ દારુની ભઠ્ઠીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં ભોલેશ્વરમાં નદી કિનારે દારુના અડ્ડા ચાલી રહ્યાં છે. ૫૦થી વધારે નિર્દોષ ગરીબ – મધ્યમવર્ગના લોકોએ જીવ ગુમાવ્યા છે, ગુજરાતની બહેન-દિકરી-માતા વિધવા થઈ તેનો કોઈ અફસોસ ભાજપ સરકારને નથી, કારણ કે ભાજપના પ્રમુખ પૂર્વ બુટલેગરનો ઐતિહાસીક ભવ્ય ભૂમિકા ધરાવે છે, તેમના ઉપર એક-બે નહીં પરંતુ ૧૦૮ કેસો જેટલા કેસ બુટલેગર તરીકેના લાગેલા છે તે ગુજરાતની અંદર ડ્રગ્સ બંધ કરશે ? એ ગુજરાતની અંદર દારુ બંધ કરશે ? ભાજપની સરકારે પોતે સ્વિકારે છે કે બે વર્ષમાં ૨૧૫ કરોડનો દારુ પકડાયો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં દારુબંધી હોવા છતાં ગુજરાતના દરેક શહેર – જીલ્લા – દરેક વિસ્તારોમાં દારૂનું વેચાણ ચાલુ છે. ડ્રગ્સનું વેચાણ ચાલી રહ્યું છે. મુંદ્રા પોર્ટ ઉપર ૧ લાખ ૭૫ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું સતત છાસવારે ડ્રગ્સ પકડાયા કરે જ્યારે એવુ લાગી રહ્યું છે કે, મુદ્રાના પોર્ટ ઉપર જાણે પ્લેટફોર્મ ઉભુ કરવામાં આવ્યું હોય ડ્રગ્સ ઉતારવા માટે, એ હદે હેરાફેરી થાય ત્યારે સવાલ થાય કે રાજ્યની સરકાર જે બુટલેગરોને છાવરી રહી છે, ગૃહમંત્રીએ પોતે પરિવારોની વીઝીટ ના કરી. વિધવા થયેલ બહેનોના આંસુ લુછવાની કોસીસ ના કરી, ગઈ કાલે પ્રેસકોન્ફરન્સમાં એવુ કહ્યું કે પોલીસ તંત્રને બદનામ કરવાનું આ એક ષડયંત્ર છે. શરમ આવવી જોઈએ તમે ખુલ્લે આમ બુટલેગરોનો બચાવ કરી રહ્યાં છો. જેની ફેક્ટરીમાંથી આખુ આ કેમીકલ પકડાયું એ તેના ત્યાંથી ચોરી થઈ હતી તો પોલીસ ફરીયાદ કરી ? કઈ તારીખે ફરીયાદ કરી ? ગુજરાતમાં છાસવારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું છે. આખા લઠ્ઠાકાંડને ભીનું સંકેલવા માટે ભાજપે પોતાના અનુકુળ અધિકારીઓની એસ.આઈ.ટી રચના કરી છે ત્યારે આ એસ.આઈ.ટીમાં નિષ્પક્ષ-પ્રમાણિક અધિકારીઓએ સમાવવામાં આવે અને સમગ્ર લઠ્ઠાકાંડ જેમની નિષ્ફળતાને કારણે થયો છે તેવા ઉચ્ચ અધિકારીઓને ડીસમીસ કરવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.
ગુજરાતના દરિયાકાંઠા અને પોર્ટ ડ્રગ્સ-દારૂને દેશમાં ગુસાડવા માટેનું પ્રવેશદ્વાર બન્યું.
