પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
પાટીદાર નેતા ધાર્મિક માલવિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
’આપ’ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ભાવનગરના પાલીતાણામાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરી.
ગારિયાધાર નગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા
હું સંઘર્ષશીલ યુવા નેતા અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું: અરવિંદ કેજરીવાલ
અલ્પેશભાઈ અને ધર્મભાઈએ યુવાનોના હક્ક માટે લાંબી લડાઈ લડી છે અને જેલમાં પણ ગયા છેઃ અરવિંદ કેજરીવાલ
કોળી સમાજના મોટા નેતા રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રજરાજ સોલંકીનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને કાર્યકારી નીતિથી ખુશ થઈને 10 કાઉન્સેલરો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું તેમનું દિલથી સ્વાગત કરું છું: અરવિંદ કેજરીવાલ
હું ખૂબ જ ખુશ છું કે આમ આદમી પાર્ટીનો પરિવાર દિવસ-રાત વધી રહ્યો છે અને પ્રગતિ કરી રહ્યો છે: અરવિંદ કેજરીવાલ
હું તમને બધાને કહેવા માંગુ છું, “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે.”
મારી પાસે એટલા પૈસા નથી કે તમને 30,000 કરોડનું પેકેજ આપી શકું, પરંતુ જો અમે જીતીશું તો મને તમારા પરિવારને 30,000 રૂપિયાનો ફાયદો કરાવીશ: અરવિંદ કેજરીવાલ
તમારા માટે એક એવી સિસ્ટમ લાગુ કરીશું જેમાં સરકારી અધિકારીઓ તમારા ઘરે આવશે અને તમારું કામ કરશેઃ અરવિંદ કેજરીવાલ
સરકાર બન્યા બાદ તમારા પરિવારની જવાબદારી મારી જવાબદારી રહેશેઃ અરવિંદ કેજરીવાલ
જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તે પણ જેલમાં જશેઃ અરવિંદ કેજરીવાલ
તમે ચાહે કોઈને પણ મત આપો, તમારા બધાના પરિવારોની જવાબદારી કેજરીવાલની છેઃ અરવિંદ કેજરીવાલ
ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયા છે : અરવિંદ કેજરીવાલ
1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે: અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ
દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ
મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માન રાશિ રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ
ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ
જેમ દિલ્હી અને પંજાબમાં રેકોર્ડ તૂટ્યા તેવી રીતે ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ: અરવિંદ કેજરીવાલ
કેન્દ્ર સરકારની જાસૂસી સંસ્થા IBનો રિપોર્ટ આવ્યો, ગુજરાતમાં ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છેઃ અરવિંદ કેજરીવાલ
પહેલાં ઝાડુથી, દુકાન કે ઘરની સફાઈ થતી હતી, આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખું ભારત આ જ ઝાડુથી સાફ થશેઃ ભગવંત માન
આપણા દેશના નેતાઓ આ દેશમાં ખાતા જાય છે, તેથી વિદેશમાં તેમના ખાતા છેઃ ભગવંત માન
અમે ફક્ત એક મોકો માંગીએ છીએ, અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી: ભગવંત માન
પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છેઃ ભગવંત માન
ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન
પરિવર્તનની લહેરમાં અમે ખભેથી ખભો મિલાવીને આગળ વધવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ: અલ્પેશ કથીરિયા
અમદાવાદ/ભાવનગર/ગુજરાત
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી ત્રણ દિવસીય ગુજરાત મુલાકાતે આવ્યા છે. અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ છેલ્લા બે દિવસમાં પંચમહાલ, નવસારીના ચીખલી, નર્મદાના ડેડીયાપાડામાં વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ સાથે ગઈકાલે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજીએ ગુજરાતમાં મુખ્યમંત્રીની પસંદગી માટે જનતા સમક્ષ એક નંબર પણ જાહેર કર્યો હતો. આજે અરવિંદ કેજરીવાલજી અને ભગવંત માનજી ભાવનગરના પાલીતાણામાં વિશાળ જનસભાને સંબોધિત કરવા પહોંચ્યા હતા.
પાટીદાર સમાજના દિગ્ગજ નેતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ એક મહત્વની જાહેરાત કરતી વખતે કહ્યું કે, દિવાળીમાં જે ધમાકો થયો એનાથી પણ મોટો ધમાકો આજે થવા જઈ રહ્યો છે. આજે આ ધમાકો સાંભળીને ભાજપવાળાનાં કાન ફાટી જશે. તેઓ જે કરવા માંગતા હતા તે કરી ચૂક્યા છે, પરંતુ હવે ધમાકો કરવાનો વારો અમારો છે. આજે આમ આદમી પાર્ટી એક એવા વ્યક્તિ સાથે જોડાવા જઈ રહી છે જેણે જમીની સ્તરથી સંઘર્ષ શરૂઆત કરી અને ખૂબ જ નાની ઉંમરમાં સમાજના પ્રશ્નો પર લડત આપવા માટે આગળ આવ્યા. તેમણે ઘણી આક્રમક રીતે, મજબૂતીથી લડાઈ લડી. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આપણે ભાજપ સામે લડીએ છીએ ત્યારે લોભ, લાલચ, ડર જેવી ઘણી બધી મુશ્કેલીઓ આપણી વચ્ચે આવી જાય છે. પરંતુ આ વ્યક્તિ ક્યારેય ઝુક્યા નથી, પરંતુ ભાજપવાળાને ઝુકાવ્યા છે અને તેઓ ક્યારેય રોકાયા નથી પણ ભાજપવાળાને રોકી દેશે, પાટીદાર સમાજના આટલા મોટા નેતા અલ્પેશભાઈ કથીરિયા આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. હું તેમનું સ્વાગત કરું છું. હું વધારે ખુશ છું કારણ કે આજે તેમના સાથીદાર ધાર્મિક માલવિયા પણ તેમની સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે આમ આદમી પાર્ટીને નવી ઉર્જા મળી છે અને એક નવું નેતૃત્વ પણ મળ્યું છે. આજે અલ્પેશ ભાઈ અને ધાર્મિકભાઇની સાથે હિતેશ જાસોલિયા, જીજ્ઞેશ વઘાસીયા, હિતુભાઈ, પંકજ છિદપરા અને પુષ્પકભાઈની સહિત તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, હું તે સૌનું સ્વાગત કરું છું.
ગારિયાધાર નગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આ સાથે ગારિયાધાર નગરપાલિકાના વર્તમાન કોર્પોરેટર અને નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હિંમતભાઈ દેવજીભાઈ માણિયા આમ આદમી પાર્ટીના પ્રામાણિક રાજકારણથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે ગારિયાધાર કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટરો રમેશભાઇ બાબુભાઇ પાળીયાદ્રા, મનિષાબેન તુલસીભાઇ રોય, આલુબેન ગોવિંદભાઇ કંટારિયા, સમીમબેન ફીરોજભાઇ કાસમાણી, હિરાબેન ઘનશ્યામભાઇ કાસમાણી, અશોકભાઇ દામજીભાઇ ભરોળિયા તેમજ વલ્લભભાઇ માણીયા માજી કોંગ્રેસ શહેર પ્રમુખ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. આ સાથે ગુજરાત પ્રદેશ પત્રકાર સમિતિનાં પ્રમુખ લાભુભાઇ કાગોડિયા અને ભાજપનાં કાર્યકર્તા રમેશભાઇ રેવર આમ આદમી પાર્ટીની કામ કરવાની ઈમાનદાર રાજનીતિથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.
હું સંઘર્ષશીલ યુવા નેતા અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભાવનગરના પાલીતાણામાં ભારત માતા કી જય અને વલારામ બાપુ કી જયના નારા સાથે આયોજિત જનસભાને સંબોધતા જણાવ્યું હતું કે, આજે હું ખૂબ જ ખુશ છું. આમ આદમી પાર્ટીનો પરિવાર ખૂબ જ વધી રહ્યો છે અને દિવસ-રાત પ્રગતિ કરી રહ્યો છે. સૌ પ્રથમ હું અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. બંને યુવા નેતાઓ છે અને ભારતનું ભવિષ્ય યુવાનોના હાથમાં છે. બંને સંઘર્ષશીલ નેતાઓ છે જેમણે યુવાનોના અધિકારો માટે લાંબી લડાઈ લડી છે અને જેલ પણ જઈ ચુક્યા છે. હું બંનેને આમ આદમી પાર્ટીના પરિવારમાં હૃદયપૂર્વક આવકારું છું. હું અત્યારે ભાવનગરથી આવ્યો છું, ત્યાં પણ કોળી સમાજના મોટા નેતા રાજુભાઈ સોલંકી અને તેમના પુત્ર બ્રજરાજ સોલંકી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. આમ આદમી પાર્ટીની ઈમાનદારી અને કામ કરવાની નીતિથી ખુશ થઈને 10 કાઉન્સેલર પણ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. હું તેમનું પણ હાર્દિક સ્વાગત કરું છું.
જેમ દિલ્હી અને પંજાબમાં રેકોર્ડ તૂટ્યા તેવી રીતે ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ: અરવિંદ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ ભારત માતા કી જયના નારા સાથે નવસારીના ચીખલીમાં આયોજિત જનસભાને સંબોધતા કહ્યું કે, ગુજરાતમાં અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. હું તમારા માટે ખુશખબર લઈને આવ્યો છું. IBનો રિપોર્ટ આવ્યો છે. કેન્દ્ર સરકારે આ એજન્સીને ગુજરાતમાં મોકલીને સર્વે કરાવ્યો હતો. તે સરકારી એજન્સી છે. અને IBએ કેન્દ્ર સરકારને રિપોર્ટ આપ્યો છે કે ડિસેમ્બરમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. IB રિપોર્ટ કહી રહ્યો છે કે આમ આદમી પાર્ટીની 94-95 સીટો આવી રહી છે. આમ આદમી પાર્ટી જીતી રહી છે પણ બે-ત્રણ સીટથી જીતી રહી છે, પરંતુ બે-ત્રણ સીટો પરથી નહીં, આમ આદમી પાર્ટીની 40-50 સીટો પરથી જીતવી જોઈએ. લોકોએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 70માંથી 67 બેઠકો આપી અને પંજાબમાં 117માંથી 92 બેઠકો આપી, ગુજરાતમાં પણ 182માંથી 150 બેઠકો આવવી જોઈએ.
ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપીશું :અરવિંદ કેજરીવાલ
જ્યારે ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે, ત્યારે સૌથી પહેલું કામ ભ્રષ્ટાચારને નાબૂદ કરવાનું કરીશું. મને એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગુજરાતનાં એક ધારાસભ્ય છે, જેમણે છેલ્લી ચૂંટણી લડી હતી એ વખતે તેમની 4 એકર જમીન હતી. આજે 5 વર્ષ પછી તેમને 1000 એકર જમીન થઈ ગઈ છે. આ જમીન ક્યાંથી આવી? બધા જ ધારાસભ્યોની આ જ હાલત છે, ગુજરાત લૂંટાઈ ગયું છે. અને પછી તેઓ કહે છે કે સરકાર ખોટમાં ચાલી રહી છે. સવારથી સાંજ સુધી રોટલી ખાવા માટે, દૂધ પીવા માટે, પંખો ચલાવવામાં, સાબુનો ઉપયોગ કરવા માટે, દરેક જગ્યાએ ગરીબમાં ગરીબ માણસ ટેક્સ આપે છે, તો શા માટે સરકાર ખોટમાં છે? બધા પૈસા ક્યાં જાય છે? ગુજરાત સરકાર દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે. હું તમને પૂછવા માંગુ છું કે તમારા ગામમાં છેલ્લા 27 વર્ષમાં કોઈ રોડ બન્યો છે? શાળા બની? હોસ્પિટલ બની? કોઈને દવા આપી? તેમણે કોઈ કામ કર્યું? તેમણે છેલ્લા 27 વર્ષમાં કોઈ કામ કરાવ્યું નથી. તો આ લોકો દર વર્ષે 2.5 લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચે છે? આ લોકો પોતાની મિલકત બનાવે છે, જમીન ખરીદે છે, બધા પૈસા સ્વિસ બેંકમાં લઈ જાય છે. જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બનશે ત્યારે તેમની પાસેથી એક-એક પૈસો પાછો લેવામાં આવશે. હમણાં જ પંજાબની અંદર અમારા જ એક મંત્રી કંઈક ખોટું કરી રહ્યા હતા. ભગવંત માનજી એ પોતે તેમને જેલમાં મોકલી દીધા. ભગવંત માનજીએ ભ્રષ્ટાચાર માટે તેમના આરોગ્ય મંત્રીને જેલમાં ધકેલી દીધા, આમ આદમી પાર્ટી કટ્ટર ઈમાનદાર પાર્ટી છે. જો મારો દીકરો પણ ચોરી કરશે, મારો ભાઈ પણ ચોરી કરશે તો તે પણ જેલમાં જશે. અમે તમારા માટે એવી સિસ્ટમ લાગુ કરીશું કે તમારે કોઈ સરકારી કામ માટે સરકારી ઓફિસ જવાની જરૂર નહીં પડે, સરકારી ઓફિસર તમારા ઘરે આવીને તમારું કામ કરશે. તમારે 15 ડિસેમ્બર પછી કોઈને પણ કોઈ લાંચ આપવાની જરૂર નહીં પડે. તમારા ભાઈ બનીને, તમારા પરિવારનો એક સદસ્ય બનીને, હું તમારી સમસ્યાનું સમાધાન લાવીશ. ભ્રષ્ટાચાર નાબૂદ કરીને જે રકમ બચશે તે પ્રજાની સુવિધા માટે ખર્ચવામાં આવશે.
1 માર્ચથી ગુજરાતના લોકોને 24 કલાક વીજળી સાથે ઝીરો વીજ બિલ મળશે: અરવિંદ કેજરીવાલ
સૌથી પહેલા તો તમને મોંઘવારીથી છુટકારો મળશે. જ્યારે ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું ત્યારે ઘણા પૈસાની બચત થશે, તે પૈસાથી સૌથી પહેલા તમારી વીજળી મફત કરીશું. મારી પાસે ગુજરાતનાં ઘણા લોકો આવે છે અને કહે છે કે, મોંઘવારી ઘણી વધી ગઈ છે, બાળકો ઉછેરવાના પૈસા નથી અને આવક પણ નથી વધી રહી. દિલ્હી અને પંજાબમાં અમે વીજળી મફત કરી દીધી. અને જેમના જૂના બિલ બાકી હતા તેમના જૂના બિલ માફ કર્યા. હવે દિલ્હી અને પંજાબમાં લોકોને ઝીરો બિલ આવે છે. દિલ્હીમાં 42 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે અને પંજાબમાં 50 લાખ લોકોનું વીજળી બિલ ઝીરો આવે છે. ડિસેમ્બરમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને 1 માર્ચથી ગુજરાતની જનતાના વીજળીના બિલ ઝીરો પર આવવા લાગશે. આ બંને પાર્ટીઓ મને ગાળો આપી રહ્યી છે કે, કેજરીવાલ મફતમાં વીજળી કેમ આપે છે? કેજરીવાલ મફતની રેવડી કેમ વહેંચે છે? તેમના મુખ્યમંત્રીને 5000 યુનિટ અને અન્ય ધારાસભ્યને 4000 યુનિટ વીજળી મફતમાં મળે છે. ગુજરાતના મુખ્યમંત્રી અને મંત્રીઓને મફતમાં વીજળી મળે તો તેમને કોઈ તકલીફ નથી, પરંતુ ગુજરાતની જનતાને 300 યુનિટ વીજળી મફતમાં મળે તો તેમની તકલીફ થાય છે. હું તમને બધાને કહેવા માંગુ છું, “હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ આવી ગયો છે.”
ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું : અરવિંદ કેજરીવાલ
જેમ અત્યારે ગુજરાતની સરકારી શાળાઓ ખરાબ છે તેમ પહેલાં દિલ્હીમાં પણ સરકારી શાળાઓનો ગંભીર રીતે ખરાબ હતી. અમારી સરકાર બન્યા પછી અમે દિલ્હીની તમામ સરકારી શાળાઓને શાનદાર બનાવી દીધી. આજે દિલ્હીની સરકારી શાળાના પરિણામો પણ ખૂબ સારા આવી રહ્યા છે. દિલ્હીમાં મજૂરોના બાળકો, રિક્ષાચાલકોનાં બાળકો, મોચીનાં બાળકો, ઇસ્ત્રી કરનારના બાળકો, ગરીબોના બાળકો ડૉક્ટર અને એન્જિનિયર બની રહ્યાં છે. દિલ્હીમાં ગગન નામનો એક છોકરો છે, તેના પિતા એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, તે મહિને ₹8000 કમાય છે. તેને એન્જિનિયરિંગમાં હમણાં જ એડમિશન મળ્યું છે, હવે તે છોકરો એન્જિનિયર બનશે. બીજો છોકરો સુધાંશુ છે, તેના પિતા ડ્રાઇવર છે, તે મહિને ₹10000 કમાય છે, તેને પણ એન્જિનિયરિંગમાં એડમિશન મળી ગયું છે. એવા હજારો બાળકો છે જેઓ સરકારી શાળાઓ માંથી ભણીને ડોક્ટર અને એન્જિનિયરિંગમાં એડમિશન લઈ રહ્યા છે. દિલ્હીની અંદર ઘણા લોકો પોતાના બાળકોના નામ પ્રાઇવેટ શાળામાંથી કઢાવીને સરકારી શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે. ગરીબોના બાળકો દિલ્હીની સરકારી શાળાઓમાં ભણીને ડોક્ટર કે એન્જિનિયર બની રહ્યા છે, જેમની મહિનાની આવક ₹10000 હતી, આજે તેમના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરીને મહિને બે-ત્રણ લાખ રૂપિયા કમાશે, ઘણા બધા પરિવારોની ગરીબી દૂર થશે. ગુજરાતમાં જ્યારે ‘આપ’ની સરકાર બનશે ત્યારે દરેક ગામમાં શાનદાર સરકારી શાળાઓ બનાવીશું, તમારા બાળકોને સારું શિક્ષણ આપીશું અને તમારી ગરીબી દૂર કરીશું.
ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક ખોલીશું: અરવિંદ કેજરીવાલ
દિલ્હીમાં અમે દરેક વ્યક્તિની સારવાર મફત કરી છે. આજે કોઈને ગંભીર બીમારી થાય તો ઘર, જમીન, મિલકત, દાગીના બધું ગીરવે રાખવું પડે છે, પરંતુ દિલ્હીમાં તમામ સારવાર મફત છે. અમીર હોય કે ગરીબ, તમામ માટે સારવાર મફત છે, બધી દવાઓ મફત છે, તમામ ટેસ્ટ મફત છે, ઓપરેશન ગમે તેટલું મોટું હોય તે પણ મફત છે. અમે દિલ્હીમાં 2 કરોડ લોકોની તમામ સારવાર મફત કરી છે અને હવે અમે પંજાબમાં પણ કરવા જઈ રહ્યા છીએ. પંજાબમાં 100 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવ્યા છે અને વધુ ખોલવામાં આવશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ દરેક નાના ગામમાં મોહલ્લા ક્લિનિક ખોલવામાં આવશે. આ રીતે ગુજરાતમાં 20,000 મોહલ્લા ક્લિનિક્સ ખોલવામાં આવશે. રોગ ભલે ગમે તેટલો મોટો હોય, દરેક વ્યક્તિની સારવાર મફતમાં થશે. ગુજરાતમાં 6.5 કરોડ લોકોની તમામ સારવાર મફતમાં કરવામાં આવશે.
મહિલાઓનાં ખાતામાં દર મહિને ₹1000 સન્માન રાશિ રકમ જમા કરાવીશું : અરવિંદ કેજરીવાલ
18 વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્ટમાં દર મહિને ₹1000 સન્માન રાશિ જમા કરાવીશું. જો 18 વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્ટ ખોલાવીને રાખે, સરકાર બન્યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ₹1000 જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.
દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું: અરવિંદ કેજરીવાલ
ગઈ વખતે જ્યારે હું ગુજરાત આવ્યો હતો ત્યારે એક છોકરો મને મળવા આવ્યો. તેણે કહ્યું કે હું મારા વિસ્તારના નેતાને મળવા ગયો હતો કે મારી પાસે નોકરી નથી, મને નોકરી આપો, તો તેમણે મને એવો જવાબ આપ્યો હતો કે તું કોઈ કામનો નથી, તને કોઈ કામ આવડતું નથી એટલા માટે તારી પાસે નોકરી નથી. આ લોકોને 27 વર્ષથી એટલો અહંકાર આવી ગયો છે કે તેઓ આપણા બાળકોને ગાળો આપે છે. દિલ્હીમાં મેં 5 વર્ષમાં 12,00,000 બાળકો માટે નોકરીઓ ઊભી કરી. પંજાબમાં ભગવંત માન સાહેબે છેલ્લા 6 મહિનામાં 20,000 બાળકોને સરકારી નોકરી આપી છે. અમારી નિયત પણ છે અમને કામ કરતા પણ આવડે છે. અમે વચન આપ્યું છે કે જ્યારે ગુજરાતમાં અમારી સરકાર બનશે ત્યારે અમે દરેક બાળક માટે રોજગારની વ્યવસ્થા કરીશું અને જ્યાં સુધી રોજગાર નહીં મળે ત્યાં સુધી અમે ₹3000નું બેરોજગારી ભથ્થું આપીશું અને 10,00,000 સરકારી નોકરીઓની વ્યવસ્થા કરીશું. જો તમે તમારા બાળકોને બેરોજગાર રાખવા માંગતા હોવ, ગાળો સાંભળવા માગતા હોવ તો તમે તેમને વોટ આપજો, 27 વર્ષથી આવું જ ચાલી રહ્યું છે અને જો તમારા બાળકો માટે રોજગાર જોઈતો હોય તો આમ આદમી પાર્ટીને વોટ આપજો, ઝાડુંનું બટન દબાવજો. જે પેપર ફૂટે છે તે થોડી એમ જ ફૂટે છે, ચોક્કસ કોઈ મોટા નેતા તેમાં સામેલ છે. 2015 પછી અત્યાર સુધી જે પણ પેપર લીક થયા છે તેની તપાસ કરવામાં આવશે અને આમાં સામેલ તમામ મોટા નેતાઓને જેલમાં મોકલવામાં આવશે. 2 વર્ષ પહેલા 25,00,000 લોકોએ તલાટીની પરીક્ષા માટે અરજી કરી હતી પરંતુ તેમણે તે પરીક્ષા રદ કરી હતી. ડિસેમ્બરમાં અમારી સરકાર બનશે અને અમે ફેબ્રુઆરીમાં તલાટીના પેપર કરાવીશું. મફત વીજળી, શિક્ષણ, આરોગ્ય, મહિલાઓને સન્માન રાશિ અને બેરોજગારી ભથ્થું આપીને, અમે દરેક પરિવારને 27,000 નો લાભ કરાવીશું. હમણાં જ વડાપ્રધાન ગુજરાત આવ્યા હતા અને તેમણે 30,000 કરોડનું પેકેજ આપ્યું.મારી પાસે એટલા પૈસા નથી કે તમને 30,000 કરોડનું પેકેજ આપી શકું, પરંતુ હું ચોક્કસ વચન આપી શકું છું કે જો અમે જીતીશું તો મને તમારા પરિવારને 30,000નો ફાયદો કરાવીશું.
ભાજપ અને કોંગ્રેસ એક થઈ ગયા છે : અરવિંદ કેજરીવાલ
મને રાજકારણ કેવી રીતે કરવું તે આવડતું નથી, મને ગુંડાગીરી કેવી રીતે કરવી તે આવડતું નથી, મને ભ્રષ્ટાચાર કેવી રીતે કરવો તે આવડતું નથી, મારી પાસે શાળા બનાવડાવો, મારી પાસે હોસ્પિટલ બનાવડાવો, હું જનતાની સેવા કેવી રીતે કરવી તે જાણું છું. આ લોકો મને કહે છે કે કેજરીવાલ ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે, ફ્રી ની રેવડી વહેંચી રહ્યા છે. કારણ કે તેમને ડર છે કે જો કેજરીવાલની સરકાર આવી જશે અને બધુ જનતામાં વહેંચી દેશે તો તેમની લૂંટ બંધ થઈ જશે. કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઇલુ-ઇલુ ચાલી રહ્યું છે. આ લોકો મળીને આમ આદમી પાર્ટીને અપશબ્દો કહે છે. આ લોકોએ નક્કી કર્યું છે કે કોઈ પણ રીતે આમ આદમી પાર્ટીની સરકાર બનવી જોઇએ નહીં.
તમે ચાહે કોઈને પણ મત આપો, તમારા બધાના પરિવારોની જવાબદારી કેજરીવાલની છેઃ અરવિંદ કેજરીવાલ
થોડા દિવસો પહેલા હું આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઘણા લોકો ‘મોદી-મોદી’ના નારા લગાવી રહ્યા હતા. હું તેમને એ પણ કહેવા માંગુ છું કે, જ્યારે અમારી સરકાર બનશે ત્યારે હું તમારા બાળક માટે શાળા બનાવીશ. જે લોકો મને કાળા ઝંડા બતાવે છે તેમને હું કહેવા માંગુ છું કે, જ્યારે અમારી સરકાર બનશે અને તમારા ઘરમાં કોઈ બીમાર પડશે તો હું તેની મફત સારવાર કરાવીશ. મારે કોઈની સાથે દુશ્મની નથી. તમે ચાહે કોઇને પણ વોટ આપો, તમારા બધાના પરિવારની જવાબદારી કેજરીવાલની છે. હું તમારું દિલ જીતી લઈશ અને મને વિશ્વાસ છે કે એક દિવસ 6.5 કરોડ ગુજરાતીઓ આમ આદમી પાર્ટીના પરિવારનો હિસ્સો બનશે.
પહેલાં ઝાડુથી, દુકાન કે ઘરની સફાઈ થતી હતી, આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખું ભારત આ જ ઝાડુથી સાફ થશેઃ ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાવનગરમાં પાલિતાણાની જનતાને સંબોધતા કહ્યું કે, આખા ગુજરાતમાં એક જ લહેર ચાલી રહી છે, પરિવર્તનની જોઇએ છે. અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં લોકો તેમનું સમર્થન બતાવવા આવે છે. ઘણા લોકો પોતાના ઘરની બહાર ઝાડુ લઈને ઉભા રહે છે અને કહે છે કે અરવિંદ કેજરીવાલજી અમે તમારી સાથે છીએ. પહેલાં ઝાડુથી, દુકાનો કે ઘરની સફાઈ થતી હતી, આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આખા ભારતની એ જ ઝાડુથી સફાઈ કરવામાં આવશે. આ લોકો આઝાદીની વાત કરે છે પણ આઝાદી આપણા સુધી પહોંચી નથી. આઝાદી માત્ર તેમના મહેલોમાં અને તેમના લાલ બત્તીવાળી ગાડીઓમાં રહી ગઈ છે. આ આઝાદીને ઘરે-ઘરે પહોંચાડવાની લડાઈ આમ આદમી પાર્ટી લડી રહી છે.
આપણા દેશના નેતાઓ આ દેશમાં ખાતા જાય છે, તેથી વિદેશમાં તેમના ખાતા છેઃ ભગવંત માન
પત્રકારોએ મને પૂછ્યું કે ગુજરાતમાં કઇ પાર્ટી સાથે મુકાબલો છે? મેં કહ્યું ગુજરાતમાં અમારો મુકાબલો મોંઘવારી સામે છે, ગુજરાતમાં અમારો મુકાબલો ગરીબી સામે છે, ગુજરાતમાં અમારો મુકાબલો ભ્રષ્ટાચાર સામે છે, ગુજરાતમાં અમારો મુકાબલો પેપર ફોડનારાઓ સામે છે, ગુજરાતમાં અમારો મુકાબલો અમારા વડીલોના હિસ્સાની દવાઓ ખાનારા સામે છે, ગુજરાતમાં અમારો મુકાબલો અમારા બાળકોના ભાગની શિક્ષા ખાનારાઓ સામે છે, આપણા દેશના નેતાઓ આ દેશમાં ખાતા જાય છે, તેથી વિદેશમાં તેમના ખાતા છે. ત્યારે મિલકત કેવી રીતે બની જાય છે? ત્યારે તિજોરી ખાલી કેમ નથી થતી? તેમના સ્વિસ બેંક ખાતા કેવી રીતે ભરાય છે? પ્રજા કંઈક માંગે ત્યારે જ તિજોરી કેમ ખાલી થઈ જાય છે? આ લોકો પહેલા મોટા મોટા વચનો આપે છે, પછી કંઈ થતું નથી.
અમે ફક્ત એક મોકો માંગીએ છીએ, અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી: ભગવંત માન
અમે ફક્ત એક જ મોકો માંગીએ છીએ. અમને મોકો આપ્યા પછી, લોકો ક્યારેય બીજાને મોકો આપતા નથી. દિલ્હીમાં અમને મોકો આપ્યા બાદ ભાજપ અને કોંગ્રેસને ક્યારેય મોકો મળ્યો નથી. પંજાબમાં પણ અમે મોકો માંગ્યો હતો, તેથી પંજાબની જનતાએ અમને 117માંથી 92 બેઠકો આપી. 92માંથી 82 ધારાસભ્યો પહેલીવાર ધારાસભ્ય બન્યા છે અને તેમાંથી મોટા ભાગના ખૂબ જ યુવાન છોકરા-છોકરીઓ છે. અહીં બેઠેલા કોઈપણ વ્યક્તિને ભાજપ અને કોંગ્રેસ ટિકિટ આપી શકતા નથી કારણ કે તેઓ માત્ર તેમના પુત્ર-પુત્રીઓને જ ટિકિટ આપે છે. માત્ર આમ આદમી પાર્ટી જ રામગઢથી આવતા યુવક-યુવતીઓને ધારાસભ્ય અને સાંસદ બનાવે છે. પંજાબમાં પણ એવી જ સ્થિતિ હતી જે આજે ગુજરાતમાં છે. કોંગ્રેસ 5 વર્ષ સરકાર ચલાવતી અને 5 વર્ષ અકાલી દલ. પંજાબમાં તે બંને પાર્ટી વિચારતી હતી કે અમારા સિવાય લોકો જશે ક્યાં, પરંતુ પંજાબની જનતાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. અમે ગુજરાતની જનતાની મજબૂરી સમજી ગયા છીએ, અહીં ભાજપ 27 વર્ષથી હતી કારણ કે અહીં લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. કારણ કે કોંગ્રેસ ચૂંટણી લડતી નથી, તેમણે ચૂંટણી લડવાનું છોડી દીધું છે. દિલ્હીમાં દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસને સતત 2 ચૂંટણીમાં 0 સીટ મળી રહી છે. આ દર્શાવે છે કે તે કેટલી ચૂંટણી લડે છે અને લોકો તેને કેટલી ગંભીરતાથી લે છે.
પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છેઃ ભગવંત માન
જ્યારે અરવિંદ કેજરીવાલ પંજાબમાં આવતા હતા ત્યારે લોકો તેમને રસ્તા પર જોવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેતા હતા અને ગુજરાતમાં પણ એવું જ થઈ રહ્યું છે. પંજાબમાં જેવો માહોલ હતો, એવો જ માહોલ ગુજરાતમાં પણ છે. પંજાબની જનતાએ 117માંથી 92 સીટો આમ આદમી પાર્ટીને આપી હતી. અમને 2014માં પહેલીવાર સાંસદ બનાવવામાં આવ્યા હતા અને 8 વર્ષ પછી આજે અમે પંજાબની સૌથી મોટી પાર્ટી છીએ. જેટલી ઝડપથી આમ આદમી પાર્ટીએ તરક્કી કરી છે તેટલી અન્ય કોઈ પાર્ટીએ કરી નથી અને તેનું કારણ છે કે અમે જે કહીએ છીએ તે કરી બતાવીએ છીએ. કોંગ્રેસના એક જૂના મંત્રી થોડા સમય પહેલા ભાજપમાં જોડાઇ ગયા કારણ કે તેમણે ઘણો ભ્રષ્ટાચાર કર્યો હતો. તો વિચારી લીધું કે ભાજપમાં જોડાઈને બચી જશે. જ્યારે અમે તેમની ફાઈલ ખોલી, ત્યારે તે એ વખતે ₹50 લાખ લઈને વિજિલન્સ ઓફિસમાં જતા રહ્યા અને અધિકારીને કહ્યું કે, આ ભ્રષ્ટાચારના કેસમાંથી મારું નામ કાઢી નાખો. પરંતુ અમારા ઇમાનદાર અધિકારી હોવાને કારણે તેંને પકડી લીધો અને જ્યારે તેના ઘરે તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે તેના ઘરની અંદર નોટ ગણવાના મશીનો હતા. આ લોકોએ એટલો બધો પૈસા લૂંટી લીધો છે કે તેઓ ગણી પણ શકતા નથી. જેના કારણે તે લોકો નોટ ગણવાના મશીનો રાખે છે અને આ બધા પૈસા જનતાના છે પણ તે બીજી પાર્ટીઓ ખાઈ જાય છે. પરંતુ હવે પંજાબમાં ભ્રષ્ટાચાર નથી થતો.
ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશેઃ ભગવંત માન
પંજાબમાં અમારી સરકાર બનીને 6 મહિના જ થયા છે પરંતુ અત્યાર સુધી અમે 17000 લોકોને સરકારી નોકરી આપી છે. ગઈકાલે હું વધુ 8736 સરકારી કર્મચારીઓને કાયમી કરવાનો ઓર્ડર આપીને આવ્યો છું. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. અમે 5 કામ કરવાનું વચન આપીશું તો 6 કામ કરીને બતાવીશું. પંજાબમાં 14-15-16 ઓક્ટોબરના રોજ પોલીસ ભરતીનું પેપર છે. પંજાબમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટરના પેપર છે પણ ત્યાં પેપર લીક કરવાની કોઈ હિંમત નહીં કરે અને દિલ્હીમાં કોઇ પેપર લીક થતા નથી. બીજી તરફ ગુજરાતમાં એવું કોઈ પેપર નથી જે લીક ના થયું હોય. સરકારી પરીક્ષાઓ માટે યુવાનો ખૂબ મહેનત કરે છે પરંતુ જ્યારે પેપર લીક થાય છે ત્યારે યુવાનોના સપના ચકનાચૂર થઈ જાય છે. ગુજરાતના યુવાનોના સપના અનેકવાર તૂટ્યા છે પરંતુ અરવિંદ કેજરીવાલજી ગુજરાતના યુવાનોના સપના સાકાર કરશે. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં પોલીસ પણ કોન્ટ્રાક્ટ આધારિત કામ કરે છે. પંજાબમાં તમામ પોલીસકર્મીઓ કાયમી છે.
પરિવર્તનની લહેરમાં અમે ખભેથી ખભો મિલાવીને આગળ વધવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ: અલ્પેશ કથીરિયા
અલ્પેશ કથીરિયાએ જનતા સમક્ષ પોતાની વાત જણાવતા કહ્યું કે, આજે પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષથી વધુ સમય થઇ ગયો છે. આટલા સમય પછી, અમે અમારી આખી ટીમ સાથે મળીને નક્કી કર્યું કે, આપણે કોઈ રાજકીય મંચ પર જઈને કંઈક કરી બતાવવું છે. આજે ગુજરાત અને દેશમાં સમાજ નિર્માણની સાથે રાષ્ટ્ર નિર્માણ માટે જો કોઈ ઉત્તમ પાર્ટી હોય તો તે આમ આદમી પાર્ટી છે. સમાજની લડાઈ, સ્વાભિમાનની લડાઈ, રાષ્ટ્રની લડાઈ, ઇમાનદારીની લડાઈ, સારા શિક્ષણ અને આરોગ્યની લડાઈ, ભય અને ભ્રષ્ટાચારની લડાઈ અને સારી શાસન વ્યવસ્થાની લડાઈ માટે લડવા માટે આપણે બધાએ એક થઈને આગળ આવવું પડશે. દેશમાં ઘણી બધી રાજકીય પાર્ટી છે. કેટલીક એવી પાર્ટીઓ પણ છે જેઓ ખરેખર પરિવર્તનની આશા રાખે છે. આજે આપણે સૌ આ જ આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં ગુજરાતમાં સકારાત્મક પરિવર્તન આવશે. સૌરાષ્ટ્રમાં કંઈક થાય તો તે સુરત જાય છે અને સુરતમાં કંઈક થાય છે તો સૌરાષ્ટ્ર જાય છે. તો આ જ કારણોસર મેં અને મારી ટીમે નક્કી કર્યું કે આપણે સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ પરથી રાજનીતિની શરૂઆત કરીશું. સંઘર્ષની લડાઈમાં અત્યાર સુધીમાં અમારી પર બે રાજદ્રોહ સહિત 22 થી વધુ કેસ નોંધાયા છે. 14 મહિનાથી વધુ અમે જેલની યાત્રા કરી છે. અમારા ઘણા બધા સાથીદારો સામે અસંખ્ય કેસ થયા છે. હાલના સમયે પણ સમાજના સાથિઓ, મહિલાઓ અને સમાજનાં બાળકો કોર્ટની તારીખો ભરી રહ્યા છે. ત્યારે અમે પણ ઈચ્છીએ છીએ કે ગુજરાતમાં સારી સરકાર આવે અને પરિવર્તન આવે. પરિવર્તનની આ લહેરમાં અમે ખભેથી ખભા મળાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.
પાલિતાણામાં આયોજિત આ જાહેરસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીની સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા ઉપસ્થિત રહ્યા હતા.