36મી નેશનલ ગેમ્સ ૨૦૨૨”ની યજમાની કરવા ગુજરાત તૈયાર છે- હર્ષ સંઘવી
૬ શહેરોમાં ૩૪ જેટલી ઈનડોર-આઉટડોર ગેમ્સમાં ૭ હજાર ખેલાડીઓ ભાગ લેશે
ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેમ્સની પૂર્વ તૈયારીઓ સંદર્ભે ગૃહ અને રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ
**
રમત ગમત ક્ષેત્રે ગુજરાત તેના સકારાત્મક અભિગમ સાથે સાથે ભારતીય ઓલિમ્પિક એસોસિએશનની સંમતિથી આગામી ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ દરમ્યાન પ્રતિષ્ઠિત “36મી નેશનલ ગેમ્સ ૨૦૨૨”ની યજમાની ગુજરાત કરવા જઈ રહ્યું છે. જેની પૂર્વ તૈયારીઓની સમિક્ષા કરવા માટે ગૃહ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
છેલ્લે નેશનલ ગેમ્સ ૨૦૧૫માં કેરળ ખાતે આયોજિત કરવામાં આવી હતી. કોરોના સહિતના વિવિધ કારણોસર ૭ વર્ષ બાદ આ નેશનલ ગેમ્સનું આયોજન થવા જઈ રહ્યું છે. ગુજરાત સરકારે, માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં 36મી નેશનલ ગેમ્સના યજમાન બનવા માટે ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશનનો સંપર્ક કર્યો હતો. ત્યાર બાદ ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટે ગુજરાતની તૈયારી અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ઈન્ડીયન ઓલિમ્પીક એશોસિએશન અને નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને રાજ્યમાં રમત ગમત ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમના મતે ગુજરાત આયોજન માટે બિલકુલ તૈયાર છે. તેમણે ગૌરવશાળી નેશનલ ગેમ્સનું આયોજન કરવા માટેના રાજ્ય સરકારના સક્રિય અભિગમની પણ પ્રશંસા કરી હતી.
એથ્લેટિક્સ, હોકી, ફૂટબોલ, વોલીબોલ, લૉન ટેનિસ, ટેબલ ટેનિસ, જુડો, કુશ્તી, કબડ્ડી, ખો-ખો, મલ્લખંભા અને યોગાસન સહિત 34 જેટલી ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં દેશના ૭ હજાર થી વધુ ટોચના ખેલાડીઓ તેમની શક્તિનું પ્રદર્શન કરશે અપેક્ષા છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર જેવા 6 શહેરોને આવરી લેતા વિવિધ રમતગમતની સ્પર્ધાઓ રાજ્યભરમાં રમાશે. જેથી રાજ્યના અનેક રમત પ્રેમીઓ આ ઉત્સવમાં જોડાશે. ઓલિમ્પિક અભિયાન સાથે સંલગ્ન, ગુજરાત આ રમતોનું આયોજન કરવા માટે તેના હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારશે અને તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે. આ વ્યવસ્થાઓ નિયત સમયમાં અને એસોશિએશનના નિયમનુસાર તૈયાર થઈ શકે તેના આયોજનનઈ ચર્ચા આ બેઠકમાં કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત રમતગમત પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રાજ્યએ તાજેતરમાં 55 લાખની રેકોર્ડ રજીસ્ટ્રેશન સાથે 11મા ખેલ મહાકુંભનું સમાપન કર્યું હતું અને ગયા મહિને એકતા નગર (કેવડિયા)માં દેશના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસીત પ્રદેશોના યુવા બાબતો અને રમતગમતના પ્રભારી મંત્રીઓની કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.
મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશ જાણે છે કે ગુજરાત શ્રેષ્ઠ યજમાન છે. અમે અમારા દેશના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓને સૌથી મોટા રમતગમત પ્લેટફોર્મ પર હોસ્ટ કરવા માટે ગુજરાત આતુર છે. હાલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને 3 મહિનાના વિક્રમી સમયગાળામાં નેશનલ ગેમ્સ જેવી મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ્નું આયોજન કરી ગુજરાત અન્ય રાજ્યો માટે એક ઉત્તમ ઉદાહરણ અને રોલ મોડલ સ્થાપિત કરશે.
આ બેઠકમાં રમત ગમત અને યુવા સેવા વિભાગના અગ્ર સચીવ શ્રી અશ્વિનીકુમાર, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના સચિવ શ્રી ઋષીન ભટ્ટ અને વિભગના અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.