વિશ્વાસથી વિકાસ યાત્રા – ઝાલોદ પ્રાંત કક્ષા કાર્યક્રમ- દાહોદ
રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં કાર્યક્રમ યોજાયો
ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ, રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરતા રાજ્યમંત્રી
ગુજરાતે છેલ્લા બે દાયકામાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ કર્યો છે – રાજ્યમંત્રી ડો. કુબેરભાઇ ડીંડોર
રાજ્ય કક્ષાના મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત ઝાલોદમાં પ્રાંત કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. રાજયમંત્રી ડો. ડીંડોરે અહીંથી ઝાલોદ, ફતેપુરા અને સંજેલી તાલુકાના રૂ. ૩.૫૯ કરોડને ખર્ચે પૂર્ણ થનાર ૧૨૮ વિકાસ કાર્યોનો પ્રારંભ કરાવ્યો છે. જ્યારે આ તાલુકાઓના રૂ. ૩.૦૩ કરોડને ખર્ચે સંપન્ન ૧૪૫ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું છે.
ઝાલોદની કે.આર. દેસાઈ કોલેજ ખાતેથી સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી કુબેરભાઈએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા ગરીબ-સામાન્ય માણસના કલ્યાણને કેન્દ્રમાં રાખીને વિવિધ યોજનાઓ અને વિકાસકાર્યોનો લાભ તેમના સુધી પહોંચતો કર્યો છે. તેમણે સંવિધાનના મૂળ લક્ષોને ધ્યાને રાખીને તેની યોગ્ય અમલવારી થકી સામાન્ય માણસોનું હિત સાધ્યું છે. ઉપેક્ષિત, પીડિત લોકો સુધી હવે વિકાસના ફળ પહોંચ્યા છે.
રાજ્યમાં છેલ્લા બે દાયકામાં વિકાસની નવી ક્ષિતિજોને સર કરી છે તેમ જણાવતા તેમણે કહ્યું કે, સરકાર મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ યોજનાઓ અને મહત્વનાં નિર્ણયોની યોગ્ય અમલવારી થકી આ બાબતમાં સફળ થઇ છે. રાજકારણ હોય કે નોકરી ક્ષેત્રે મહિલાઓને અનામતની સફળ ફાળવણી થકી મહિલાઓ આર્થિક અને સામાજિક રીતે સશક્ત બની છે. મહિલાઓના હકો અને અધિકારો માટે સરકાર પ્રતિબદ્ધતા સાથે કામ કરી રહી છે.
તેમણે જણાવ્યું કે, નરેન્દ્રભાઇ મોદી જયારે મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં જયોતિગ્રામ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો અને અત્યારે રાજ્યના ગામે ગામ વીજળી મળી રહી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પાકા રસ્તાઓ, ગરીબ માણસનું પોતાનું પાકું મકાન સહિતની અનેક પાયાની કામગીરી થકી સામાન્ય માણસનું જીવનધોરણ ઊચું આવ્યું છે. સામાન્ય લોકોને ઘરઆંગણે આરોગ્ય સુવિધાઓ મળતી થઇ છે.
તેમણે ઉમેર્યું કે, શિક્ષણ સુવિધાઓ પણ હવે ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ મળતી થતા વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. અગાઉ વિજ્ઞાન પ્રવાહની શાળા-કોલેજોના અભાવે અનુસુચિત જાતિની મેડીકલની સીટો ખાલી રહેતી હતી. પરંતુ અત્યારે આદિવાસી સમાજના ૨૫૦૦ જેટલા વિદ્યાર્થીઓ મેડીકલનો અભ્યાસ કરી રહ્યાં છે. જે શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન દર્શાવે છે.
તેમણે જણાવ્યું કે, આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓએ આઝાદી માટે કરેલા અમૂલ્ય બલિદાનોને વિસારી દેવાયા હતા. જેનો કયાંય ઉલ્લેખ નહોતો. પ્રધાનમંત્રીશ્રીએ ભગવાન ગોવિંદગુરૂ સ્મુતિ વનનો રૂ. ૪૦ કરોડથી વધુને ખર્ચે વિકાસ કરી તેનો પર્યટક સ્થળ તરીકે વિકાસ કર્યો છે. અને આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓના વિરતાભર્યા ઇતિહાસને સામે લાવવાનું કાર્ય કર્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ઝાલોદ ખાતેથી વિકાસકાર્યોના લોકાર્પણ ખાતમુહૂર્ત વિશે જણાવતા તેમણે કહ્યું કે, ઝાલોદમાં ૪૭, સંજેલીમાં ૩૯, ફતેપુરામાં ૪૨ એમ કુલ ૧૨૮ વિકાસ કાર્યોનો અનુક્રમે રૂ. ૧.૧૯ કરોડ, રૂ. ૯૬ લાખ અને રૂ. ૧.૪૪ કરોડ એમ કુલ રૂ. ૩.૫૯ કરોડના કામોનો આજથી પ્રારંભ કરાયો છે. જયારે ઝાલોદમાં ૩૭, સંજેલીમાં ૪૮ અને ફતેપુરામાં ૬૦ એમ કુલ ૧૪૫ કરોડના વિકાસકાર્યોના અનુક્રમે રૂ. ૧.૪૧ કરોડ, રૂ. ૯૮ લાખ અને રૂ. ૬૪ લાખ એમ કુલ રૂ. ૩.૦૩ કરોડના વિકાસકાર્યો સંપન્ન થતા આજે નાગરિકોને સમર્પિત કરીએ છીએ.
રાજ્યની વિકાસની ગતિ કોઈ અટકાવી શકે તેમ નથી એમ જણાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, રાજ્ય સામે અનેક પડકારો હોવા છતાં રાજ્ય તેજ ગતિથી વિકાસ કાર્યોને સંપન્ન કરી નાગરિકોને ભેટ આપી રહી છે તેમજ નવા વિકાસ કાર્યોને જનકલ્યાણ માટે સત્વરે પ્રારંભ કરાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્યનો બમણી ગતિએ વિકાસ થઇ રહ્યો છે.
કાર્યક્રમમાં વિશ્વાસથી વિકાસ યાત્રા બાબતની ડોક્યુમેન્ટ્રી બતાવાઇ હતી. જેને ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
આ વેળાએ કલેકટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી, પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ ભૂરિયા, પ્રાંત અધિકારી, ઝાલોદ, અગ્રણી શંકરભાઇ અમલીયાર, નરેન્દ્રભાઈ સોની, અત્રેની કોલેજના આચાર્યશ્રી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહયા હતા.
.