અમદાવાદ
અમદાવાદ ખાતે યોજાયું ભવ્ય સનાતન ધર્મ સંત સંમેલન.
અમદાવાદ ખાતે યોજાયું ભવ્ય સનાતન ધર્મ સંત સંમેલન.
- પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે BAPS સ્વામિનારાયણ મંદિર,
- આજના કાર્યક્રમમાં અમદાવાદ શહેર અને ગ્રામ્યના 200 થી વધારે સંતો, મહંતો અને સૂત્રધારો આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહ્યા.
- પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં વિરલ કાર્યો કર્યા છે. ( પૂજ્યપાદ દિલિપ દાસજી મહારાજ, મહંતશ્રી જગન્નાથ મંદિર, અમદાવાદ)
- “પરમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર સંત સમાજનું ગૌરવ હતા” – પૂજ્યપાદ પૂ. પરમાત્માનંદજી મહારાજ (પ્રમુખ, ભારત આચાર્ય સમાજ).
- “પરમ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સદાય સર્વને સાથે રાખીને કર્યા કરતાં. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેઓએ હિન્દુ ધર્મની સનાતન જ્યોતને પ્રજ્વલિત રાખી છે.” પૂજ્યપાદ મોહનદાસજી મહારાજ (અગ્રણી ગુજરાત સંત સમાજ )
પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ વર્ષે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અનેકવિધ પ્રેરક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. એ અંતર્ગત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ સમર્પિત કરવા માટે તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૨, રવિવારના દિવસે સાંજે ૫ થી ૮ દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર, અમદાવાદ ખાતે સનાતન ધર્મ સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજના સંત સંમેલનમાં પૂજ્યપાદ પૂ. પરમાત્માનંદજી મહારાજ (પ્રમુખ, ભારત આચાર્ય સમાજ), પૂજ્યપાદ મોહનદાસજી મહારાજ (અગ્રણી ગુજરાત સંત સમાજ ), પૂજ્યપાદ ચૈતન્યશંભુ મહારાજ વગેરે સહિત કુલ 200 થી વધારે સંતો, મહંતો અને સૂત્રધારો આ સંત સંમેલન માં ઉપસ્થિત રહ્યા હતા.
‘બીજાનાં ભલામાં આપણું ભલું છે.’ પોતાના એ જીવનસુત્રને જીવનભર જીવનાર પ્રમુખસ્વામી મહારાજ ઉંચ-નીચ, ગરીબ-ધનવાન, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ જેવા કોઈ પણ ભેદભાવ વિના સર્વના ભલા માટે જીવનભર સેવારત રહ્યા હતા. તેમણે સનાતન ધર્મની પરંપરામાં દેશ-વિદેશમાં ૧૨૦૦થી વધુ મંદિરો તેમજ ૧૦૦૦ થી અધિક સંતોની સમાજને ભેટ આપીને ભારતીય સંસ્કૃતિની વિજયપતાકા વિશ્વભરમાં ફરકાવી છે. અનેક સેવાકાર્યો દ્વારા વિશ્વવંદનીય બનેલા પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્માચાર્યોના સુહૃદ હતા. પ્રત્યેક ધર્માચાર્ય સંત સ્વામીજી માટે આદરણીય હતા. પ્રત્યેક ધર્મસ્થાન પ્રમુખસ્વામી મહારાજ માટે આસ્થાનાં તીર્થ હતા.
ઉપસ્થિત સર્વે સંતો – મહંતોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના શુભારંભ બાદ BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી પૂ. નારાયણમુની સ્વામીએ સ્વાગત પ્રવચન દ્વારા તમામ સંતોને આવકાર્યા હતા. સંતો સમાજનો આધાર સ્તંભ છે. તેમજ સંતનું હૃદય કોમળ હોય છે. અને તેમના દ્વારા સમાજમાં સુખ અને શાંતિ પ્રસરી રહી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જો ભારત દેશને વિકસિત દેશ બનાવવો હશે તો “ભગવાન માં શ્રધ્ધા અને આધ્યાત્મિકતા” પણ જરૂરી છે. અને અહી પધારેલા તમામ સંતો મહંતો, ભગવાનમાં શ્રધ્ધા વધે અને સમાજમાં આધ્યાત્મિકતા વધે તેનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. મંચસ્થ સંતો-મહંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના પ્રસંગો તેમજ ગુણોની સ્મૃતિ કરીને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં મંદિરો બનાવી હિંદુ ધર્મનું સંવર્ધન કર્યું છે. બાપા દરેકને પ્રેમ અને આદર આપતા. અમે સૌ તેમના ઋણી છીએ અને તેમના ચરણોમાં વંદન કરીએ છીએ. તેઓએ સમગ્ર વિશ્વમાં વિરલ કાર્યો કર્યા છે. તેઓ સમગ્ર સંત સમાજનું ગૌરવ હતા. તેઓ સદાય સર્વને સાથે રાખીને કર્યા કરતાં. કોઈપણ પ્રકારના ભેદભાવ વગર તેઓએ હિન્દુ ધર્મની સનાતન જ્યોતને પ્રજ્વલિત રાખી છે.
સંમેલનના અંતે અમદાવાદ BAPS સ્વામિનારાયણ મંદિર વતી સંત પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીજીએ કાર્યક્રમનું સમાપન તથા ઉપસ્થિત સૌ સંતો મહંતોની અભરવિધિ કરી હતી. અંતમાં આમંત્રિત સહુ મહાત્માઓનું શાલ ઓઢાડી અભિવાદન કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી. સૌ સંતો મહંતોએ સમુહમાં ઠાકોરજીની આરતી ઉતારી અને પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ અને તેમના દ્વારા થયેલા કર્યો અને સ્મૃતિ સાથે પ્રસાદ લઇ વિદાય થયા હતા.