ટૅક & ઑટો
વ્હોટ્સએપ ગ્રુપના એડમિન માટે Good News , કેરળ હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો
જો તમે કોઈ વ્હોટ્સએપ ગ્રુપના એડમિન છો તો તમારા માટે રાહતના સમાચાર છે. કેરળ હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું કે, કોઈપણ વ્હોટ્સએપ ગ્રુપમાં આવતા કોઈપણ વાંધાજનક મેસેજ માટે ગ્રુપ એડમિન જવાબદાર રહેશે નહીં. એક કેસની સુનાવણી બાદ કોર્ટે આ નિર્ણય આપ્યો છે.
હકિકતમાં માર્ચ 2020માં ‘ફ્રેન્ડ્સ’ નામના વ્હોટ્સએપ ગ્રુપમાં એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં બાળકો જાતીય કૃત્યોમાં સંડોવાયેલા જોવા મળ્યા હતા. આ ગ્રુપ પણ અરજદારે બનાવ્યું હતું અને તે એડમિન હતો. અરજદાર સિવાય અન્ય બે સંચાલકો હતા. જેમાંથી એક આરોપી હતો.
પ્રથમ આરોપી સામે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 67B(a), (b) અને (d) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટની કલમ 13, 14 અને 15 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. બાદમાં એડમિન હોવાના કારણે અરજદારને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. જેમાં અરજદરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
કોર્ટે જણાવ્યું કે, વ્હોટ્સએપ ગ્રુપના એડમિન પાસે અન્ય સભ્યો પર એકમાત્ર વિશેષાધિકાર છે કે તે ગ્રુપમાંથી કોઈપણ સભ્યને ઉમેરી અથવા દૂર કરી શકે છે. વ્હોટ્સએપ ગ્રુપના સભ્યનું ગ્રુપમાં શું પોસ્ટ કરવામાં આવે છે તેના પર કોઈ નિયંત્રણ નથી. તે કોઈપણ જૂથના સંદેશાઓને નિયંત્રિત અથવા સેન્સર કરી શકતા નથી.
જસ્ટિસ કૌસર ઈડપ્પાગથે જણાવ્યું કે, ફોજદારી કાયદામાં પરોક્ષ જવાબદારી ત્યારે જ નક્કી થઈ શકે છે જો કોઈ કાયદો એવું સૂચવે છે અને હાલમાં IT એક્ટમાં આવો કોઈ કાયદો નથી. તેમણે જણાવ્યું કે, વ્હોટ્સએપ એડમિન IT એક્ટ હેઠળ મધ્યસ્થી બની શકે નહીં.