ટૅક & ઑટો
Good News! આ દિવસે લૉન્ચ થવા જઈ રહી છે Airtel 5G સર્વિસ, યુઝર્સને મળશે હાઈ-સ્પીડ ઈન્ટરનેટ; જાણો બધું જ
ટેલિકોમ સેવા પ્રદાતા એરટેલે ગુરુવારે જાહેરાત કરી હતી કે તે દેશમાં તેનું હાઇ-સ્પીડ 5G નેટવર્ક લૉન્ચ કરવા માટે તૈયાર છે. કંપનીએ અહીં તેની લો-લેટન્સી ક્ષમતાઓનું પ્રદર્શન કર્યું. લો લેટન્સી ટૂંકા ગાળામાં મોટી માત્રામાં ડેટાને સ્ટ્રીમ કરવામાં મદદ કરે છે. હરિયાણાના માનેસરમાં એરટેલે નેટવર્ક એક્સપીરિયન્સ સેન્ટરમાં કેટલાક આઈઓટી સોલ્યુશન્સ જેમ કે- ક્લાઉડ ગેમિંગ, વેરેબલ ડિવાઈસ જેના દ્વારા ગમે ત્યાંથી કામને એક્સેસ કરી શકાય છે, અને ગોડાઉનમાં સ્ટોક મેનેજમેન્ટ માટે ડ્રોન પણ પ્રદર્શિત કરાયા.
દેશના પ્રથમ 5G સંચાલિત હોલોગ્રામનું પણ કરાયું પ્રદર્શન
એરટેલે ઇમર્સિવ વીડિયો અનુભવો અને ભારતના પૂર્વ ક્રિકેટર કપિલ દેવનું દેશના પ્રથમ 5G સંચાલિત હોલોગ્રામ પણ પ્રદર્શિત કર્યો. એવું કહેવાય છે કે 1983ના વર્લ્ડ કપ દરમિયાન જ્યારે કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે અણનમ 175 રન બનાવ્યા હતા, ત્યારે ટીવી ટેકનિશિયનોની હડતાળને કારણે તે મેચનો કોઈ વીડિયો ફૂટેજ ઉપલબ્ધ નથી.
નોન સ્ટોપ ચાલ્યો વીડિયો
કંપનીએ જણાવ્યું કે, 1 Gbps (એક GB પ્રતિ સેકન્ડ)ની સ્પીડ અને 20 ms કરતાં લો લેટન્સીની સાથે 50થી વધુ યુઝર્સે 5G સ્માર્ટફોન પર તે મેચના ફરીથી બનાવેલા 4K પિક્સેલ વીડિયોનો આનંદ માણ્યો હતો. આ સમય દરમિયાન યુઝર્સ ઘણા કેમેરા એંગલથી તે મેચનો 360-ડિગ્રી ઈન-સ્ટેડિયમ વ્યૂની સાથે રીયલ-ટાઈમ એક્સેસ કરી શકતા હતા.
વર્ષના અંતમાં થશે રજૂ
અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી બે મહિનામાં 5G સ્પેક્ટ્રમની હરાજી થશે અને 5G સેવા આ વર્ષના અંત સુધીમાં ઔપચારિક રીતે શરૂ કરવામાં આવશે. ભારતી એરટેલના ચીફ ટેક્નોલોજી ઓફિસર રણદીપ સેખોને જણાવ્યું હતું કે, આજના પ્રદર્શનમાં અમે 5G નેટવર્ક્સની અનંત શક્યતાઓ અને ડિજિટલ દુનિયામાં અત્યાધિક વ્યક્તિગત ઈમર્સિવ અનુભવોને સ્પર્શ કર્યો છે. અમે વર્ચ્યુઅલ અવતારને 5G આધારિત હોલોગ્રામ દ્વારા કોઈપણ જગ્યાએ લઈ જઈ શકીશું, જે મીટિંગ્સ, કોન્ફરન્સ, લાઈવ ન્યૂઝ વગેરે માટે પરિવર્તનકારી સાબિત થશે.
તેમણે કહ્યું, એરટેલ આ ઉભરતી ડિજિટલ દુનિયામાં 5G માટે સંપૂર્ણપણે તૈયાર છે અને ભારતમાં તેના ઇનોવેટિવ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહ્યું છે.