ગાંધીનગર જિલ્લામાં ૧૦ બ્લેક સ્પોટ નક્કી કરાયા
માર્ગ અકસ્માત દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવર માં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોંચાડનાર પરોપકારી વ્યક્તિઓને પ્રોત્સાહિત કરવા સ્કીમ ઓફ એવોર્ડ ટુ ગૂડ સમરીટન એવોર્ડ આપવામાં આવે છે. આજે ગાંધીનગર જિલ્લામાં આવી ઉમદા કામગીરી કરનાર પાંચ વ્યક્તિઓને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા માર્ગ અકસ્માત દરમ્યાન ઘવાયેલા વ્યક્તિઓને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ કે ટ્રોમા કેર સેન્ટરમાં પહોચાડનાર પરોપકારી વ્યક્તિને ગૂડ સમરીન એવોર્ડથી સન્માનિત કરવા આ યોજના અમલી બનાવી છે. આજે રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે આ યોજનાનું રીલોન્ચીંગ કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લા કલેકટર પ્રવિણા ડી.કે.ના અઘ્યક્ષ સ્થાને આ એવોર્ડ સન્માન સમારંભ સમિતી ખંડ, કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી હિતેષભાઇ મકવાણા, ગાંધીનગર(ઉ)ના ઘારાસભ્ય રીટાબેન પટેલ, માણસાના ઘારાસભ્ય જે.એસ.પટેલ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન જસંવતભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરૂણ દુગલ સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારંભમાં ગાંધીનગર જિલ્લામાં આ પ્રકારની ઉમદા કામગીરી કરનાર ભાઇલાલભાઇ ડી. વણઝારા, દિલીપભાઇ પ્રજાપતિ, શંકરસિંહ કિશોરસિંહ જાડેજા,યોગેન્દ્રસિંહ દિલીપસિંહ વાઘેલા, મૌસીન મહંમદખાન પઠાણને આ એવોર્ડથી મહાનુભાવાના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ બાદ ગાંધીનગર જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઇ હતી. આ બેઠકના આરંભે આર.ટી.ઓ. અધિકારી નિરવ બક્ષીએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરીને જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ઓછી કરવા માટે ૧૦ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવ્યા છે.જેમાં વૈષ્ણદેવી સર્કલ નજીક, ચિલોડા- હિંમતનગર રોડ- છાલા બસ સ્ટેન્ડ પાસે, ચિલોડા- નરોડા રોડ- વલાદ પાટિયા, નરોડા- દહેગામ રોડ, વડોદરા બસ સ્ટોપ- ૧, કલોલ- મહેસાણા રોડ- છત્રાલ પુલ, માણસા- ગાંઘીનગર રોડ- ગાયત્રી મંદિર, ગાંધીનગર- અમદાવાદ રોડ ભાઇજીપુરા પાટિયા, કોબા સર્કલ- પાટિયા, કલોલ- મહેસાણા રોડ બિલેશ્વરપુરા કટની બાજુમાં, માણસા- મહેસાણા રોડ વિહાર થી ચડાસણાની બાજુમાં, ચિલોડા- નરોડા લવારપુર બસ સ્ટોપને બ્લેક સ્પોટ તરીકે નક્કી કરવામાં આવ્યા છે.
તેમણે આ બેઠકમાં ચ- ૬ સર્કલ નજીક સ્કૂલ વાનને થયેલ અકસ્માત પાછળનું કારણ પણ રજૂ કર્યું હતું. આ પ્રકારના અકસ્માત આ સર્કલ પર ન થાય તે માટે આ સર્કલ મોટું બનાવવાની જરૂરી છે. તેમજ બમ્પ પણ બનાવવો જરૂરી છે. તે ઉપરાંત પદાઘિકારીઓ તરફથી માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવા માટે પોતાના સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગાંધીનગર શહેર વસાહત મંડળના પ્રમુખ અરૂણભાઇ બુચ સહિત આમંત્રિત મહાનુભાવો- સંસ્થાના પ્રતિનિઘિઓ ઉપસ્થિત રહ્યા હતા.