ઇન્ડિયા
નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા
નિકાસકારો-કંપનીઓએ ઘઉંના ખરીદ ઓર્ડરો રદ કરી નાખ્યા : સંખ્યાબંધ કોર્ટ કેસ થવાના ભણકારા
કેન્દ્ર સરકારે થોડા દિવસો પૂર્વે ઘઉંમાં રાતોરાત નિકાસબંધી ફરમાવી દીધા બાદ ઘઉંનાં ઘરઆંગણાના વેપાર હજુ નોર્મલ થઇ શક્યા નથી. વેપારીઓને નિકાસકારો વચ્ચે વિવાદો ઉભા થયા છે અને તેને પગલે સમગ્ર મામલો કોર્ટમાં જવાના સંકેતો સાંપડ્યા છે. કેન્દ્ર સરકારે રાતોરાત ઘઉંની નિકાસબંધી લાગુ પાડી દીધી હોવાના કારણે સંખ્યાબંધ નિકાસકારોએ વેપારીઓ સાથે કરેલા ખરીદી કરારના માલ ઉપાડવાનું નકારી કાઢ્યું છે
જેને કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ સમગ્ર મામલે નિકાસકારો અને વેપારીઓ વચ્ચે આંતરિક વિવાદ ઉભા થયા છે. ઘઉંની ખરીદીના કરારનું પાલન કરવામાં મલ્ટી નેશનલ કંપનીઓ અને નિકાસકારોએ હાથ ઉંચા કરી દેતા વેપારીઓએ સમગ્ર મામલો અદાલતમાં લઇ જવાની તૈયારી શરુ કરી દીધી છે. મલ્ટી નેશનલ કંપનીઓ એવી દલીલ કરી રહી છે કે સરકારે નિકાસબંધી કરી દીધી હોવાથી તેઓ હવે નિકાસ કરી શકે તેમ નથી એટલે કરાર મુજબ ખરીદી કેવી રીતે કરી શકે. ઉતર પ્રદેશનાં વેપારીઓ દ્વારા મુંબઈ સ્થિત નિકાસકાર કંપની કે.એન.એગ્રોને કાનૂની નોટીસ પણ ફટકારી દેવામાં આવી છે.
ઘઉંની ખરીદીના કરાર કર્યા બાદ ઓર્ડર કેન્સલ કરી નાખવાના મામલે આ નોટીસ ફટકારવામાં આવી છે. ખરીદી ઓર્ડર રદ થતા વેપારીને થયેલી નુકશાનીનાં નાણા ચૂકવવા માંગ કરવામાં આવી છે. ઉતરપ્રદેશની જેમ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોનાં વેપારીઓ નિકાસકારો તથા મલ્ટી નેશનલ કંપનીઓ સામે આ પ્રકારે કાનૂની કેસ કરે તેવી શક્યતા વેપારીઓ દર્શાવી રહ્યા છે.
મધ્યપ્રદેશના ઘઉંના એક બ્રોકરે જણાવ્યું હતું કે મોટાભાગની મલ્ટી નેશનલ કંપનીઓએ વેપારીઓ સાથેના ખરીદીના ઓર્ડર રદ કરી નાખ્યા છે. સંખ્યાબંધ વેપારીઓનો માલ કંડલામાં પડ્યો છે. સર્વસંમત માર્ગ કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અન્યથા અનેક કેસ કોર્ટમાં જવાની શક્યતા છે. નાના વેપારીઓની હાલત વધુ ખરાબ છે કારણ કે તેઓને કાનૂની કેસ પરવડી શકે તેમ નથી.