પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પ ની તારીખો જાહેર કરતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી
જિલ્લામાં આંતરિક બદલી કેમ્પ ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર સુધી યોજાશે
જિલ્લા ફેર બદલી કેમ્પ 6 ડિસેમ્બર થી ૮ ડિસેમ્બર સુધી યોજાશે
મુખ્ય શિક્ષકોની જિલ્લા ફેરના હુકમો ૨૦ ઓક્ટોબર થી ૨૯ ઓક્ટોબર આપવામાં આવશે
પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયક, મુખ્ય શિક્ષકોના બદલી કેમ્પની તારીખો શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા આજરોજ ભાવનગર ખાતે પત્રકાર પરિષદ બોલાવીને જાહેર કરાઈ હતી. જેમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકનાં વધ-ઘટ કેમ્પ, શિક્ષકોના જિલ્લામાં આંતરિક અરસપરસ બદલી કેમ્પની તારીખો, જિલ્લા આંતરિક ઓનલાઇન ફેર બદલી કેમ્પની તારીખો અને જિલ્લા ફેર બદલી કેમ્પની અંગે જણાવવામાં આવ્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના તા. ૧૪/૧૦/૨૨ ના ઠરાવથી સુધારા બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા ૧/૪/૨૨ અને ૧૪/૧૦/૨૨ ના બદલી ઠરાવની જોગવાઈઓને આધીન પ્રાથમિક શિક્ષક, વિદ્યા સહાયકના વધ-ઘટ કેમ્પ, જિલ્લા આંતરીક અરસ-પરસ બદલી કેમ્પ, જિલ્લા આંતરીક ઓનલાઈન બદલી કેમ્પ અને જિલ્લા ફેરબદલી કેમ્પ ની તારીખો જાહેર કરવામાં આવી હતી
વધ-ઘટ કેમ્પ અને જિલ્લા આંતરિક અરસપરસ કેમ્પ તા. ૨૦-૧૦-૨૦૨૨ થી ૨૯/૧૦/૨૨ જાહેર રજા સિવાય ના દિવસોમાં, જિલ્લા આંતરિક બદલી (ઓનલાઈન) પ્રથમ તબક્કો તા. ૨/૧૧/૨૨ થી ૨૦/૧૧/૨૨, જિલ્લા આંતરિક બદલી (ઓનલાઈન) બીજો તબક્કો તા.૨૩/૧૧/૨૨ થી ૨/૧૨/૨૨, જિલ્લા ફેર બદલી કેમ્પ તા. ૬/૧૨/૨૨ થી ૮/૧૨/૨૨ તેમજ મુખ્ય શિક્ષકોના જિલ્લા ફેર અરસ-પરસના હુકમો તા. ૨/૧૦/૨૨ થી તા. ૨૯/૧૦/૨૨ જાહેર રજા ના દિવસો સિવાયના દિવસોમાં આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના આ નિર્ણયથી જે શિક્ષકો પરિવારથી દૂર જિલ્લામાં નોકરી કરતા હોય છે તેમણે પસંદગીનો જિલ્લો મેળવવામાં ફાયદો થશે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા તા ૧૪/૧૦/૨૨ ના ઠરાવથી તેઓને નજીકના જિલ્લા પસંદ કરવા માટેની તક મળશે