ઈકોનોમી
મોંઘવારીનો ડબલ ડોઝઃ પેટ્રોલ અને ડીઝલ બાદ રાંધણ ગેસના ભાવમાં વધારો, હવે ચૂકવવી પડશે આટલી કિંમત
મંગળવારે સામાન્ય લોકોને ઝટકો લાગ્યો છે. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાના વધારા બાદ એલપીજીના ભાવમાં પણ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે 14.2 કિલોના સિલિન્ડર માટે દિલ્હીમાં 949.50 રુપિયા ચૂકવવા પડશે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના હવાલાથી આ માહિતી આપી છે.
આપને જણાવી દઈએ કે, આ પહેલા 6 ઓક્ટોબરના રોજ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. ચાલો જાણીએ અન્ય શહેરોમાં હવે એક સિલિન્ડર માટે કેટલા રુપિયા ચૂકવવા પડશે….
શહેર પહેલા હવે
દિલ્હી રૂ. 899.50 રૂ. 949.50
મુંબઈ રૂ. 899.50 રૂ. 949.50
લખનઉ રૂ. 937.50 રૂ. 987.50
કોલકાતા રૂ. 926.00 રૂ. 976.00
ચંદીગઢ રૂ. 909.00 રૂ. 959.00
પટના રૂ. 989.50 રૂ. 1039.50
શિમલા રૂ.945.00 રૂ.995.00
દેહરાદૂન રૂ. 918.00 રૂ. 968.00
ભોપાલ રૂ.905.00 રૂ.955.00
જયપુર રૂ. 903.00 રૂ. 953.00
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ થયો છે વધારો
દેશમાં ચાર મહિના બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. મંગળવારે ડીઝલના ભાવમાં 76 થી 86 પૈસાનો વધારો થયો છે. તો પેટ્રોલના ભાવમાં 76 થી 84 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 96.21 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલની કિંમત 87.47 રૂપિયા પ્રતિ લીટર છે. ગયા વર્ષે 4 નવેમ્બરથી આ બંને ઈંધણની કિંમતમાં કોઈ વધારો થયો નહોતો.
ભાવવધારા પાછળ રશિયા-યુક્રેન યુદ્ધની અસર
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 40 ટકા સુધી વધી ગઈ છે. જેના કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ માટે ઈંધણના ભાવમાં વધારો કરવો જરૂરી બની ગયો હતો અને તેના કારણે મંગળવારે સવારથી પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વધારો થયો છે.