રૂપિયા સામે ડોલરે રૂા.77ની સપાટી પાર કરી- સોના અને ક્રુડની આગેકુચ
– વિશ્વબજારમાં ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં ઘટાડો
– ઓપેકના દેશોમાં ક્રૂડનું ઉત્પાદન અપેક્ષાથી ઓછું થઇ રહ્યાની ચર્ચા : બ્રેન્ટ ક્રૂડ વધી ૧૧૩.૫૦ ડોલર
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૭૭થી ૧૮૭૮ ડોલરવાળા સપ્તાહના અંતે વધી ૧૮૮૩થી ૧૮૮૪ ડોલર રહ્યાના સમાચાર હતા. અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂા. ૧૦૦ વધી ૯૯.૫૦ના રૂા. ૫૩૪૦૦ તથા ૯૯.૯૦ના રૂા. ૫૩૬૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂા. ૫૦૦ વધી રૂા. ૬૪૦૦૦ રહ્યા હતા.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૨.૩૮થી ૨૨.૩૯ ડોલરવાળા સપ્તાહના અંતે ૨૨.૩૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, મુંબઇ કરન્સી બજારમાં આજે બંધ બજારે ડોલરના ભાવ રૂા. ૭૭ની સપાટી કુદાવી ગયા હતા. ડોલરના ભાવ રૂા. ૭૬.૯૩ વાળા આજે રૂા. ૭૭.૦૩થી ૭૭.૦૪ બોલાઇ રહ્યા હતા. એવું કરન્સી બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં પ્લેટિનમના ભાવ ઔંશ દીઠ ૯૬૬થી ૯૬૭ ડોલરવાળા સપ્તાહના અંતે ૯૬૨થી ૯૬૩ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ૨૧૧૮થી ૨૧૧૯ ડોલરવાળા ઘટી ૨૦૫૧થી ૨૦૫૨ ડોલર રહ્યાના સમાચાર હતા.
દરમિયાન, ચીનમાં કોરોનાનો ઉપદ્રવ વધતાં ત્યાંની ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ધીમી પડતાં વિશ્વ બજારમાં કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પીછેહઠ જોવા મળી હતી એવું વિશ્વ બજારના જાણકારોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં કોપરના ભાવ સપ્તાહના અંતે ૦.૫૫થી ૦.૬૦ ટકા માઇનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં રશિયા-યુક્રેન વોર પર નજર વચ્ચે સોનામાં ઘટાડે ફંડવાળા લેવાલ રહ્યા હતા. ચીનના કોરોના ઉપદ્રવના પગલે વૈશ્વિક ચાંદીના ભાવ પણ દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ધીમી ગતિએ તેજી આગળ વધી હતી. ન્યુયોર્ક ક્રૂડના ભાવ બેરલદીઠ વધી ૧૦૯.૭૭ ડોલર રહ્યા હતા જ્યારે બ્રેન્ટક્રુડના ભાવ વધી ૧૧૩.૫૦ થઇ ૧૧૨.૩૯ ડોલર રહ્યા હતા. ઓપેકના દેશો ઉત્પાદન વધારવા જાહેરાત કરે છે પરંતુ હકીકતમાં ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું રહેતું હોવાની ચર્ચા વિશ્વ બજારમાં સંભળાઇ રહી હતી.
મુંબઇ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ના ૫૧૪૫૦ તથા ૯૯.૫૦ના ૫૧૪૫૦ તથા ૯૯.૫૦ના ૫૧૬૫૦ તથા ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૬૨૪૦૦ બોલાઇ રહ્યા હતા જ્યારે મુંબઇ સોના-ચાંદીના જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.