સી’ ફોર્મ રીન્યુઅલઃ 14-15 મેના રોજ રિવરફ્રન્ટ ખાતે ડોક્ટર્સના ધરણાં યોજાશે
અમદાવાદમાં ડોક્ટર્સ કરશે ધરણા- આ તારીખે કરશે ધરણા- આ રહ્યા કારણો
– 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ
અમદાવાદના ડોક્ટર્સે ‘સી’ ફોર્મ રીન્યુઅલ મામલે સરકાર સામે બાંયો ચઢાવી છે. આગામી તા. 14 અને 15 મેના રોજ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા 2 દિવસીય હડતાળ અંતર્ગત હોસ્પિટલ્સ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ કારણે હજારો દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે જે માટે અગાઉથી જ માફી માગવામાં આવી છે.
હડતાળ દરમિયાન ડોક્ટર્સ મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે એકત્રિત થઈને ધારણા પ્રદર્શન કરશે અને ‘ફૂથપાથ ઓપીડી’ જેવા કાર્યક્રમો કરશે.
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ અસોસિએશન (AHNA) દ્વારા ફોર્મ ‘સી’ રીન્યુ કરવામાં પડી રહેલી મુશ્કેલીના પગલે હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામાં આવી છે. એકસાથે શહેરની આશરે 400થી 450 હોસ્પિટલ તેમજ નર્સિંગ હોમના રજિસ્ટ્રેશન (ફોર્મ ‘સી’) ન થયા હોવાથી તેને તાળા મારવાની નોબત આવી છે.
આહનાના સેક્રેટરી ડો. વિરેન શાહે જણાવ્યું કે, સન 1949થી છેક 2021 સુધી આમાની હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સે રજિસ્ટ્રેશન માટેના તમામ જરૂરી દસ્તાવેજો આપેલા છે અને તેમનું ‘સી’ ફોર્મ સમયાંતરે રીન્યુ કરી આપવામાં આવેલું છે. ત્યાર બાદ 2021ના ઓક્ટોબર મહિનાથી ‘સી’ ફોર્મ રીન્યુઅલ માટે અચાનક જ બીયુ પરમિશન ફરજિયાત કરી દેવાતાં આ પ્રકારની ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે.
બીયુનો કાયદો ખૂબ જ ગૂંચવણભરેલો અને અટપટો છે તથા તેમાં નાની હોસ્પિટલ્સ તેમજ નર્સિંગ હોમ્સ માટે કોઈ જુદા ધારાધોરણો નથી નક્કી કરવામાં આવેલા.
બિલ્ડીંગ યુઝ પરમિશનના કારણે અમદાવાદ શહેરમાં આવેલી 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન અટકયાં છે. બિલ્ડિંગ યુઝ પરમીશન વગર અન્ય શરતોના પાલન સાથે સી-ફોર્મ રજિસ્ટ્રેશન કરી આપવા આહના દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને અપીલ કરાઈ છે. નિયમને તંત્ર વળગી રહેશે તો નર્સિંગ હોમ્સ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાશે. જો આમ છતાં કોઈ ચોકકસ નિર્ણય કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મેડીકલ સેવા બંધ, રેલી તથા ધરણાં ઉપરાંત ફૂટપાથ ઉપર ઓ.પી.ડી.જેવા કાર્યક્રમ આપી વિરોધ દર્શાવવામાં આવશે.
ઓકટોબર-2021થી સી-ફોર્મ માટે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરી દેવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા 450થી વધુ નર્સિંગ હોમ અને હોસ્પિટલને તાળાં મારવા પડે એવી સ્થિતિ સર્જાઈ છે. આહનાના પ્રેસિડેન્ટ ડોકટર ભરત ગઢવીએ કહ્યું, 1949થી 2021 સુધી રજિસ્ટ્રેશન માટે જરૂરી તમામ દસ્તાવેજો જમા કરાવતા આવ્યા છીએ પરંતુ આ વખતે બિલ્ડિંગ યુઝ પરમિશન ફરજિયાત કરાતા મુશ્કેલી થઈ છે. નર્સિંગ હોમ્સને રજિસ્ટ્રેશન તેના સ્ટાફની લાયકાત તથા ડોકટરના કવોલીફિકેશનની ચકાસણી બાદ આપવામાં આવતુ હોય છે. જે માટે ક્યારેય બિલ્ડિંગ યુઝ પરમિશનની જરૂર ઉભી કરવામાં આવી નહોતી.
શહેરમાં 80 આરોગ્યની સુવિધા નર્સિંગ હોમ્સ તથા નાની હોસ્પિટલો દ્વારા પુરી પડાય છે જેના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. શહેરમાં રેસ્ટોરન્ટ માટે નિયમ બાજુ ઉપર મુકી મંજૂરી આપવામાં આવે છે. તો નર્સિગ હોમ્સ અને નાની હોસ્પિટલ માટે કયા કારણથી કાયદાની ગૂંચ ઉભી કરાઈ રહી છે? જો 450થી વધુ નર્સિંગ હોમ્સ અને નાની હોસ્પિટલ બંધ થાય તો આગામી દિવસોમાં શહેરમાં આરોગ્યની સેવા વધુ મોંઘી બનશે. હોસ્પિટલ સાથે સંકળાયેલ કર્મચારીઓ રોજગારી ગુમાવશે. જો કોરોનાની જોખમી લહેર ભવિષ્યમાં આવે તો દર્દીઓને સારવાર મેળવવામાં મુશ્કેલી થશે. ફાયરના સાધનો કે એન.ઓ.સી.ને લઈ અમે કોઈ બાંધછોડ કરવા માંગતા નથી એમ પણ આહના પ્રમુખે કહ્યુ હતું. આ મામલે રાજ્ય સરકારને પણ અપીલ કરવામાં આવી છે.