જેમ-જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ પક્ષપલટાની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. હાલ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ પણ કંઈક આવી જ છે. કોંગ્રેસમાં ઘણા નેતા નારાજ છે અને તેઓ કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા દિનેશ શર્માએ ગતરોજ રાજીનામું ધરી દીધું છે. હવે દિનેશ શર્મા ભાજપ(BJP) માં જોડાશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાથેની તસવીર શેર કરી છે.
દિનેશ શર્માએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર(Jagdish Thakor) ને રાજીનામું આપતા પત્રમાં જણાવ્યું હતું કે, હું કોંગ્રેસના તમામ સભ્યપદ પરથી રાજીનામુ આપુ છું અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારીઓમાંથી મુક્ત થઈ રહ્યો છું. છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પક્ષની કાર્યપ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલા રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકુ તેમ નથી.
તેમણે આગળ ઉમેર્યું કે, હું અનેકવાર પક્ષને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત નિર્ણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સૂચનો કરતો આવ્યો છુ. છતા પરિણામ શૂન્ય રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવુ જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગ તરફ આગળ વધી રહ્યો છું.
રાજીનામું આપ્યા બાદ દિનેશ શર્મા( DInesh Sharma) એ પ્રથમ પ્રતિક્રીયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા (Raghu Sharma) તેમને ગુજરાતના પ્રભાર આપ્યો છે તે કોંગ્રેસનુ શાસન આવે તેના માટે આપ્યો છે કે વેપાર કરવા આપ્યો છે. આ રઘુ શર્મા અમદાવાદ શહેરના લીડર તરીકે મને મળવાનો સમય આપતા નથી, મારુ અપમાન છે કે નહિ તે રાહુલજી (Rahul Gandhi) નક્કી કરે. ગુજરાત કોંગ્રેસમાં જિલ્લે જિલ્લે એજન્સી પ્રથા શરૂ કરી છે. કોંગ્રેસ વાડાઓમાં વેચાઈ ગઈ છે.
દિનેશ શર્માએ ઉમેર્યું કે, રાહુલજીને પણ મળવાનો મેં અનેકવાર પ્રયાસ કર્યો, અને જો તેમને મળ્યો હોત તો તેમના નવ રત્ન ગુજરાતમાં સારુ કામ કરે છે તેવુ ખોટું કહેવું પડ્યું હોત. તમારી પાસે હોદ્દો નથી તો તમે કયા કામમાં વ્યસ્ત છો તો તમે અમને મળતા નથી. પ્રધાનમંત્રીને 24 કલાકમાં મળી શકાય છે તો રાહુલ ગાંધીને કેમ નહીં.