અમદાવાદ
રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ
રાજય સરકાર ગ્રાન્ટ ન ફાળવતા અમદાવાદમાં વિકાસના કામો અટક્યા- હિમ્મતસિહ પટેલ
અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને
પત્ર લખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટ ફાળવી,
કોર્પોરેશન વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તાના બાકી રહેલ કામો પૂર્ણ કરાવવા માંગણી
અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે માન. મુખ્યમંત્રીને પત્ર લખી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાની ગ્રાન્ટના અભાવે પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તાના બાકી રહેલ કામો સત્વરે પૂર્ણ કરાવવા માંગણી કરી હતી.
હિંમતસિંહ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનામાં ૯૦:૧૦ રેશિયો મુજબ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તાના કામો કરવામાં આવે છે. આ કામોના ખર્ચની રકમમાં ૯૦% હિસ્સો રાજ્ય સરકારનો અને ૧૦% હિસ્સો સ્થાનિક સોસાયટી કે ધારાસભ્યની ગ્રાન્ટનો હોય છે. નાગરિકોને સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર નવી-નવી યોજનાઓ લાવે છે પરંતુ જે-તે મ્યુનિસિપલ કોર્પોરેશન કે સંબંધિતને ગ્રાન્ટ ફાળવતી નથી કે પૂરતા પ્રમાણમાં ફાળવતી નથી, જેના કારણે યોજનાઓનો લાભ નાગરિકોને ન મળતા યોજનાઓનો અમલ કરવામાં મુશ્કેલી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કે અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આવકનો મોટો સ્રોત ન હોઈ અને રાજ્ય સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતા પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તાના કામ કરી શકાતા નથી, જેના કારણે નાગરિકો પ્રાથમિક સુવિધાઓનો લાભ મેળવી શકતા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પણ આવું બનવા પામેલ છે, જેના કારણે મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાનો લાભ નાગરિકો સમયસર મેળવી શકતા નથી અને ઘણા લાંબા સમયથી આ યોજનાના કામો અટકી પડયા છે. રાજ્ય સરકારે પૂરતી નાણાંકીય જોગવાઈ સમયસર કરવી જોઈએ, પરંતુ પૂરતી નાણાંકીય જોગવાઈ વગર યોજનાના અમલમાં મુશ્કેલી થાય છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજનાની પૂરેપૂરી ગ્રાન્ટ ફાળવી, કોર્પોરેશન વિસ્તારમાં બાકી રહેલ પાણી, ડ્રેનેજ, રોડ-રસ્તાના કામો સત્વરે પૂર્ણ થાય તેવી કાર્યવાહી કરાવવા ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મુખ્યમંત્રીને વિનંતી કરી હતી.
રખડતા ઢોરો ત્રાસને લઇને કોંગ્રેસના ધારાસસભ્યે કેમ કરી કાયદો કડક બનાવવાની માંગ