અમદાવાદ
નોટબંધી સદંતર નિષ્ફળ ગઈ છે હેમંત શાહ
નોટબંધી સદંતર નિષ્ફળ ગઈ છે જીડીપી
(1) નોટબાંધીને કારણે ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર મોટા પ્રમાણમાં ઘટ્યો. 2016-17માં વૃદ્ધિ દર 8.26 ટકા હતો પણ એ એના પછીના વર્ષે 6.80 ટકા થયો અને તેના પછીના વર્ષે 6.45 ટકા થયો પણ 2019-20માં તો તે 3.73 ટકા થઈ ગયો. આમ, ઉત્પાદન ઓછા દરે વધ્યું અને તેને પરિણામે માથાદીઠ આવક ઓછા પ્રમાણમાં વધી. આ બહુ મોટું નુકસાન થયું.
(2) કાળું નાણું ઓછું કરવા માટે નોટબંધી લાવવામાં આવી હતી એમ કહેવામાં આવ્યું હતું પણ કાળું નાણું કેટલું પકડાયું તે તો એક જુદો સવાલ છે. પણ કર આવક 2016-17માં 16.63 ટકા વધી હતી. આ મોટો વધારો હતો. પણ એ પછી 2019-20 સુધી કર આવકનો વૃદ્ધિ દર સતત ઘટતો ગયો. આમ, જે સફળતા મળી તે તો બહુ ટૂંકા ગાળા માટે જ ટકી હતી.
(3) આતંકવાદીઓ તેમની પ્રવૃત્તિ માટે મોટી નોટો વાપરે છે એટલે નોટબંધીથી આતંકવાદ ઘટશે એમ કહેવામાં આવ્યું હતું. પરંતુ આવું કશું થયું નથી. એક વૈશ્વિક સંસ્થાના આંકડા મુજબ 2016માં 82 આતંકવાદી ઘટનાઓ બની હતી અને તે પછીનાં વર્ષોમાં અનુક્રમે 75, 88, 55, 65 અને 59 આતંકવાદી ઘટનાઓ બની હતી.
(4) નકલી નોટો પકડાઈ જશે એવો ઉદ્દેશ હતો પણ તે પણ કંઈ પાર પડ્યો નહોતો. આજે પણ નકલી નોટો છપાય છે અને પકડાય છે. 2021-22માં રૂ. 2000ની નકલી નોટોમાં 54 ટકાનો વધારો થયો હતો અને રૂ. 500ની નકલી નોટોમાં 102 ટકાનો વધારો થયો હતો.
(5) ભ્રષ્ટાચાર ડામવાનો ઉદ્દેશ પણ નોટબંધી પાછળ હતો. પણ કોઈ વ્યક્તિ એવું કહેશે નહિ કે દેશમાં ભ્રષ્ટાચાર ઘટ્યો છે.
આમ, નોટબંધી આર્થિક બાબતોમાં તો સફળ થઈ જ નથી. એનો રાજકીય ફાયદો ભાજપને કે એનડીએને કે સરકારને થયો હોય એમ બની શકે છે. પણ તેથી અર્થતંત્રને તો નુકસાન જ થયું છે અને સામાન્ય નાગરિકોને પણ નુકસાન થયું છે એ એક હકીકત છે.