કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા ઉદેસિંહ ચૌહાણ પોતાના સેંકડો સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
ઉદેસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પદ પરથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જોડાયા: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અને ઘરે ઘરે પહોંચાડવા માટે અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે: ગોપાલ ઇટાલિયા
ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે: ગોપાલ ઇટાલિયા
ભાજપ માત્ર બયાનબાજી કરીને ફેક એડીટેડ વિડીયો ફોરવર્ડ કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે: ગોપાલ ઇટાલિયા
ગુજરાતની પ્રજા ભાજપની બધી જ ખોટી પ્રવૃત્તિને ઓળખી ચુકી છે એટલા માટે આ વખતે ગુજરાતની પ્રજા છેતરાવાની નથી: ગોપાલ ઇટાલિયા
ગુજરાતની પ્રજા અરવિંદ કેજરીવાલજીની ગેરંટીને અને આમ આદમી પાર્ટીના ઝાડુને મત આપીને એક ઈમાનદાર સરકાર બનાવવાની છે: ગોપાલ ઇટાલિયા
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ એક મહત્વપૂર્ણ માહિતી આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી આજે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચી ચૂકી છે. પાછલા દિવસોમાં આપણે જોયું કે ભારત સરકારના આઈબીના રિપોર્ટ પ્રમાણે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. પરંતુ પાતળી બહુમતી સાથે આ સરકાર બની રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ગુજરાતના નેતાઓ તથા કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે આપણે હજુ વધુ મહેનત કરવાની છે અને એક મજબૂત બહુમતી વાળી સરકાર બનાવવાની છે. ત્યારે આમ આદમી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે અને ઘરે ઘરે પહોંચાડવા માટે અનેક આગેવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આ અનુક્રમમાં આજે ઉદેસિંહ ચૌહાણ પોતાની વિશાળ સમર્થકોની ટીમ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ઉદેસિંહ ચૌહાણ બાલાસિનોરથી ખેડા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે અને તેઓ ખેડા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ જિલ્લાના કોંગ્રેસ ઉપપ્રમુખ તરીકે હાલ કાર્યરત હતા અને હમણાં જ રાજીનામું આપ્યું છે. તેઓ પાલીખંડા દૂધ સહકારી મંડળીના ચાલુ ચેરમેન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન છે તથા સમાજ માટે ખૂબ જ સારી કામગીરી કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉદેસિંહ ચૌહાણ સામાજિક અને રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય છે. હું ઉદેસિંહ ચૌહાણનું આમ આદમી પાર્ટીમાં ખુબ ખુબ સ્વાગત કરું છું. ઉદેસિંહ ચૌહાણના આમ આદમી પાર્ટીમાં જોડાવાથી મહીસાગર જિલ્લામાં અને બાલાસિનોર મતવિસ્તારમાં આમ આદમી પાર્ટી ખૂબ જ મજબૂત બનશે. ઉદેસિંહ ચૌહાણની સાથે જોડાયેલ વિશાળ સમર્થકોની ટીમનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું.
ભાજપના લોકો દિલ્હીમાં ત્રણ વખત ચૂંટણી હારી ચુક્યા છે, ત્યારબાદ પંજાબમાં પણ ખૂબ જ શરમજનક રીતે ચૂંટણી હારી ચુક્યા છે અને ગુજરાતમાં પણ ભાજપ ખૂબ જ શરમજનક રીતે હારવાની સ્થિતિમાં છે. એટલા માટે જ રોજ સવાર સાંજ સોશિયલ મીડિયા અને સાથે સાથે દરેક જગ્યાએ ભાજપના લોકો અફવા ફેલાવી રહ્યા છે. જો ભાજપના લોકોને એવું લાગતું હોય કે કોઈપણ વ્યક્તિ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ છે તો કેન્દ્રમાં ભાજપની સરકાર છે તો તેમણે પગલાં લેવા જોઈએ. CBI, NIA અને IB જેવી સંસ્થાઓ કેન્દ્ર સરકાર પાસે છે તો જે પણ વ્યક્તિ ભારતની અંદર રહીને ભારત વિરોધી કામ કરી રહ્યું હોય તો તેમને પકડીને જેલમાં પુરવા જોઈએ પરંતુ માત્ર બયાનબાજી કરીને ફેક એડીટેડ વિડીયો ફોરવર્ડ કરીને લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પણ ગુજરાતની પ્રજા ભાજપની આ બધી જ પ્રવૃત્તિને ઓળખી ચુકી છે એટલા માટે આ વખતે ગુજરાતની પ્રજા છેતરાવાની નથી અને અરવિંદ કેજરીવાલજીની ગેરંટીને અને આમ આદમી પાર્ટીના ઝાડુને મત આપીને એક ઈમાનદાર સરકાર બનાવવાની છે.
આ દરમિયાન ઉદેસિંહ ચૌહાણએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, દશેરાના શુભ અવસર પર જે રીતે આસુરી શક્તિઓ ઉપર દિવ્ય શક્તિનો વિજય થયો હતો તે જ રીતે ભાજપની ભ્રષ્ટાચારી સરકાર સામે આમ આદમી પાર્ટીની ઈમાનદાર સરકાર રચાય એ માટે ગુજરાતના દરેક સમાજના લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. આજે આખા ગુજરાતના યુવાનો આમ આદમી પાર્ટીને સમર્થન આપી રહ્યા છે. આમ આદમી પાર્ટીની એક બહુમતીવાળી સરકાર બની રહી છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો છે કે આમ આદમી પાર્ટીમાં ખૂબ જ ભણેલા ગણેલા અને સજ્જન લોકો જોડાયેલા છે. મને આશા છે કે આમ આદમી પાર્ટી આવનાર દિવસોમાં દિવસેને દિવસે ખૂબ જ પ્રગતિ કરશે.