ઇન્ડિયા
આજથી ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા, મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ
આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. CCTV કેમેરા સહિતની કડક વ્યવસ્થાઓ વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12માં 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 હજાર 529 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 95 હજાર 982 રેગ્યુલર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રીપીટર 11 હજાર 984 પરીક્ષાર્થીઓ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 25 હજાર 834 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
આ છે પરીક્ષાનો ટાઈમ
ધોરણ 10ની પરીક્ષા સવારનાં 10થી બપોરનાં 1:15 વાગ્યા દરમિયાન યોજાશે તો ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 10:30 થી 1:45 વાગ્યા દરમિયાન યોજાશે. તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી 6:30 વાગ્યા દરમિયાન યોજાશે.
પરીક્ષાને લઈ કડક પ્રતિબંધો
28મી માર્ચથી શરૂ થતી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા દરમિયાન સ્કૂલોના સ્ટાફ અને ટ્રસ્ટીઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે પરીક્ષા દરમિયાન કામગીરીમાં ન હોય તેવો સ્ટાફ અને ટ્રસ્ટીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત શિક્ષક સ્કૂલમાં ટ્રસ્ટી કે કર્મચારી તરીકે કાર્ય કરતા હોય તેઓ પણ પરીક્ષા દરમિયાન હાજર રહી શકશે નહીં.
સીએમે પાઠવી શુભકામના
બોર્ડની પરીક્ષાને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે.આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.