ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરાના વિવિઘ પંડાલોમાં બિરાજતા શ્રીજીના દર્શન કર્યા
ગણેશ ઉત્સવની આસ્થા પૂર્વક ઊજવણી માટે જાણીતા વડોદરાના આ પર્વમાં સહભાગી બની મુખ્યમંત્રીશ્રીએ નગરજનોના આનંદ ઉમંગમાં વધારો કર્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડોદરા નગરના વિવિધ પંડાલોમાં બિરાજમાન ભગવાન શ્રી ગણપતિ દાદાના ભક્તિભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને રાજ્યના નાગરિકોના કલ્યાણ તથા સુખાકારીની મંગળ કામના કરી હતી. ગણેશ ઉત્સવની ભારે ઉત્સાહ અને આસ્થા પૂર્વક ઊજવણી માટે જાણીતા વડોદરાના આ વખતના પર્વમાં સહભાગી બની મુખ્યમંત્રીશ્રીએ નગરજનોના આનંદ ઉમંગમાં વધારો કર્યો હતો. અહીં ૧૩૦૦ થી પણ વધુ પંડાલોમાં શ્રીજી બિરાજમાન છે અને હાલમાં ગણેશ ઉત્સવ ભારે ધામધૂમ પૂર્વક ઉજવાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સર્વ પ્રથમ હરણી વિસ્તારમાં મીરા ચાર રસ્તા પર બિરાજેલા બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમને શ્રીજીની ભવ્ય પ્રતિમાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
એ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે શહેરના દાંડિયા બજાર ખાતે શ્રીમંત સિદ્ધિ વિનાયક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૪૨ વર્ષથી સ્થાપવામાં આવતા શ્રીજી ના ભક્તિભાવ પૂર્વક દર્શન અર્ચન કર્યા હતા. અહીં તેમણે શ્રીજીની વિધિવિધાન પૂર્વક પૂજન કરી માલ્યાર્પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૯૮૦ થી અહી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.જાણીતા ભાગવત કથાકાર પૂ.ડાંગરેજી મહારાજે આની શરૂઆત પૂજા અર્ચન કરી કરાવી હતી. ગુજરાતના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો આ શ્રીજીના દર્શન કરવા અચૂક આવે છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોલો ગ્રાઉન્ડ બગીખાના, પરાગરજ ગરબા ગ્રાઉન્ડ, તંબોળી,વારસિયા રીંગ રોડ માંજલપુર, ઈલોરા પાર્ક તથા સુભાનપુરા વિસ્તારમાં ગણેશ પંડાલોમાં જઈને શ્રીજીના દર્શન, અર્ચન કર્યા હતા.
આ પ્રસંગે કાયદા અને ન્યાય મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સમાજિક ન્યાય અને અધિકારીતા અને જિલ્લાના પ્રભારી મંત્રી પ્રદિપભાઈ પરમાર, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ મંત્રી મનિષાબેન વકીલ, મેયરશ્રી કેયુરભાઈ રોકડિયા, સાંસદ રંજનબેન ભટ્ટ,શહેર અધ્યક્ષ ડો.વિજયભાઈ શાહ, મ્યુનિ.કમિશનર શાલિની અગ્રવાલ, કલેકટર અતુલ ગોર, પદાધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.