બનાસકાંઠાની ખેંગારપૂરા-મહાજનપૂરાની નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની નિરીક્ષણ મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
……
ધાનેરા-દાંતીવાડા-ડીસા ના ૧૧૯ ગામોની ૬ લાખ જેટલી જનસંખ્યાને
અંદાજે રૂ. ર૪૧ કરોડની યોજનાનો લાભ મળશે
……
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ખેંગારપૂરા-મહાજનપૂરા ખાતે નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લીધી હતી.
બનાસકાંઠાના દાંતીવાડા, ધાનેરા અને ડીસા વિસ્તારના લોકોને પીવાનું શુદ્ધ પાણી સરળતાએ મળી રહે તે માટે થરાદના ખેંગારપૂરા ખાતે આ નર્મદા આધારિત સીપૂ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના આકાર પામી રહી છે.
આ યોજનાને પરિણામે સીપુ ડેમ આધારિત હયાત સીપુ જુથ પાણી પુરવઠા યોજનામાં ધાનેરા તાલુકાનાં ૭૭ ગામો અને ધાનેરા શહેર, દાંતીવાડા તાલુકાનાં ૧૫ ગામો અને ડીસા તાલુકાનું ૧ ગામ મળી કુલ- ૯૩ ગામો અને ૧ શહેરને પીવાના પાણીનો લાભ મળશે.
તેમજ વિઠોદર-આગડોલ જુથ યોજનામાં ડીસા તાલુકાનાં ૨૬ ગામો મળી સમગ્રતયા કુલ- ૧૧૯ ગામ અને ૧ શહેરને સીપુ જુથ યોજના હેઠળના પાંથાવાડા ખાતેના હયાત ૨૪ એમ.એલ.ડી. ક્ષમતાના ફીલ્ટર પ્લાન્ટ મારફતે મૂળ યોજના અંતર્ગત પીવાનું પાણી પુરૂ પાડવાની યોજના છે.
ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩ હેઠળનાં કામો ઉપરાંત ૧૧૯ ગામો અને ૧ શહેરના કનેક્ટીવીટી નેટવર્કના કામોનો સમાવેશ કરતી યોજનાને રૂ. ૨૪૧.૩૫ કરોડની યોજના માટે મંજુરી મળી છે. તેનો લાભ આ ૧૧૯ ગામો/શહેરની કુલ-૫,૯૯,૫૨૧ વસ્તીને મળવાનો છે.
ફેઝ-૧, ફેઝ-૨ અને ફેઝ-૩ હેઠળનાં કામો આગામી તા. ૩૧ ઓગષ્ટ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીપુ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાતા વરસાદની પેટર્ન જોતાં અનિયમિત અને અપૂરતો વરસાદ નોંધાવાના કારણે સીપુ ડેમમાં પાણીની આવક નહીવત પ્રમાણમાં થાય છે.
આમ, સીપુ ડેમ રીલાયેબલ સોર્સ ન હોઇ સીપુ ડેમ આધારિત આ ૧૧૯ ગામો અને ૧ શહેર પૈકી પાંથાવાડા હેડવર્કસ ખાતેથી ૨૪ એમ.એલ.ડી ક્ષમતાના હયાત ફીલ્ટર પ્લાન્ટથી ૫૭ ગામોને પાણી પુરૂ પાડવાનું અને બાકીના ૬૨ ગામો તથા ૧ શહેરની ૪૦ એમ.એલ.ડી.પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે નર્મદા મુખ્ય નહેર ભાપી ઓફ્ટેક આધારિત સીપુ જુથ સુધારણા પાણી પુરવઠા યોજના અમલમાં મુકવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નર્મદાના વધારાના વહી જતા પાણીમાંથી ૧ મિલિયન એકર ફીટ પાણી સુજલામ સુફલામ યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતને ફાળવવામાં આવ્યું છે. જે માટે કુલ ૧૪ પાઈપલાઈન યોજનાઓના આયોજન પૈકી હાલમાં થરાદથી સીપુ જળાશય સુધીની પાઈપલાઈનની કામગીરી પ્રગતિમાં છે. આ યોજના હેઠળ થરાદ તાલુકાના મહાજનપુરાથી રામસણ સુધીની ૪૩.૩૮૦ કિ.મી પાઈપલાઈન તેમજ રામસણથી સીપુ ડેમ સુધીની ૨૫.૩૩૬ કિ.મી પાઈપલાઈનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મહાજનપુરા, લાખણી તાલુકાના મડાલ અને ડીસા તાલુકાના રામસણ ખાતે મળી કુલ ૩ પમ્પીંગ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ યોજના થકી કુલ ૪ તાલુકાના ૩૯ ગામોના ૧૦૬ તળાવો જોડવાનું તથા આસોદર સુજલામ સુફલામ કેનાલમાં પણ પાણી છોડવાનું આયોજન છે.
મુખ્યમંત્રીની આ મૂલાકાત પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ શ્રી પરબતભાઇ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી રજનીભાઈ પટેલ, શ્રી ગુમાનસિંહ ચૌહાણ, કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.