કચ્છમાં પાણીના મૂલ્યને સમજીને દરેક ખેડુત ડ્રીપ ઇરીગેશન પધ્ધતિ અપનાવે
ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય
મેઘપરના એડમંડ ડેમની જળરાશિનું પૂજન કરીને વિધાનસભા અધ્યક્ષાશ્રીએ સિંચાઇ માટે કેનાલમાં પાણીની પધરામણી કરાવી : ૩૦૦ ખેડુતોને મળશે સિંચાઇનો લાભ
રૂ. ૨.૮૨ કરોડના ખર્ચે ડેમનુ સમારકામ અને ઊંડાઇ વધારવામાં આવતા જળરાશિનું પ્રમાણ વધ્યું : ડેમની ઉંચાઇ ૨ મીટર વધારવા કામગીરી કરાશે
મેઘપર ગામ પાસેના એડમંડ ડેમનું સમારકામ અને ઉંડાઇ વધારવા સહિતની કામગીરી કરાતા આ વરસાદી સિઝનમાં ડેમ બે વાર ઓગની ગયા બાદ સિંચાઇ માટે કેનાલમાં પાણી છોડવાની કામગીરી આજે વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે સિંચાઇનો લાભ મેળવનારા ૩૦૦થી વધુ ખેડુતોને પાણીના વ્યયથી બચવા ફરજિયાત ડ્રીપઇરીગેશન પધ્ધતિથી પીયત કરવા અનુરોધ કર્યો હતો.
એડમંડ ડેમ ખાતે યોજાયેલા જળરાશિ પૂજન તથા કેનાલમાં પાણીના પધારામણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મેઘપર ગ્રામવાસીઓ તથા આસપાસના વિસ્તારના ખેડુતો હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષાનું મેઘપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્યયોગી બહેનોએ આર્શીવચન આપીને સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ ડેમનું નવું નામ ગ્રામજનોએ તથા સંતોએ સરદાર સરોવર કચ્છ એવું પાડ્યું છે તો આજથી જ આ નામથી ડેમને સંબોધિત કરતા જણાવુ છે કે, ગ્રામજનોની માંગણી મુજબ આગામી સમયમાં ડેમની કેપેસીટી વધારવાની કામગીરી અંતર્ગત ૨ મીટર ઉંચાઇ વધારવાનું કામ કરાશે. તેમણે એડમંડ સિંચાઇ પિયત સહકારી મંડળીને હજુ વધુ કિસાનો સિંચાઇનો લાભ મેળવે તે રીતનું આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કચ્છને ફાળવેલા નર્મદાના વધારાના પાણીની ૪ લીંક કેનાલનું ટુંકસમયમાં ખાતમુહૂર્ત કરાશે. જેનાથી ડેમ-તળાવ ભરવામાં આવશે. તેમણે નર્મદાના પાણીને કચ્છ સુધી પહોંચાડવા અથાગ પ્રયાસ કરનારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને યાદ કરતા જણાવ્યું હતું કે, કચ્છને એક બાળક તરીકે તેમણે ઉછેર્યું છે. ત્યારે નર્મદાના પાણી તથા વરસાદી પાણીનો વ્યય ન થાય તે જોવાની જવાબદારી કચ્છીઓની છે. તેમણે પ્રધાનમંત્રીના જન્મદિને દરેક વ્યકિત એક વૃક્ષ અથવા ગામ દિઠ ૫ હજારથી વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ લેવા સર્વેને અનુરોધ કર્યો હતો. કચ્છમાં વરસાદને વધારવા જમીન વૃક્ષાચ્છાદિત કરવી જરૂરી હોવાથી દરેક કચ્છીઓ પાણી અને વૃક્ષોનું મહત્વ સમજે તે જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે પદાધિકારી, અધિકારી તથા સૌ ગ્રામજનોએ ડેમના કાંઠે વનભોજન કરીને પ્રકૃતિનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, આગેવાન ભીમજીભાઇ જોધાણી, હરીભાઇ આહિર, ગોવિંદભાઇ હાલાઇ, ગોવિંદભાઇ પટેલ, શાન્તાબેન પટેલ, માવજીભાઇ હિરાણી, શીવજીભાઇ હાલાઇ, મેઘપર ઉપસરપંચ મંજુબેન હાલાઇ ,મયંકભાઇ તથા મોટીસંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.