ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. એક જાણીતી અભિનેત્રીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે અને આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ખૂબ જ નાની ઉંમરમાં અભિનેત્રીનું આ રીતે દુઃખદ અવસાન થતાં ચાહકો દુઃખી થઇ ગયા છે.
અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડી ક્રુઝનું નિધન
તેલુગુ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી ગાયત્રી ઉર્ફે ડોલી ડી ક્રુઝ (Gayathri aka Dolly D Cruze)નું 26 વર્ષની વયે માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. અભિનેત્રી જે કારમાં મુસાફરી કરી રહી હતી તે કારનો હૈદરાબાદના ગચીબોવલી વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. અહેવાલો અનુસાર, આ દુર્ઘટનામાં અભિનેત્રીના મિત્રનું પણ મૃત્યુ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોડ પર ડિવાઈડર સાથે અથડાતા પહેલા કારે નિયંત્રણ ગુમાવ્યું હતું અને કાર પલટી મારી ગઈ હતી.
સ્થળ પર જ થયું મૃત્યુ
દેખીતી રીતે અભિનેત્રીને સ્થળ પર મૃત જાહેર કરવામાં આવી હતી, જ્યારે તેના મિત્રનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. અહેવાલો સામે આવ્યા છે કે, કાર એક 38 વર્ષીય મહિલા સાથે પણ ટકરાઈ હતી, જે મહિલા કાર પલટી જવાને કારણે કારની નીચે ફસાઈ ગઈ હતી. અહેવાલો સૂચવે છે કે ડોલી ડી ક્રુઝની જેમ, મહિલાએ પણ અકસ્માત સ્થળે અંતિમ શ્વાસ લીધા હતા.
ખૂબ પ્રખ્યાત હતી અભિનેત્રી ગાયત્રી
ગાયત્રી ઉર્ફે ડોલી ડીક્રુઝે શરૂઆતમાં તેની ગ્લેમરસ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ સિવાય તેની યુટ્યુબ ચેનલ, જલ્સા રાયડુ દ્વારા લોકપ્રિયતા મેળવી હતી. સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તેને વેબ સિરીઝ ‘મેડમ સર મેડમ આંટે’માં કામ કરવાની ઓફર મળી હતી. તે ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી હતી. અભિનેત્રીના આકસ્મિક અને આઘાતજનક અવસાનથી સોશિયલ મીડિયાની દુનિયા તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણાને આઘાત લાગ્યો છે. ચાહકો હજુ પણ વિશ્વાસ નથી કરી શકતા કે ડોલી ડી ક્રુઝ હવે આ દુનિયામાં નથી.