જામનગર ખાતે આયોજીત ‘ગરીબ કલ્યાણ મેળા’માં પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુ ખાણ દાણ સહાય યોજનાનો
શુભારંભ તેમજ શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર એનાયત કરાયા
રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૩.૬૩ કરોડના ખર્ચે પશુ ખાણ દાણ સહાય યોજના અમલી
પશુપાલક દીઠ એક ગાભણ થયેલ ગાય/ભેંસ માટે કુલ ૨૫૦ કિગ્રા
પશુપાલક દીઠ એક વિયાણ થયેલ ગાય/ભેંસ માટે કુલ ૧૫૦ કિગ્રા દાણનું ૧૦૦ ટકા રાહત દરે વિતરણ
શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના હેઠળ રૂ.૫૦,૦૦૦ સુધીનો પુરસ્કાર એનાયત
જામનગર ખાતે આયોજીત ‘ગરીબ કલ્યાણ મેળા’માં પશુપાલન મંત્રી રાઘવજી પટેલના હસ્તે પશુ ખાણ દાણ સહાય યોજનાના લાભાર્થીઓને ખાણ દાણ વિતરણનો શુભારંભ તેમજ પશુપાલન ખાતા અંતર્ગત શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર યોજના અંતર્ગત પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા.
પશુપાલન મંત્રીએ જણાવ્યું હતુ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગાય-ભેંસ સહિત વિવિધ પશુઓના પોષણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે પશુપાલન ખાતા દ્વારા ગર્ભસ્થ બચ્ચાંના વિકાસ માટે ગર્ભાવસ્થાના સમય, વિયાણ બાદણા અતિ મહત્વના સમયગાળામા પશુઓનું સારૂ સ્વાસ્થ્ય ટકાવવા માટે તેમજ ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મેળવવા પશુપાલકો પોતાના પશુઓને યોગ્ય પોષણક્ષમ સમતોલ આહાર પુરો પાડી પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન મેળવી શકે તે માટે રાજ્ય સરકારે રૂ. ૪૩.૬૩ કરોડના ખર્ચે ૯૪,૪૫૦ લાભાર્થીઓને લાભાન્વિત કરવાની પશુ ખાણ દાણ સહાય યોજના અમલી બનાવી છે.
આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પશુઓનાં પોષણ માટે પશુપાલક દીઠ એક ગાભણ થયેલ ગાય/ભેંસ માટે કુલ ૨૫૦ કિગ્રા અને પશુપાલક દીઠ એક વિયાણ થયેલ ગાય/ભેંસમાં માટે કુલ ૧૫૦ કિગ્રા દાણ ૧૦૦ ટકાના રાહત દરે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો મારફતે વિતરણ કરવાની વ્યવસ્થા કરાઇ છે તેમ મંત્રીએ ઉમેર્યુ હતું.
મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે સમગ્ર રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમોમાં પશુપાલન ક્ષેત્રે સફળ અને શ્રેષ્ઠ કામગીરી કરતા રાજ્યના કુલ ૫૬૬ પશુપાલકોને કુલ રૂ. ૪૬.૬૫ લાખના ખર્ચે પશુપાલકોને રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે.
જામનગર ખાતેના આ કાર્યક્રમમાં પશુપાલન ખાતાની “શ્રેષ્ઠ પશુપાલકોને પુરસ્કાર”ની યોજના હેઠળ રાજ્ય કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પર વિજેતા થયેલ કુલ ચાર શ્રેષ્ઠ પશુપાલકોને અનુક્રમે રૂ.૫૦,૦૦૦/-, રૂ.૩૦,૦૦૦/- અને
રૂ.૨૦,૦૦૦/-ના પ્રતીકાત્મક ચેક તેમજ પુરસ્કારના પ્રમાણપત્ર મંત્રી હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સ્થાન પર પાટણ જિલ્લાના ઝાલા વિજયસિંહ નરેન્દ્રસિંહ, દ્વિતીય સ્થાન પર કચ્છ જિલ્લાના ગોયલ સોનલબેન નારણભાઈ તથા તૃતીય સ્થાન પર ભરૂચ જિલ્લાના સોલંકી દિલીપસિંહ શનુભાઈ અને બનાસકાંઠા જીલ્લાના રાજપૂત મોંઘીબેન વર્ધસિંહનો સમાવેશ થાય છે. પુરસ્કાર મેળવનાર તમામ શ્રેષ્ઠ પશુપાલકોને પશુપાલન મંત્રીએ ખાસ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ગરીબ કલ્યાણ મેળા”માં સ્થાનિક પદાધિકારીશ્રીઓ, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, કમિશનર, પશુપાલન ખાતાના અધિકારીઓની હાજરીમાં લાભાર્થીઓને ખાણદાણ વિતરણ કરી યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો.