હાલ લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ અંગ દઝાડતી ગરમી વચ્ચે લોકોને મોંઘવારી પણ દઝાડી રહી છે. મોંઘવારી છેલ્લા ઘણા સમયથી જાણે બેકાબૂ બની રહી હોય તેમ દરેક વસ્તુના ભાવ વધવા લાગ્યા છે.
પેટ્રોલ-ડીઝલ, સીએનજી સહિત ખાદ્ય તેલ, લીલા શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. લીલા શાકભાજી બાદ કઠોળના ભાવ આસમાને પહોંચી ગયા છે. આમ કઠોળનો સ્વાદ પણ ગૃહિણી માટે મોંઘો થયો છે.
કઠોળમાં પ્રતિ કિલોએ 5થી 10 રૂપિયાનો વધારો થઈ ગયો છે. જેના લીધે હવે ગુજરાતી થાળીમાંથી કઠોળ પણ ગાયબ થઈ ગયું છે. હાલ કિલો મગના 90 રૂપિયા છે જે પહેલા 85 રૂપિયા હતા. જો ચોળાની વાત કરીએ તો હાલ 80 રૂપિયે કિલો ચોળા બજારમાં મળે છે. જે પહેલા 75 રૂપિયે મળતા હતા.
તેમજ 76 રૂપિયે કિલો મળતા મસુરના ભાવમાં પણ ચાર રૂપિયાનો વધારો થયો છે, આમ મસુર 80 રૂપિયે કિલો બજારમાં વેચાઈ રહ્યા છે. તો કાબુલી ચણામાં કિલોએ 6 રૂપિયાનો વધારો થયો છે. જે બજારમાં પહેલા 90 રુપિયામાં મળતા હતા. કાળા અડદના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો ઝીંકાયો છે. જે પહેલા 80 રૂપિયે કિલો મળતા હતા. હાલ તેનો નવો ભાવ 84 રૂપિયા થયો છે.