અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં
રૂા. ૪૧૭૬ લાખથી વધુ રકમનાં કામોને સ્ટેન્ડિંગ કમિટીએ આપેલ મંજૂરી
મેયરકિરીટભાઈ પરમાર, ડે. મેયર ગીતાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ, ભાજપ નેતાશ્રી ભાસ્કરભાઈ ભટ્ટ તથા દંડક અરૂણસિંહ રાજપૂતે માહિતી આપતા જણાવ્યું કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં સેન્ટ્રલ ઓફિસ, ઈ-ગવર્નન્સ તેમજ વોટર સપ્લાય એન્ડ સુઅરેજ અને રોડ્ઝ એન્ડ બિલ્ડીંગ કમિટીના કામોને મંજૂરી આપી છે.
આજની મિટીંગમાં સેન્ટ્રલ ઓફિસ ખાતા દ્વારા એસ્ટેટ / સીટી પ્લાનિંગ ખાતામાં ચીફ સીટી પ્લાનર તરીકે નિમણૂંક પામેલ અને ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ જી. પટેલ વયમર્યાદાના કારણે તા. ૩૧-૮-૨૦૨૨ના ઓફિસ અવર્સ બાદ નિવૃત્ત થનાર હોઈ તેઓના ટેકનિકલ અને વહીવટી કામગીરીના બહોળા અનુભવને ધ્યાને લઈ રાજ્ય સરકારની મંજુરીની અપેક્ષાએ તા. ૧-૯-૨૦૨૨ થી એક વર્ષ માટે કોન્ટ્રાક્ટથી રોકવાના કામને મંજુરી આપવામાં આવી.
વધુમાં, ઈ-ગવર્નન્સ ખાતા દ્વારા રજૂ થયેલ કામો પૈકી અ.મ્યુ. કોર્પોરેશનના કર્મચારીઓને જી.પી.એસ. બેઇઝ હાજરી તથા એમ-ચલણ અને ફિલ્ડ વર્ક મોનિટરીંગ માટે COTS બેઇઝ મોબાઈલ એપ્લીકેશનની કામગીરી માટે રૂા. ૨૫૦ લાખથી વધુના કામને તેમજ અ.મ્યુ. કોર્પો.ના જુદા જુદા વિભાગો માટે કોમ્પ્યુટર અને ઓલ-ઈન-વન પ્રિન્ટર્સ રૂા. ૧૬૩ લાખથી વધુના ખર્ચે ખરીદ કરવાના કામોને મંજુરી આપવામાં આવી.
વોટર સપ્લાય એન્ડ સુઅરેજ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી દક્ષિણ પશ્ચિમ, ઉત્તર, પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ઝોન ખાતે જુદા જુદા વોર્ડોમાં ડ્રેનેજ લાઈન / સ્ટ્રોમ વોટર લાઈન સી.સી.ટી.વી. કેમેરા તેમજ સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવાનું કામ, સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનોની કોમ્પ્રિહેન્સીવ ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી, પાણીની લાઈનના નેટવર્કમાં સુધારા-વધારા કરવા તથા નવી નાંખવા, પાણીના લીકેજ રીપેરીંગ કરવા, પાઈપલાઈનમાં આવતું પ્રદુષણ દૂર કરવા, એસ.ટી.પી. બનાવવા / અપગ્રેડ કરવા, માઈક્રો ટનલીંગ પદ્ધતિથી ડ્રેનેજ લાઈન નાંખવા / અપગ્રેડ કરવા, મેનહોલ, ચેમ્બર રીપેરીંગ, જુની ડ્રેનેજ લાઈન તથા સ્ટ્રોમ વોટર લાઈન બ્રેકડાઉન રીપેરીંગ કરવા માટે કુલ રૂા. ૬૮૫ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી દ્વારા રજૂ કરવામાં આવેલ કામો પૈકી પૂર્વ, દક્ષિણ પશ્ચિમ, મધ્ય, ઉત્તર પશ્ચિમ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનના જુદા જુદા વોર્ડોમાં અર્બન હેલ્થ સેન્ટર, પે એન્ડ યુઝ, મ્યુ. સ્કુલ, આંગણવાડી વગેરે અન્ય મ્યુ. બિલ્ડીંગોમાં જરૂરી સિવીલ વર્ક કરવા, નવી આંગણવાડી બનાવવી, નિંભાડા પથ્થર પેવિંગ કરવા, રામ મંદિર થીમ બેઝ સર્કલ બનાવવા, રસ્તાઓ પર મીલીંગ કરી પોટ હોલ રીપેરીંગ અને હેવી પેચવર્ક કરવા, સેન્ટ્રલ વર્જ તથા ફુટપાથનું નવીનીકરણ, આર.સી.સી. રોડ બનાવવા, પેવર બ્લોક નાખવા, મ્યુ. કોર્પો. હસ્તકના પ્લોટોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે કુલ રૂા. ૮૭૮ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
ધ નેશનલ અર્બન હાઉસીંગ એન્ડ હેબીટેટ પોલીસી – ૨૦૦૭ અન્વયે સેલ્ટર ફોર અર્બન હોમલેસ યોજના અંતર્ગત અ.મ્યુ. કોર્પો.ના ઉત્તર પશ્ચિમ ઝોનના ઘાટલોડીયા – ચાંદલોડીયા – સોલામાં, પશ્ચિમ ઝોનના વાસણા વોર્ડમાં તેમજ દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં એમ જુદી જુદી જગ્યાઓએ સેલ્ટર હોમ બનાવવાના કામો માટે કુલ રૂા. ૨૨૦૦ લાખથી વધુના કામોને મંજુરી આપવામાં આવી.
સમગ્ર શહેરમાં ફક્ત આર.સી.સી. / સી.સી. ના બાંકડા મુકવા માટેની એક સમાન નીતિ બનાવવાની તેમજ બજેટ અંગે અગાઉ પ્લાનીંગ ખાતાના થયેલ તમામ સરક્યુલર મુજબ જ કાર્યવાહી કરવાની રજૂ થયેલ દરખાસ્તના કામને મંજુરી આપવામાં આવી.
વધુમાં, તાકીદના કામ તરીકે રજૂ થયેલ “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી અંતર્ગત તા. ૧૩-૮-૨૨ થી તા. ૧૫-૮-૨૨ દરમ્યાન ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે અ.મ્યુ. કોર્પોરેશનના કાઉન્સિલરશ્રીઓને તેઓના વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાંથી લઘુત્તમ રૂા. ૫૦,૦૦૦/- અને મહત્તમ રૂા. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બજેટ ફાળવવા રજૂ થયેલ દરખાસ્તના કામને મંજુરી આપવામાં આવી.