વન રક્ષક કર્મચારી મંડળ ની જાહેરાત હડતાળ મોકૂફ
વન રક્ષક કર્મચારી મંડળની બંને મહત્વની માંગણીનો સ્વીકારાઈ : પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી
જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો સ્વીકાર થતાં હડતાળ મોકૂફ
*
ગુજરાત રાજ્ય વન રક્ષક કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલી મંત્રીશ્રીઓની કમિટી સાથે મળી હતી. આ બેઠકમાં મંડળના હોદ્દેદારો સાથે ચર્ચા વિમર્શ કરી તેમની બંને મહત્વની માંગણીનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે.
રાજય સરકાર ના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ મંડળની મુખ્ય માંગણીઓ જાહેર રજાના દિવસોમાં બજાવેલ ફરજનો રજા પગાર તેમજ વોશિંગ એલાઉન્સની માંગણીઓનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. તે ઉપરાંત જે નીતિવિષયક બાબતો છે તે અંગે કર્મચારીના હિતને લક્ષમાં રાખીને યોગ્ય નિર્ણય કરવામાં આવશે એવું પણ જણાવ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વન રક્ષક કર્મચારી મંડળની આ બે માગણીઓ ખૂબ જ જૂની હતી અને આજે રાજ્યના મુખ્યમંત્રીએ તેમની માગણીઓને સમર્થન આપી એક ઐતિહાસિક પળનું નિર્માણ કર્યું છે, તેવું મંડળ પણ સ્વીકાર્યું છે.
આ મંડળ દ્વારા તેમની આ બંને માગણીઓ સ્વીકારવાની સાથે જ તેઓ છેલ્લા થોડાક સમયથી હડતાલ ઉપર હતા તે હડતાલ તેમને તાત્કાલિક ધોરણે મોકૂફ રાખી છે અને તેઓ પોતાની ફરજ ઉપર હાજર થશે તેવું પણ જણાવ્યું છે. મંડળ સાથેના સમાધાનને વન રક્ષક કર્મચારી મંડળના પ્રમુખ પ્રવીણસિંહ વી ચૌહાણએ પણ સ્વીકાર કર્યો છે અને તેઓના મંડળના સર્વે સભ્યો આવતીકાલથી પોતાની ફરજ ઉપર હાજર થશે