અમદાવાદ
અદાણીની અદા! બદમાશ મૂડીવાદ પ્રો. હેમંતકુમાર શાહ,
ગૌતમ અદાણીએ તેમની કંપનીનો ₹ ૨૦૦૦૦ કરોડનો ઇસ્યુ રદ કરવાની અને રોકાણ કરનાર સૌને પૈસા પાછા આપવાની જાહેરાત આજે મોડી રાતે કરી છે.
અમેરિકાની હિડેનબર્ગ રિસર્ચ કંપની દ્વારા અદાણી જૂથની કંપનીઓ પર હિસાબી ગોટાળાના આક્ષેપો મૂકાયા પછી અદાણી જૂથની કંપનીઓના શેરના ભાવમાં ભારે કડાકો બોલાયો હતો.
પરંતુ જૂથની મુખ્ય કંપનીનો ₹ ૨૦,૦૦૦ ઇસ્યુ ચાલુ રાખવામાં આવ્યો હતો.
નાના રોકાણકાર લોકો તો અદાણી જૂથની કંપનીઓના શેરના વેચવાલ હતા, એટલે ખરીદે કોણ? રસપ્રદ બાબત એ હતી કે તેમ છતાં કેટલીક નાણાં સંસ્થાઓ અને બેન્કો તથા ઉદ્યોગપતિઓએ બજાર ભાવ કરતાં પણ વધારે ભાવે શેર ખરીદ્યા હતા! આ એક બીજા જ કાવતરાનો ભાગ હતું. ઇસ્યુમાં ₹૨૦૦૦૦ કરોડ મળત નહિ તો ભારે ભવાડો થાત.
ગૌતમ અદાણીએ ઈજ્જત બચાવવા માટે પહેલેથી જ એ બધાને કહ્યું હોઈ શકે કે “પહેલાં ભરી દો પૈસા, પછી હું ઇસ્યુ કેન્સલ કરીને પૈસા પાછા આપી દઈશ.” આમ, સાપ મારે નહિ અને લાકડી ભાંગે નહિ એવો કારસો રચાયો!
લોકોની આંખમાં ધૂળ નાખવાનો આ અદ્ભુત કિસ્સો છે. આ બદમાશ મૂડીવાદ (crony capitalism)નું વરવું સ્વરૂપ છે.
ખરેખર તો સેબી અને ભારત સરકારે અદાણી જૂથની કંપનીઓ સામેના આરોપો તપાસવા માટે એક સમિતિની રચના કરીને એક મહિનામાં તેનો અહેવાલ મેળવીને પગલાં લેવાં જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સનો પારદર્શિતાનો સિદ્ધાંત એની માગણી કરે છે હવે તો.
એ યાદ રહેવું જોઈએ કે, અમેરિકામાં એનરોન કોર્પોરેશન નામની કંપનીના અને ભારતમાં સત્યમ કોમ્પ્યુટર નામની કંપનીના આ જ પ્રકારના હિસાબી ગોટાળા બહાર આવ્યા ત્યારે રોકાણકારોની દશા બગડી ગઈ હતી. અને એ વાતની યાદ અપાવું કે ૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ ટકેલી અટલ બિહારી વાજપેયીની સરકારે એક જ કામ કરેલું અને તે એ કે કૌભાંડી એનરોન કોર્પોરેશનના મહારાષ્ટ્રના દાભોલ પાવર પ્લાન્ટને મંજૂરી આપવાનું!
પણ શું અદાણી સામે તપાસ થશે? કોઈ પગલાં લેવાશે?
આવા સવાલો નહીં પૂછવાના, યાર. અદાણીએ હમણાં જ કહ્યું હતું કે એમની કંપનીઓ પરનો હુમલો તો ભારત સામેનો હુમલો છે.
અને હા, અદાણીની કંપનીમાં અબુ ધાબીના શેખ તાહનુન બિન ઝાયેદની કંપનીએ ₹ ૩૨૦૦ કરોડનું રોકાણ કર્યું હતું!
બોલો,
હિંદુ રાષ્ટ્રની
ભારત માતા કી જય!
પ્રો. હેમંતકુમાર શાહ,