નેશનલાઈઝ બેંકો અને ફાયનાન્સ કંપનીઓને કરોડોનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઈ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું છે. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.
સાંડેસરાના બંગલાનું ઈન્ટરિયર ડિઝાઈન શાહરુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાનના સંપર્કમાં આવ્યો હતો. મની લોન્ડરિંગના કેસમાં નીતિન સાંડેસરા, તેમના ભાઈ ચેતન સાંડેસરા તથા તેમના પત્ની દિપ્તી સાંડેસરા અને પરિવારના અન્ય એક સભ્ય હિતેશ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવેલા છે.
તેમને વિદેશથી પાછા લાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે તેવુ સરકારનું કહેવુ છે. કેસમાં અત્યાર સુધી 5 ચાર્જશીટ ફાઈલ થઈ ચુકી છે. આ કેસમાં આંધ્ર બેંક સહિતની બેંકો સાથે લોનની 16,000 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ સ્ટર્લિંગ ગ્રુપના સાંડેસરા બંધુઓ પર મુકાયેલો છે.
ED દ્વારા 2017માં CBIની ફરિયાદના આધારે સાંડેસરા બંધુઓ સામે આ કેસમાં કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. EDનું કહેવું છે કે, અત્યાર સુધીમાં સાંડેસરા બંધુઓની 14,543 કરોડની સંપત્તિ ટાંચમાં લેવાઈ છે.