નર્મદા પરિક્રમાવાસીઓની સેવામાં સમર્પિત મીઠીતલાઈના યુવાનોની અનોખી કહાણી !!
આમ તો, નર્મદાજીના કાંઠે સેવાની સરવાણી અવિરત વહ્યા કરે છે. પણ આજે એવા સેવાક્ષેત્રની વાત કરવી છે જ્યાં, સેવાની પરમ ઉત્કાંઠા, અપાર સહિષ્ણુતા અને નિઃસ્વાર્થ ભાવનાનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ભરુચ જિલ્લાના દહેજ પાસેના મીઠી તલાઈ ગામનું કદાચ તમે નામ સાંભળ્યું નહીં હોય પણ જો તમે જીવનમાં ક્યારેય નર્મદા પરિક્રમા કરી હશે તો મીઠી તલાઈને અચૂક જાણતા હશો. અલબત્ત, તમે મીઠી તલાઈના ભુતનાથ યુવક મંડળના સદાવ્રતનો લાભ પણ તમે ચોક્કસ લીધો હશે.
મણિનગર તોડ કાંડમાં માછલીઓ વિરુધ્ધ એફઆઇઆર-મગરમચ્છ સામે ક્યારે પગલા !
વાત એવી છે કે, નર્મદાજીની પરિક્રમા અમરકંટકથી શરુ થાય છે અને તેનો બીજો છેડો અંકલેશ્વર નજીકના હાંસોટ પાસેના વિમળેશ્વર સુધી છે. વિમળેશ્વર પાસે નર્મદાજીનો સાગર સાથે સંગમ થાય છે. આ તીર્થક્ષેત્રે પહોંચ્યા પછી પરિક્રમાવાસીઓ બોટમાં બેસીને લગભગ ત્રણેક કલાકની દરિયાઈ મુસાફરી કરીને બીજા છેડે એટલે કે, દહેજ પાસેના મીઠી તલાઈ પહોંચે છે. પરિક્રમાવાસીઓની બોટને લાંગરવા માટે મીઠી તલાઈ પાસે ખાસ જેટી પણ બનાવવામાં આવી છે. આ જેટી પાસે બોટ રોકાય અને પરિક્રમાવાસીઓ જેવા નીચે ઉતરે કે, સામે જ ભુતનાથ યુવક મંડળના કાર્યકરો ભાવપૂર્વક તેમને તેડવા આવે છે.
મીઠી તલાઈથી પરિક્રમાવાસીઓની સામા છેડાની લગભગ 1600 કિલોમીટરની પદયાત્રા શરુ થતી હોય છે. એટલે વિસામો, વિશ્રામ કે, પછી આરામ માટે પરિક્રમાવાસીઓ ગણતરીના સમય માટે અહીં રોકાતા હોય છે. મીઠી તલાઈમાં ભુતનાથ યુવક મંડળના લગભગ ત્રીસેક કાર્યકરો પરિક્રમાવાસીઓની શ્રધ્ધાપૂર્વક, નિઃસ્વાર્થ સેવા કરે છે. તેમને ભાવતા ભોજન જમાડે છે.
પરિક્રમાવાસીઓને પોતાના પરિવારના સદસ્યની જેમ સાચવે છે. કોઈને કશી વસ્તુની જરુર હોય તો વિનામૂલ્યે લાવી આપે છે. કોઈ બિમાર હોય તો તેની સારવાર કરાવે છે. કોઈને આરામ કરવો હોય તો એની વ્યવસ્થા કરી આપે છે. કોઈને એકાદ-બે દિવસ રોકાવુ હોય તો તેની રહેવાની સગવડ કરી આપે છે.
ભુતનાથ યુવક મંડળના અગ્રણી જયેન્દ્રસિંહ રાણા કહે છે કે, અમારા મંડળમાં ત્રીસેક યુવકો કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના માત્ર સેવા આપે છે. અમે પરિક્રમાવાસીઓની ક્ષુધા શાંત કરવાનો સેવાયજ્ઞ ચલાવીએ છીએ. વિમળેશ્વરથી બોટ મારફતે મીઠી તલાઈ આવનારા પરિક્રમાવાસીઓને અમે ચા-નાસ્તાની સેવા આપીએ છીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતાડવા પીએમ મોદીને તેમના ભાઇ કરશે કેવી રીતે મદદ !
અમારે ત્યાં રોજ બસ્સોથી વધુ પરિક્રમાવાસીઓ આવતા હોય છે એટલે અમારે એમની સંખ્યાના આધારે ચા-નાસ્તાનો પ્રબંધ કરવાનો રહે છે. આ સેવાયજ્ઞ બારેમાસ ચાલતો હોવાથી અમારે એની આગોતરી વ્યવસ્થા પણ કરવી પડે છે. અમારી પાસે વિમળેશ્વરના બોટ ચાલકોના મોબાઈલ નંબરો છે એટલે બીજા દિવસે કેટલા પરિક્રમાવાસીઓ મીઠી તલાઈ આવશે એની આગોતરી જાણકારી અમે મેળવી લઈએ છીએ. એટલે બીજા દિવસની તૈયારી આગલી રાત્રે જ થઈ જાય છે.
અમારા મંડળના લગભગ બધા જ કાર્યકરો નોકરિયાત છે. કો’કને ફર્સ્ટ શિફ્ટમાં નોકરીએ જવાનુ હોય તો કો’કને બીજી કે, ત્રીજી શિફ્ટમાં જવાનુ હોય. એટલે બીજા દિવસે ક્યાં સમયે કોણ સેવામાં હાજર રહેશે તેની જાણકારી મેળવી લેવાય છે. અમારુ અલાયદુ વોટ્સએપ ગૃપ છે અને તેના માધ્યમથી અમે એકબીજાના સંપર્કમાં રહીએ છીએ.
તમને જાણીને આશ્ચર્ય થશે કે, જ્યારથી અમે પરિક્રમાવાસીઓની સેવા શરુ કરી છે ત્યારથી અમને કે, અમારા પરિવારને કોઈ મોટી તકલીફ પડી નથી અને એટલે જ અમે બધા પોતપોતાના સમયે નિયમીત સેવાયજ્ઞમાં શ્રમની આહુતિ આપવા હંમેશા ખડેપગે હાજર રહીએ છીએ.
ભુતનાથ યુવક મંડળના કાર્યકર સુરેશ પરમાર કહે છે કે, મીઠી તલાઈ ગામે આવનારા પરિક્રમાવાસીઓ પૈકીના કેટલાક સમુદ્ર પંચકોશી યાત્રા પણ કરતા હોય છે. આ પદયાત્રા ખૂબ જ કઠિન છે. યાત્રા કરનારા વ્યક્તિને દરિયાના કાદવ-કિચડ વાળા રસ્તે અને ખતરનાક જંગલમાંથી પસાર થવુ પડે છે. ઘણી વાર એવુ પણ બને છે કે, પદયાત્રી રસ્તો ભુલી જાય કે, દરિયાકાંઠે અટવાઈ પડે. આવા સંજોગોમાં અમે તેમને શોધીને મીઠી તલાઈ પહોંચવામાં મદદરુપ બનીએ છીએ.
અમારી સંસ્થાના અગ્રણીઓ હંમેશા કહે છે કે, પરિક્રમાવાસી ઈશ્વરનું સ્વરુપ હોય છે. એટલે એમની સેવામાં કોઈ કચાશ ના રહેવી જોઈએ. અમે અમારા વડિલોની વાતને માનીને પ્રત્યેક પરિક્રમાવાસીની ભાવપૂર્વક સેવા કરીએ છીએ. ભુતનાથ યુવક મંડળના વડિલ અગ્રણી નરેન્દ્રસિંહ બાપૂ કહે છે કે, નર્મદાજીનો 3600 કિલોમીટરનો કાંઠો સેવાભાવથી ભરેલો છે. અહીં નર્મદે હર…એટલા પાંચ અક્ષરનો મંત્ર ઉચ્ચારે એટલે ભુખ્યાને ભોજન, તરસ્યાંને પાણી, બિમારને સારવાર અને થાક્યાને આશરો અચૂક મળે છે.
નર્મદાજીની કૃપાથી પરિક્રમાવાસીને જંગલમાં પણ ખાવા માટે રોટલો અને વિશ્રામ માટે ઓટલો જરુર મળે છે. તેવી જ રીતે પરિક્રમાવાસીની સેવા કરનારા ભાવિકોના માથે માં નર્મદાજીના આશીર્વાદ હંમેશા રહે છે. માં નર્મદાજીના આશીર્વાદ હંમેશા અમારી ઉપર રહે અને મીઠી તલાઈમાં પરિક્રમાવાસીઓનો સેવાયજ્ઞ પણ અવિરત યાલ્યા કરે એ જ ઈચ્છા સાથે અસ્તુ.
નર્મદે હર…