ગાંધીનગર સ્થિત વસ્તી ગણતરી નિયામકશ્રીની કચેરી દ્વારા
બે દિવસીય મૌખિક શબ પરીક્ષણ તાલીમનો પ્રારંભ
રાજ્યના કુલ 478 ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ(SRS) અંતર્ગત મૃત્યુનાં કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરાશે
ગાંધીનગર સ્થિત વસ્તી ગણતરી નિયામકશ્રીની કચેરી દ્વારા વ્યક્તિના મૃત્યુ સમયનાં લક્ષણો અને કારણોની જાણકારી
મેળવવા માટે નમૂના નોંધણી પદ્ધતિ(SRS) અંગેની બે દિવસીય તાલીમનું આયોજન અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામકની
કચેરી, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જેનો પ્રારંભ આજે વસતી ગણતરી નિયામક આર્દ્રા અગ્રવાલ દ્વારા
કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત તાલીમાર્થીઓ સમક્ષ તાલીમનો હેતુ સ્પષ્ટ કરી, આ પદ્ધતિની ભવિષ્યમાં ઉપયોગીતા અંગે
માહિતી આપતા વસ્તી ગણતરી નિયામકએ જણાવ્યું કે આ વિશ્લેષણ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાં થતાં મૃત્યુનાં
કારણોની જાણકારી મેળવવામાં આવશે. જેના આધારે ભવિષ્યમાં આ માહિતી થકી મૃત્યુના કારણો અને વિવિધ રોગની જાણકારી
તથા મૃત્યુનાં લક્ષણો વિશે માહિતી મેળવી શકાશે. પરિણામે વર્તમાન સમયમાં કરવામાં આવી રહેલી આ કામગીરીને તેમાં
જોડાયેલા કર્મયોગીઓ માટે જવાબદારી ગણાવી હતી. જેનો ફાયદો ભવિષ્યની પેઢીને થશે.
વસ્તી નિયામકની કચેરીના કાર્યક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ઉપરાંત દાદરા અને નગર હવેલી, દમણ અને દીવનો પણ
સમાવેશ થાય છે. આજે તાલીમના પ્રથમ દિવસે એઇમ્સના તજ્જ્ઞો દ્વારા કુલ 90 જેટલા ક્ષેત્રીય સુપરવાઇઝરોને તાલીમ
આપવામાં આવી હતી. આ તમામ તાલીમાર્થીઓ દ્વારા આવતીકાલે તા.22ના રોજ ફિલ્ડની કામગીરી કરી, પસંદ કરાયેલાં કુલ
478 જેટલા ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સેમ્પલ સરવેની કામગીરી કરી, મૌખિક શબ પરીક્ષણ દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડો
મુજબ નિર્ધારિત સ્વરૂપમાં માહિતી અને નમૂના એકત્રિત કરવામાં આવે છે.
ત્યાર બાદ નવી દિલ્હી સ્થિત એઇમ્સના તજ્જ્ઞો દ્વારા મૌખિક શબ પરીક્ષણ દ્વારા એકત્રિત કરવામાં આવેલ
માહિતીનું વિશ્લેષણ કરી, આવશ્યકતા અનુસાર નવા સંશોધનો કરવામાં આવશે. ક્ષેત્રીય સ્તરે કામગીરી કરનારા સુપરવાઇઝરો
દ્વારા મૃત્યુનાં ચોક્કસ કારણો અને લક્ષણોની માહિતી એકત્ર કરવાની કુશળતામાં સુધારો કરવાનો આ તાલીમનો મુખ્ય હેતુ છે.
આ તકે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક ડૉ. રાકેશ આર. પંડ્યા, બી.જે. મેડિકલ કૉલેજ, અમદાવાદ અને
પી.ડી.યુ. મેડિકલ કૉલેજ, રાજકોટ ડૉ. રાજકુમાર મહાજન અને ડૉ. નિલેશ ફિચડીયા દ્વારા એઇમ્સ વતી તાલીમ આપવામાં
આવી હતી. જ્યારે વસ્તી ગણતરી નિયામકની કચેરીના સંયુક્ત નિયામક રાજેશ એન. માલવિયા, ડૉ. ભાવેશ મહેતા, નાયબ
નિયામક સંચિતા સરકાર સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.