ગુજરાત
પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા ખાતે મેડીકલ કેમ્પ નું કરાયું આયોજન
સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થાના મહાનિદેશક આર.સી.મીના, IASના માર્ગદર્શન હેઠળ પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણા દ્વારા રચનાત્મક પ્રવૃત્તિના ભાગરૂપે મહેસાણા જિલ્લા આરોગ્ય તંત્રના સહયોગથી સ્પીપા ખાતે તાલીમ લઈ રહેલા ૧૧૭ તાલીમાર્થીઓ તથા સ્ટાફ સહિત ૧૫૨ વ્યક્તિઓની પ્રાથમિક આરોગ્યની તપાસ માટે તા.૦૯.૦૨.૨૦૨૩ના રોજ નિ:શુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. તાલીમાર્થીઓને તાલીમ સાથે તેઓના સ્વાસ્થ્યની સારસંભાળ પણ મળી રહે તેવું ઉત્તમ કાર્ય મહાનિદેશકશ્રી આર.સી.મીનાના નેતૃત્વમાં પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણાએ હાથ ધર્યું છે. પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણાનું આ કાર્ય ગુજરાતમાં કર્મયોગી સ્વસ્થ રહીને સરકારશ્રીના સુશાસન અને નિરોગી ગુજરાત બનાવવાના લક્ષને સાકાર કરવામાં મદદરૂપ થશે. “જો રહેગા કર્મયોગી સ્વસ્થ તભી તો રહેગા નિરોગી ગુજરાત.”
મહેસાણા જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મહેશકુમાર કાપડીયાની મેડીકલ ટીમના સંકલમાં રહી પ્રાદેશિક તાલીમ કેંદ્ર (સ્પીપા), મહેસાણાની ટીમ દ્વારા મેડિકલ કેમ્પના સુચારૂ આયોજન માટે વ્યવસ્થા કરવામાં આવી.
આ કેમ્પમાં ઇન્ચાર્જ તાલુકા હેલ્થ અધિકારી ડો અલકા પટેલ દ્વારા તાલીમાર્થીઓને નિયમિત હેલ્થ ચેકઆપનું મહત્વ સમજાવવામાં આવ્યું.
સદર મેડિકલ કેમ્પમાં તાલીમાર્થીઓ તથા સ્પીપાના સ્ટાફની પ્રાથમિક આરોગ્ય તપાસ હાથ ધરવામાં આવી. જેમાં વજન, ઊંચાઈ, BMI, બ્લડગૃપ, હિમોગ્લોબીન, RBS, બ્લડપ્રેશર વિગેરેની ચકાસણી કરવામાં આવી. પ્રાથમિક તપાસ બાદ તાલીમાર્થીઓને સ્પીપા મહેસાણા દ્વારા હેલ્થ કાર્ડ પૂરા પાડવામાં આવ્યા હતાં.
આ મેડીકલ કેમ્પમાં તાલીમાર્થીઓને તથા સ્પીપાના સ્ટાફ તેમજ ફેકલ્ટીને બિનચેપી રોગ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી. તેમજ આભા (ABHA- આયુષમાન ભારત હેલ્થ એકાઉન્ટ નંબર) કાર્ડ વિશે સમજ આપી હેલ્થ આઇ.ડી. બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું.
મેડિકલ કેમ્પના આયોજન દરમિયાન મહેસાણા જિલ્લા 108ની ટીમ દ્વારા 108 મોબાઈલ એપ્લિકેશનની માહિતી પણ આપવામાં આવી.
આમ, પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, મહેસાણા જે ૧૯૭૪થી બહુમાળી ભવન ખાતે કાર્યરત હતું જેના નવીન ભવનનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે તા.૦૯.૧૦.૨૦૨૨ના રોજ થયેલ છે. ઇ-લાયબ્રેરી, રીડીંગ રૂમ, સ્માર્ટ ક્લાસ રૂમ, એ.સી. હોસ્ટેલ જેવી અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ નવીન ભવન ખાતે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી એવા ૫ જિલ્લાના કર્મચારીઓની તાલીમ આપવામાં આવે છે. તેમજ UPSC તથા સ્ટાફ સીલેક્શન બોર્ડની પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે CGRSના પ્રશિક્ષણ વર્ગો ચલાવવામાં આવે છે. જેમાં એકસાથે કુલ ૫૦૦ તાલીમાર્થીઓ તાલીમ લઇ શકે છે.