અમદાવાદ
ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ
ગુજરાત સરકારના કયા કેબીનેટ પ્રધાન સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવતો પત્ર થયો વાયરલ
ગુજરાતમાં ટોલ પ્લાઝા પર ટ્રાફિક કલેક્શન માટેની 7 લાખની સિસ્ટમમાં સરકાર 70 લાખ ચુકવવા જઇ રહી છે, જેના માટે ગુજરાત સરકારના એક કેબિનેટ પ્રધાનની રહેમ નજર હેઠળ આ સમગ્ર કૌભાંડ થયાનો આરોપ લગાવતો પત્ર વાયરલ થયો છે,જેમાં સુરત કનેક્શન સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર સચીવાલયમાં આ કેબીનેટ પ્રધાનને લઇને ચર્ચાઓ ચરમપર છે,
પંચાત ટીવીને જે વાયરલ પત્ર હાથ લાગ્યો છે તે સીએમ ભુપેન્દ્ર પટેલને ઉદ્દેશીને લખાયુ છે, આ પત્ર બે પાનાનો છે, આ પત્રની અંદર સીધી રીતે રાજ્યસરકારના કેબીનેટ પ્રધાન પુર્ણેશ મોદી ઉપર આરોપ લગાવાયો છે,
પત્રના સારની વાત કરીએ તો વડા પ્રધાન નરેન્દ્રમોદીના સપના સમાન ડિજિટલ ઇન્ડિયાના ફાસ્ટટેગ સિસ્ટમ હાલ ગુજરાતના તમામ ટોલ પ્લાઝા પર સક્રીય છે,તેમ છતા વર્તમાન સમયમાં ધ્યાને આવતા મંત્રી પુર્ણેશ મોદીની રહેમ નજરે અને છત્ર છાયા હેઠળ સુરતની પ્રાઇવેટ એજન્સી એસ એમ ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડ બીજો માળ રાજ કોમ્પલેક્સ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સામે ઉભા ભવન ભટાર રોડ સુરત ગુજરાત 3950052ને માર્ગ અને મકાન વિભાગની હેઠળ આવતી કચેરી દ્વારા સરેરાશ રુપિયા અંકે 70 લાખની રકમનો પાયા વિહોણો તેમજ એજન્સીની લાયકાત ચકાસ્યા વગર કે કોઇ પણ જાતની જાહેર ખબર કે ટેન્ડર પ્રક્રીયા કે સમકક્ષ એજન્સીઓને જાણ કર્યા બારોબાર સત્તાના રુએ મંત્રીના નેજા હેઠળ ઓર્ડર આપવાની તજવીજ હાથ ધરીને સમગ્ર ઓર્ડર આપી દેવાયો છે,
સાથે આરોપ લગાવાયો છે કે જે કંપનીને કામ આપયો છે તે પુર્ણેશ મોદીના અંગત માનવામાં આવે છે, તેમનો ઘરોબો ગાંધીનગરથી માંડી તેમના સુરતના નિવાસસ્થાન સુધી છે, પરિણામે સીએમ ભુપેન્દ્ર પટેલને આ ફરિયાદ કરીને યોગ્ય તપાસ કરવાની માંગ કરાઇ છે,
વધુમાં જોઇએ તો
ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. (જીએસઆરડીસીએલ) અને સુરતની એસ.એમ. ટેક્નો કંસલ્ટન્ટ્સ પ્રા. લી. વચ્ચે 30 જુલાઈ, 2022ના રોજ એગ્રીમેન્ટ થયું છે. એગ્રીમેન્ટ મુજબ બગોદરા-તારાપુર-વાસદ સ્ટેટ હાઈવે નંબર-8 તારાપુર ટોલ પ્લાઝા ઉપર ફાસ્ટેગ સિસ્ટમ સમાંતર કોમર્શિયલ અને નોનકોમર્શિયલ વાહનોનું આઈડેન્ટિફિકેશન તેમજ ટ્રાફિક ડેટા કલેક્શન માટે વધુ એક સિસ્ટમ લગાડવામાં આવી રહી છે. નવી સિસ્ટમ લગાડવા માટે સરકાર આ કંપનીને આગામી 6 મહિના સુધી 70 લાખ રૂપિયા ચૂકવશે. પ્રાપ્ત માહિતી મુજબ આ ખાનગી કંપની અને રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ વચ્ચે ખૂબ જ નજીકના સંબંધ હોવાથી માત્ર પ્રપોઝલના આધારે કામગીરી ચોંપાઈ છે. નિગમ દ્વારા કૌભાંડ આચર્યા બાબતની મુખ્યમંત્રી સમક્ષ ફરિયાદ થઈ છે.
રાજ્યમાં નિગમ સંચાલિત કુલ 19 ટોલ પ્લાઝા છે. 7મી જુલાઈના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો બગોદરા-તારાપુર-વાસદ હાઈ-વેનું ઉદઘાટન કરી લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ હાઈવે ઉપર પહેલેથી ફાસ્ટેગ સિસ્ટમ ઈન્સ્ટોલ થયેલી છે. તેમ છતા સુરતની એક ચોક્કસ કંપનીને લાભ કરાવવા એગ્રીમેન્ટ થયો છે. વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું કે, આ સમગ્ર સિસ્ટમ પાછળ સાત લાખથી વધુનો ખર્ચ નથી તેમ છતા સરકાર આ કંપનીને 70 લાખ રૂપિયા ચૂકવશે.
સૂત્રોએ કહ્યું કે, 21 જુલાઈના રોજ એસ.એમ. ટેક્નો દ્વારા પ્રપોઝલ તૈયાર કરી જીએસઆરડીસીએલના ચેરમેન પુર્ણેશ મોદીની કચેરીમાં ઈનવર્ડ કરાઈ હતી. જેને નિગમના જનરલ મેનેજર પ્રોજેક્ટ ડી.કે.સોલંકીએ માત્ર 24 કલાકમાં એપ્રૂવલ આપી દીધી હતી તેમજ 30મી જુલાઈએ એગ્રીમેન્ટ કરી દેવાયું હતું. પ્રપોઝલ અને એગ્રીમેન્ટમાં જે યુનિક ફેસિલિટી અને ફિચર્સની સુવિધા આપવાની વાત થઈ રહી છે તે તમામ સુવિધા હાલની સિસ્ટમમાં ઉપલબ્ધ છે અને તેનો દરરોજ કમ્પ્યુટર જનરેટ રિપોર્ટ નિગમને મળી જ રહ્યોં છે.
સરકારમાં સોફ્ટવેર ડેવલપમેન્ટ, એપ્લિકેશન, વેબસાઈટ કે હાર્ડવેર અથવા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી કામગીરી કરવા ગુજરાત ઈન્ફો પેટ્રો લી. અને સરકાર વતી કામ કરતી ગુજરાત ઈન્ફો લી. (જીઆઈએલ) એજન્સી મૂકવામાં આવેલી છે. સરકાર માન્ય આ બંને એજન્સીઓ સાથે વિમર્શ કર્યા વગર નિગમના અધિકારીઓએ બારોબાર એસ.એમ. ટેક્નોને કામગીરી સોંપી દીધી છે.
આમ આ વાયરલ પત્રમાં જે રીતે આરોપો લગાવવામા આવ્યા છે તે ખુબજ ગંભીર છે, અને આ અંગે યોગ્ય તપાસ થાય અને સાથે આ અંગે પુર્ણેશ મોદી હોય કે સરકાર આ અંગે યોગ્ય ખુલાસો આપે તે જરુરી પણ છે,
નોધ
પચાત ટીવી પાસે વાયરલ પત્ર અને જરુરી દસ્તાવેજો છે