મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગોસ્વામી સમાજનું ગાંધીનગરમાં સ્નેહમિલન યોજાયું
મુખ્યમંત્રીએ દશનામ સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ
મુખ્યમંત્રી-
એજ્યુકેશનથી ઇન્ડસ્ટ્રીઝ સહિતના તમામ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય
અત્યારે અમુક લોકો ગુજરાતના વિકાસની છબીને ધુંધળી કરવામાં લાગ્યા છે
કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં ગુજરાતે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ ન પ્રાપ્ત કર્યા હોય
ગુજરાત માનવ વિકાસના-જન સુખાકારીના તમામ પાસાંઓમાં બીજાને રાહ ચિંધી શકે તેટલું સક્ષમ રાજ્ય છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, હેલ્થ, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રકચર, ઇન્ડસ્ટ્રીઝ અને એનર્જી સહિતના તમામ ક્ષેત્રે ગુજરાત દેશનું અગ્રેસર રાજ્ય છે. ગુજરાતની અદ્યતન આરોગ્ય સુવિધાઓનો લાભ તો આસપાસના રાજ્યના લોકો ખૂબ મોટી સંખ્યામાં લેવા આવે છે અને નિરોગી-નિરામય બની પોતાના વતન રાજ્યમાં પરત ફરે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ગાંધીનગરમાં આયોજીત ગોસ્વામી સમાજના સ્નેહમિલનમાં સંબોધન કરી રહ્યાં હતાં. તેમણે અન્ય રાજ્યોની તુલનાએ ગુજરાતની પ્રગતિ-વિકાસની વિસ્તૃત વિગતો જણાવી હતી.
અત્યારે અમુક લોકો ગુજરાતના વિકાસની છબીને ધૂંધળી કરવામાં લાગ્યા છે અને ગુજરાતના સર્વાંગી વિકાસને નકારી રહ્યાં છે, પરંતુ ગુજરાતની જનતા આવી વાતોથી ભરમાશે નહી કે આવી વાતોમાં આવશે નહી તેમ તેમણે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત બે દાયકાથી સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસના મંત્રને અનુસરીને દેશનું મોડલ સ્ટેટ બન્યું છે. કોઇ એવું ક્ષેત્ર નથી જ્યાં આપણે નવા પ્રકલ્પો-નવી સિદ્ધિ પ્રાપ્ત ન કરી હોય. માનવ વિકાસ-જન સુખાકારીના તમામ પાસાંઓમાં ગુજરાત અન્ય રાજ્યોને રાહ ચિંધી શકે તેટલું સક્ષમ અને આદર્શ રાજ્ય છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ગુજરાતને છેલ્લા ૮ વર્ષની ડબલ એન્જીનની સરકારનો લાભ મળી રહ્યો છે. નાના-મોટા દરેક સમાજ વર્ગની દરકાર લઇ ગુજરાતની ભાજપા સરકાર સૌના ઉત્કર્ષ, આર્થિક-સામાજીક ઉન્નતિ માટે કર્તવ્યરત છે.
મુખ્યમંત્રીશ્રીએ આ તકે ગોસ્વામી સમાજના સાધુ-સંન્યાસીઓનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું અને આશીર્વાદ મેળવ્યા હતાં.
બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ઉદય કાનગડે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિ સનાતની પરંપરાઓને ચુસ્તપણે અનુસરનારી છે. આ પરંપરાઓના રક્ષણ-સંવર્ધન માટે કાર્યરત ગોસ્વામી સમાજ હંમેશા ભાજપા સરકારની પડખે રહ્યો છે.
દોલતગીરી બાપુએ જણાવ્યું કે, શ્રાવણ મહિનામાં તપ-જપ કરી, તે પૂણ્ય ભેગું કરી ગોસ્વામી સમાજના સંતો-સંન્યાસીઓ મુખ્યમંત્રીશ્રીને આશીર્વાદ આપવા પધાર્યા છે. મુખ્યમંત્રીના મુદુ અને મક્કમ સ્વભાવ અને સરળ વ્યક્તિત્વની તેમણે પ્રશંસા કરી હતી.
આ સમારોહમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ હર્ષદગીરી, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ ભગવાનદાસ પંચાલ, ધર્મેન્દ્રગીરીજી, મયંક નાયક,યુવા નેતા રોહિત સાધુ સહિતના મહાનુભાવો તેમજ ગોસ્વામી સમાજના અગ્રણી-ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.