કેન્દ્રીય સંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે મોટું નિવેજન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે 6G પર કામ શરૂ કરી દીધું છે. તેમણે દાવો કર્યો છે કે, 4G અને 5G પણ ઘણી સારી પ્રગતિ પર છે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, આપણે 6G ટેક્નોલોજીમાં વિશ્વના અન્ય દેશો કરતા આગળ હોવા જોઈએ. નહીં તો પ્રતિભાઓનો દેશ કહેવાનો શું અર્થ રહી જશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સરકાર ટેક્નોલોજીના વિકાસ માટે નિયમનકારી માળખામાં ફેરફારની તૈયારી કરી રહી છે. આપણે કાયદાકીય માળખું, નિયમનકારી અમલીકરણ માળખું અને આપણી સરકારી સંસ્થાઓની વિચારસરણી, લોકોની તાલીમમાં પરિવર્તન લાવવાની જરૂર છે.
તેમણે જણાવ્યું કે, ટેક્નોલોજીના વિકાસ માટે આપણે તેના પર સતત કામ કરતા રહેવાની અને આ ક્ષેત્રમાં વધુને વધુ સ્ટાર્ટઅપ્સને જોડવાની જરૂર છે. તેમના સંબોધનમાં તેમણે કહ્યું કે ,આ એકમાત્ર ક્ષેત્ર છે જે ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોને જન્મ આપશે.
કેન્દ્રીય સંચાર મંત્રીએ જણાવ્યું કે, જ્યારે 2G અને 3Gની વાત થતી હતી ત્યારે આપણે વિશ્વના તમામ દેશોથી પાછળ હતા. પરંતુ હવે એવું નથી. આપણે 5G અને 6G ટેક્નોલોજીના સંદર્ભમાં આગળ રહેવું પડશે. એક પ્રતિભાશાળી રાષ્ટ્ર તરીકે આપણે એ રીતે વિચારવું પડશે કે આપણે સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરી શકીએ અને દિશા નિર્ધારિત કરી શકીએ.
તેમણે ઉમેર્યું કે, 35 ભારતીય ટેલિકોમ કંપનીઓ વિદેશી બજારોમાં તેમના ઉત્પાદનોની નિકાસ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીના લોકો આજે ભાવિ 5G અને 6G ટેક્નોલોજીના વિકાસ માટે ઈન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન હેઠળના સૌથી મહત્વપૂર્ણ જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે.