હોળી પહેલા સરકારે કર્મચારીઓને મોટો ઝટકો આપ્યો છે. જે દેશના લગભગ 6 કરોડ પગારદારોને સીધો જ નિરાશ કરશે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બે દિવસીય બેઠક શુક્રવારે ગુવાહાટીમાં શરૂ થઈ હતી. આ બેઠકમાં ચર્ચા બાદ શનિવારે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના હવાલેથી મળતી માહિતી પ્રમાણે, EPFOમાં જમા રાશિ પર મળતા વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને 8.5 ટકાથી ઘટાડીને 8.1 ટકા કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ બેઠકની પહેલા જ આશા સેવવામાં આવી રહી હતી કે તેમાં વ્યાજ સહિત ઘણા પ્રસ્તાવો પર મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને CBT ચાલુ નાણાકીય વર્ષમાં વ્યાજ દર ઘટાડવા અથવા તેને સ્થિર રાખવાનો નિર્ણય લઈ શકે છે.
જોકે એવો અંદાજ હતો કે વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે તો 8.35 થી 8.45 ટકાની રેન્જમાં રાખવામાં આવી શકે છે. પરંતુ સંસ્થાએ આ 8.1 ટકા ફિક્સને મંજૂરી આપી છે. હવે CBTના નિર્ણય પછી, 2021-22 માટે EPF ડિપોઝિટ પર વ્યાજ દર સંમતિ માટે નાણાં મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલય અને સરકાર દ્વારા પુષ્ટિ કર્યા પછી જ EPFO વ્યાજ દર પ્રદાન કરે છે.