અમદાવાદ શહેરના બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના પ્રવેશથી વંચિત ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના સ્થાનિક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓના વિશાળ હિતમાં કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. અને બી.એસસી.ના વર્ગો વધારી અને બેઠકો વધારી પ્રવેશ આપવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ પત્ર લખી માંગણી કરી હતી.
હિંમતસિંહ પટેલે પત્રમાં જણાવ્યું હતું કે, પૂર્વ વિસ્તારના ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે અનેક લડતો અને આંદોલન પછી પૂર્વ વિસ્તારમાં પાંચથી આઠ ક્લાસરૂમમાં શરૂ કરવામાં આવેલ કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજનો મહત્તમ લાભ પૂર્વના સ્થાનિક વિદ્યાર્થીઓને મળે છે, જેના કારણે તેઓએ સ્વનિર્ભર કોલેજોમાં કે દૂરની કોલેજોમાં જવું પડતું નથી અને ઉચ્ચ શિક્ષણ મેળવી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી શકે છે. જ્યારથી ઓનલાઈન પ્રવેશ પદ્ધતિ દાખલ કરવામાં આવી છે ત્યારથી પૂર્વ વિસ્તારના ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના સ્થાનિક વિદ્યાર્થીઓને દૂરની કોલેજો અને સ્વનિર્ભર કોલેજો ફાળવવામાં આવે છે, જે તેઓને આર્થિક રીતે પોસાતું ન હોઈ ઉચ્ચ શિક્ષણથી વંચિત રહે છે અને ભાવિ અંધકારમય બને છે. જે વિદ્યાર્થીઓને કે. કા. શાસ્ત્રીમાં પ્રવેશ આપવામાં આવે છે તેવા ઘાટલોડીયા, બોપલ, સાબરમતી જેવા દૂરના વિસ્તારના વિદ્યાર્થીઓ માત્ર નામ માટે જ અભ્યાસ કરતા હોય છે અને ફક્ત પરીક્ષા આપવા માટે જ કોલેજ ખાતે આવે છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર ખોખરામાં આવેલ સરકારી કે. કા. શાસ્ત્રી કોલેજની બેઠકો ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ભરાઈ જતા સેંકડો સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે. જુલાઈ માસમાં લીધેલ પૂરક પરીક્ષાના પરિણામોમાં પૂર્વ વિસ્તારના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પાસ થયા છે ત્યારે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને બદલે કે. કા. શાસ્ત્રી કોલેજ ખાતે વર્ગો વધારીને ઓફલાઈન પ્રવેશ આપવા માંગણી કરેલ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના માનનીય પ્રધાનમંત્રી નરેદ્ર મોદી અને તત્કાલીન શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલે સદર કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ખાતરી આપેલ હતી કે, પૂર્વ વિસ્તારના સ્થાનિક કોઈ વિદ્યાર્થીને ઉચ્ચ અભ્યાસ માટે દૂર સુધી જવું નહીં પડે અને ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કે. કા. શાસ્ત્રી કોલેજમાં જ પ્રવેશ મળી રહેશે, પરંતુ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓને સદર કોલેજમાં પ્રવેશ મળતો નથી અને દૂરની કોલેજોમાં આર્થિક કારણોસર જવા તૈયાર ન હોઈ શિક્ષણથી વંચિત રહે છે, જેથી ખોખરા અને નજીકના વિસ્તારોમાં રહેતા અને પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓને કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજમાં વર્ગો વધારી અને બેઠકો વધારીને પ્રવેશ આપવો જોઈએ.
વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં સરકારશ્રી કક્ષાએથી તાત્કાલિક યોગ્ય નિર્ણય કરી કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજમાં વર્ગો વધારી અને બેઠક વધારી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા હિંમતસિંહ પટેલે માંગણી કરી હતી.
કે. કા. શાસ્ત્રી સરકારી કોલેજના પ્રથમ વર્ષ બી.કોમ., બી.બી.એ., બી.સી.એ. અને બી.એસસી.ના વર્ગો અને બેઠકો વધારી સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા ધારાસભ્ય હિંમતસિંહ પટેલની માંગણી
