પ્રસાર ભારતીની માલિકીના ફ્રી ડાયરેક્ટ ટુ હોમ (DTH) પ્લેટફોર્મથી 1 એપ્રિલ, 2022થી 4 મોટા બ્રોડકાસ્ટર્સ તેમની સામાન્ય મનોરંજન ચેનલો (GEC) હટાવી નાખશે. ડીડી ફ્રી ડિશમાંથી હટાવવામાં આવનારી ચેનલો છે- સ્ટાર ઉત્સવ, ઝી અનમોલ, કલર્સ રિશ્તે અને સોની પલ. આ ચેનલો હવે માત્ર કેબલ, ટાટા પ્લે અને એરટેલ જેવા ડીટીએચ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
સેટેલાઇટ બ્રોડકાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રોડકાસ્ટર્સને ડર છે કે નવા ટેરિફ ઓર્ડર (NTO) 2.0ના અમલ પછી ગ્રાહકો પે ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ પરથી DD ફ્રી ડિશની તરફ સ્થળાંતર કરવાનું શરૂ કરશે. આને ધ્યાનમાં રાખીને બ્રોડકાસ્ટર્સે તેમના યુઝર્સ દીઠ સરેરાશ આવક (ARPU) વધારવા માટે આ લોકપ્રિય ચેનલોને DD ફ્રી ડિશમાંથી દૂર કરી છે. સૂત્રોનો એવો પણ દાવો છે કે, આ મોટા બ્રોડકાસ્ટર્સએ આ જાણી જોઈને લીધેલો નિર્ણય છે, જે ભવિષ્યમાં તેમના માટે ફાયદાકારક સાબિત થશે.
નોંધનીય છે કે, કેબલ અને ડીટીએચ પ્લેટફોર્મ બ્રોડકાસ્ટર્સને તેમના સભ્યોને ફ્રીમાં GEC કન્ટેન્ટ બતાવવા અંગે સતત ફરિયાદ કરી રહ્યા હતા. પે ટીવી પ્લેટફોર્મ આને લઈને સમાનતા ઈચ્છતા હતા કારણ કે આ ચેનલો ડીડી ફ્રી ડીશ ગ્રાહકો પાસેથી સબ્સ્ક્રિપ્શન ફી વસૂલતા નથી. ડીટીએચ ઓપરેટરોનું માનવું છે કે, આ ચેનલો પ્લેટફોર્મ પર પે અથવા એફટીએ હોવી જોઈએ.